Indian Origin Players In T20 World Cup 2026 : ભારતમાં સાતમી ફેબ્રુઆરીથી T20 વર્લ્ડકપ શરૂ થવાનો છે, જેને લઈને ક્રિકેટના રસિયાઓમાં પણ પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, આ વખતના વર્લ્ડકપમાં વિદેશી ટીમોમાં કુલ 40 ખેલાડી મૂળ ભારતીયો છે. આ 40માંથી કેટલાક ખેલાડીઓ એવા છે, જેમણે ભારત તરફથી રમવાનું સપનું જોયું હતું, જોકે વર્તમાન સમયમાં ખૂબ સ્પર્ધા ચાલતી હોવાના કારણે તેઓ અન્ય દેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. હવે આ મૂળ ભારતીયોને વિશ્વમંચ પર પોતાની ઓળખ ઉભી કરવાની તક મળી છે અને ફરક એટલો જ છે કે, તેઓની માત્ર જર્સી અલગ છે.
કંઈ ટીમમાં કેટલા મૂળ ભારતીય ખેલાડીઓ
આ વખતના વર્લ્ડકપમાં કુલ 20 ટીમો ભાગ લેવાની છે, જેમાં કેનેડાની ટીમમાં સૌથી વધુ 11 મૂળ ભારતીયો સામેલ છે. ત્યારબાદ અમેરિકામાં 9, ઓમાન અને યુએઈમાં 7-7, ન્યૂઝીલેન્ડમાં 2 અને દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, ઈટાલી અને નેધરલેન્ડ્સમાં 1-1 મૂળ ભારતીય ખેલાડીઓ સામેલ છે.
મૂળ ભારતીય ખેલાડીઓની યાદી
- કેનેડા (Canada) : દિલપ્રીત બાજવા (કેપ્ટન), અજયવીર હુંડલ, અંશ પટેલ, હર્ષ ઠાકર, જસકરણદીપ બુટ્ટર, કંવરપાલ તાથગુર, નવનીત ધાલીવાલ, રવિંદરપાલ સિંહ, શિવમ શર્મા, શ્રેયસ મોવા, યુવરાજ સમરા
- અમેરિકા (USA) : મોનાંક પટેલ (કેપ્ટન), જેસી સિંહ, મિલિંદ કુમાર, નોસ્થુષ કેનજિગે, સાઈતેજા મુક્કામાલા, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, સૌરભ નેત્રવલકર, શુભમ રંજાને
- ઓમાન (Oman) : જતિંદર સિંહ (કેપ્ટન), વિનાયક શુક્લા, કરણ સોનાવલે, જય ઓડેડરા, આશિષ ઓડેડરા, વસીમ અલી, જિતેન રામાનંદી
- યુએઈ (UAE) : અલીશાન શરાફૂ, આર્યાંશ શર્મા, ધ્રુવ પરાશર, હર્ષિત કૌશિક, મયંક કુમાર, સિમરનજીત સિંહ, સોહૈબ ખાન
- ન્યૂઝીલેન્ડ (New Zealand) : ઈશ સોઢી, રચિન રવીન્દ્ર
- દક્ષિણ આફ્રિકા (South Africa) : કેશવ મહારાજ
- વેસ્ટઈન્ડીઝ (West Indies) : ગુડાકેશ મોટી
- ઈટાલી (Italy) : જસપ્રીત સિંહ
- નેધરલેન્ડ (Netherlands) : આર્યન દત્ત
આ પણ વાંચો : પાકિસ્તાનની મુશ્કેલી વધી, વધુ એક મેચ કેન્સલ થવાની ભીતિ, ભારતનો બહિષ્કાર ભારે પડશે!
વિદેશની ટીમમાં સામેલ મૂળ ભારતીય ખેલાડીઓને ‘ભારત કનેક્શન’
સપનું પુરુ થશે : મૂળ ભારતીય અને અમેરિકાના સુકાની મોનાંક પટેલ ગુજરાત અંડર-19માં રમી ચુક્યો છે. પટેલે કહ્યું કે, ‘આ વખતનો વર્લ્ડકપમાં ભાગ લેવો એ અમારા અનેક ખેલાડીઓ માટે સપનું પુરુ થવા સમાન છે. ભારતમાં અમેરિકા માટે રમવનું એક જુદા જ અનુભવ જેવું છે. અમેરિકાની ટીમમાં રમવાનો મારો નિર્ણય યોગ્ય સાબિત થયો છે.’
