India

નિર્મલા સીતારામનના પતિ CJP સંગ મેદાનમાં ! દેશવ્યાપી આંદોલનમાં અભિજિત દીપકે અને પ્રકાશ રાજ સાથે મંચ પર જોવા મળશે

By GS Team
21 Oct 20263 mins read
TukuTouch Logo
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિ પરકલા પ્રભાકર, અભિનેતા પ્રકાશ રાજ અને અભિજિત દીપકે સાથે 23 ઓક્ટોબરે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 'પીપલ અગેઇન્સ્ટ SIR' ગઠબંધન દ્વારા યોજાનાર આ પ્રદર્શનમાં SIR પ્રક્રિયા રદ કરવા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ થશે. પ્રભાકરે 'હર ગલી મેં જંતર-મંતર'નું આહ્વાન કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નિર્મલા સીતારામનના પતિ CJP સંગ મેદાનમાં ! દેશવ્યાપી આંદોલનમાં અભિજિત દીપકે અને પ્રકાશ રાજ સાથે મંચ પર જોવા મળશે

Parakala Prabhakar Protest : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિ અને જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકર ફરી એકવાર મોદી સરકાર વિરુદ્ધ મોરચો માંડવા જઈ રહ્યા છે. તેઓ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે અને જાણીતા અભિનેતા-કાર્યકર્તા પ્રકાશ રાજ સાથે આગામી 23 ઑક્ટોબરના રોજ એક જ મંચ પર જોવા મળશે. આ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન 'પીપલ અગેઇન્સ્ટ SIR' ગઠબંધન દ્વારા SIR પ્રક્રિયાના વિરોધમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે, જેમાં સામેલ થઈને નેતાઓ SIR રદ્દ કરવાની તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરશે.

પરકલા પ્રભાકરનું આહ્વાન: 'હર ગલી મેં જંતર-મંતર'

સરકારની નીતિઓના પ્રખર આલોચક રહેલા પરકલા પ્રભાકરે આ દેશવ્યાપી પ્રદર્શનમાં જોડાવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લોકોને અપીલ કરી છે. તેમણે લખ્યું કે, ‘હર ગલી મેં જંતર-મંતર! શુક્રવાર, 23 ઑક્ટોબર-2026. લોકશાહીની પુનઃસ્થાપના માટે જન માર્ચ. આવો, આપણે સૌ આ પડકારનો સામનો કરીએ.’

પ્રદર્શનમાં બોરા-દીપકે સહિત અનેક હસ્તીઓ

આ પ્રદર્શનમાં AISA ના અધ્યક્ષ નેહા બોરા, CJP ના સ્થાપક અભિજિત દીપકે સહિત દેશભરના અનેક સામાજિક કાર્યકરો અને જાણીતી હસ્તીઓ જોડાશે. અગાઉ 8 ઑક્ટોબરે બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં યુટ્યુબર ધ્રુવ રાઠી અને પ્રકાશ રાજ સાથે પણ પ્રભાકરે CJP ના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

કોણ છે પરકલા પ્રભાકર?

આંધ્રપ્રદેશના નરસપુરમમાં જન્મેલા પરકલા પ્રભાકર વ્યવસાયે જાણીતા રાજકીય અર્થશાસ્ત્રી છે. દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત નિર્મલા સીતારામન સાથે થઈ હતી. બંનેની રાજકીય વિચારધારાઓ એકબીજાથી તદ્દન અલગ હોવા છતાં તેમણે વર્ષ 1986 માં લગ્ન કર્યા હતા. નિર્મલા સીતારામન લાંબા સમયથી ભાજપ સાથે સંકળાયેલા હોવા છતાં, પ્રભાકર સત્તાધારી પક્ષની નીતિઓના કટ્ટર ટીકાકાર રહ્યા છે. તેમણે પોતાના પુસ્તક 'ધ ક્રૂક્ડ ટિમ્બર ઓફ ન્યૂ ઇન્ડિયા' માં નોટબંધી જેવા સરકારી નિર્ણયોની આકરી ટીકા કરી હતી તેમજ દેશમાં વધતી બેરોજગારી અને લોકશાહી સંસ્થાઓના નબળા પડવા અંગે સવાલો ઉઠાવ્યા હતા.

ચિરંજીવીની પાર્ટીથી લઈને ચંદ્રબાબુ નાયડુના સલાહકાર સુધીની સફર

પરકલા પ્રભાકરની ટૂંકી રાજકીય સફર પણ ખૂબ ચર્ચાસ્પદ રહી છે. તેમની રાજકીય ઇનિંગ વર્ષ 2009 માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ અભિનેતા ચિરંજીવી દ્વારા રચાયેલી 'પ્રજા રાજ્યમ પાર્ટી' માં જોડાયા હતા. ત્યારબાદ વર્ષ 2014 થી 2018 સુધી તેમણે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ હેઠળની આંધ્રપ્રદેશ સરકારમાં કમ્યુનિકેશન એડવાઈઝર તરીકે મહત્વની જવાબદારી સંભાળી હતી. જોકે, એપ્રિલ 2018માં TDPએ NDA સાથે છેડો ફાડ્યો તે પછી વિપક્ષે આક્ષેપો કર્યા કે તેમના પરિવારના સભ્ય (નિર્મલા સીતારામન) કેન્દ્રમાં હોવાથી રાજ્યના હિતો જોખમાઈ શકે છે, જેના પગલે તેમણે અચાનક પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

'એન્ટી-SIR' આંદોલન કેમ પકડાઈ રહ્યું છે જોર?

દેશભરમાં 14 ઑક્ટોબરના રોજ 'પીપલ અગેઇન્સ્ટ SIR' નામના નવા ગઠબંધનની રચના કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, દલિતો, આદિવાસીઓ અને લઘુમતી સમુદાયોના સંગઠનો એકઠા થયા છે. આ ગઠબંધને ગંભીર આક્ષેપ કર્યો છે કે SIR પ્રક્રિયાના કારણે દેશભરમાંથી મોટી સંખ્યામાં યોગ્ય મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા છે, જેમાં મોટાભાગે વંચિત અને નબળા વર્ગના લોકોનો સમાવેશ થાય છે. હવે પરકલા પ્રભાકર, અભિજિત દીપકે અને પ્રકાશ રાજ જેવા દિગ્ગજોના જોડાવાથી આ આંદોલન રાષ્ટ્રીય સ્તરે વધુ વેગ પકડે તેવી શક્યતા છે.