T20 World Cup Final : ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 નો "સેમિ ફાઇનલ" બાદનો મહામુકાબલો રવિવારે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ શરૂ થશે.
ઈતિહાસ રચવાની સુવર્ણ તક
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા પાસે ઈતિહાસ રચવાની તક છે. જો ભારત આ મેચ જીતશે, તો તે T20 વર્લ્ડ કપના ખિતાબને સફળતાપૂર્વક ડિફેન્ડ કરનારી (સતત બીજી વાર જીતનાર) વિશ્વની પ્રથમ ટીમ બનશે. આ સાથે જ ભારત 2007 અને 2024 બાદ ત્રીજી વખત ટ્રોફી પોતાના નામે કરી શકે છે.
શું અમદાવાદમાં 2023નો બદલો લેવાશે?
19 નવેમ્બર 2023ના રોજ આ જ મેદાન પર વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર થઈ હતી. તે સમયે લાખો ભારતીય ચાહકોના દિલ તૂટ્યા હતા. જોકે, ભારતે 2024માં વર્લ્ડ કપ જીતીને તે દર્દ થોડું ઓછું કર્યું હતું, પણ રવિવારે ફરી એકવાર આ જ મેદાન પર વિશ્વ વિજેતા બનવાની તક છે.
આ પણ વાંચો : ઈરાન યુદ્ધ હજુ 7 દિવસ ચાલશે તો દુનિયામાં મહામંદી સર્જાશે! 16 દેશોને અસર થવાનો દાવો
બુમરાહ મુખ્ય હથિયાર, સ્પિનરોમાં ફેરફાર શક્ય
જસપ્રીત બુમરાહ: ભારત માટે બુમરાહ સૌથી મોટું હથિયાર સાબિત થશે. તેની 4 ઓવર ફાઈનલનું પરિણામ નક્કી કરી શકે છે. જો કે સ્પિનરોમાં કેટલાક ફેરફાર થઇ શકે છે. વરુણ ચક્રવર્તી હાલમાં બહુ પ્રભાવશાળી દેખાઈ રહ્યો નથી, તેથી તેની જગ્યાએ કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. ઓપનિંગમાં અભિષેક શર્માની ફોર્મ ચિંતાનો વિષય છે. જો તે ફાઈનલમાં રમે છે, તો ન્યુઝીલેન્ડ તેની સામે ઓફ-સ્પિનર કોલ મેકકોન્ચીનો વહેલો ઉપયોગ કરી શકે છે.
🇳🇿 ન્યુઝીલેન્ડને હળવાશથી ન લેવાય
ન્યુઝીલેન્ડની ટીમે સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી છે. તેમની પાસે ફિન એલન, ગ્લેન ફિલિપ્સ અને કેપ્ટન સેન્ટનર જેવા ખેલાડીઓ છે જે ગમે ત્યારે મેચનું પાસું પલટી શકે છે.