ઉબેર ચલાવતો મૂળ ભારતીય વર્લ્ડકપ સુધી પહોંચ્યો : ઈટાલીની ટીમમાં સામેલ મૂળ ભારતીય જસપ્રીત સિંહનો જન્મ પંજાબના ફગવાડામાં થયો છે. તેણે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મેદાન પર રમવાનું સ્વપ્ન જોયું હતું. એક સમયે જસપ્રીત પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઉબેર ચલાવતો હતો. જોકે તેની મહેનત રંગ લાવી છે અને તે ભારતમાં વર્લ્ડકપ રમવાનો છે.
નોકરીમાંથી રજા લઈ ક્રિકેટના મેદાનમાં આવશે : અમેરિકાના ઝડપી બોલર સૌરભ નેત્રવલકર જેવા અનેક ખેલાડીઓ આજે પણ પ્રોફેશનલ નોકરી કરે છે. નેત્રવલકર સોફ્ટવેર એન્જિનિયર છે અને તે રજાઓ લઈને ક્રિકેટ રમતો રહે છે. તેણે અગાઉના વર્લ્ડકપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને આઉટ કર્યા હતા.
ઓમાનના સુકાની લુધિયાણાના : લુધિયાણામાં જન્મેલા જતિંદર સિંહ ઓમાનના સુકાની છે. 36 વર્ષના કેરિયરમાં તેમને ક્યારેય ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી નથી. આ વખતે તેઓ ઓમાનની તમામ લીગ મેચ શ્રીલંકામાં રમાવાની છે, તેથી કદાચ આ વખતે તેમને ભારતમાં રમવાની તક નહીં મળે. જો ઓમાન સુપર-8 માટે ક્વોલિફાઈ થવામાં સફળ થશે તો જતિન્દરનું ભારતમાં રમવાનું સ્વપ્ન પુરુ થશે.
આર્યન દત્તનો બીજો વર્લ્ડકપ : નેધરલેન્ડના ઓફ-સ્પિનર આર્યન દત્ત એકમાત્ર ભારતીય મૂળના ખેલાડી છે. તે વન-ડે વર્લ્ડકપ-2023માં સામેલ હતો. પંજાબથી જોડાયેલા પારિવારિક સંબંધો ધરાવતા આર્યન આ વખતે ટી20 ફોર્મેટમાં મોટી ટીમોને ચોંકાવવાનો પ્રયાસ કરશે.
ભારતમાં તક ન મળી, કેનેડામાં નવી શરૂઆત કરી : પંજાબના ગુરદાસપુરમાં જન્મેલા દિલપ્રીત બાજવા 2020માં કેનેડા જતા રહ્યા. પંજાબમાં એઈજ ગ્રૂપ ક્રિકેટમાં રમ બનાવવા છતાં તેમને તક ન મળી, જોકે ત્યારબાદ તેમની કેનેડામાં નવી શરૂઆત થઈ અને 23 વર્ષના બાજવા આજે કેનેડાના સુકાની છે.
ભારતમાં તક મેળવવી મુશ્કેલ : પૂર્વ ભારતીય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર અને હાલ ઓમાનના નાયબ કોચ સુલક્ષણ કુલકર્ણીએ કહ્યું કે, ‘જ્યારે ખેલાડીઓને સમજાય છે કે, ભારતમાં તક મેળવવી મુશ્કેલ છે, ત્યારે તેઓ બહારનો વિકલ્પ શોધવાનું શરૂ કરી દે છે. વર્તમાન સમયમાં આવા ખેલાડીઓ હવે વધુ સમજી રહ્યા છે.’ કુલકર્ણી 1985થી 2001 દમિયાન ભારતની વિવિધ ટીમોમાં રમ્યા હતા. તેઓ સૌથી વધુ મુંબઈ ક્રિકેટ માટે રમ્યા હતા. નિવૃત્ત થયા બાદ તેઓ ક્રિકેટ કોચ બની ગયા છે.
T20 વર્લ્ડકપ-2026 ભારતીય મૂળના ખેલાડીઓનું સ્વપ્ન પુરુ કરવાનું મંચ
T20 વર્લ્ડકપ-2026 માત્ર ટ્રોફી જીતવાની કે ટક્કર માટેનું મંચ નથી, પરંતુ આ તે ભારતીય મૂળના ખેલાડીઓના સ્વપ્નનું મંચ છે, જેમને ભારતમાં તક મળી નથી. યજમાન ભારત ટ્રોફી જીતવા ઉતરશે, જ્યારે વિદેશી ટીમોમાં સામેલ મૂળ ભારતીય ખેલાડીઓ ઈતિહાસ રચવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો : વૈભવ સૂર્યવંશીની નબળાઈ છતી થઇ, U-19 વર્લ્ડ કપમાં એક જ પેટર્નથી 4 વખત આઉટ


