Suryakumar Yadav Sacked Captaincy : સૂર્યકુમાર યાદવને ભારતીય T20 ટીમના કેપ્ટન પદેથી હટાવ્યા બાદ રોહિત શર્માની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. રોહિત આ મુશ્કેલ સમયમાં સૂર્યાના સમર્થનમાં જોવા મળ્યો હતો. તેણે જણાવ્યું કે સૂર્યકુમાર યાદવ માટે આ સફરમાં કંઈપણ સરળ રહ્યું નથી.શનિવારે બપોરે BCCI એ શ્રેયસ અય્યરને ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન નિયુક્ત કર્યો છે. સૂર્યાની કેપ્ટનશીપમાં ભારતે થોડા મહિના પહેલા જ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ભારત બેક-ટુ-બેક 2 T20 વર્લ્ડ કપ જીતનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો, આ ઉપરાંત ટીમ ઇન્ડિયા હોમ ગ્રાઉન્ડ પર T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતનારી પણ પ્રથમ ટીમ બની હતી. આટલી શાનદાર સફળતા અપાવવા છતાં સૂર્યાને કેપ્ટન પદેથી હટાવી દેવાયા છે.
સૂર્યા સાથે પણ એવો જ વ્યવહાર થયો જેવો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા સાથે થયો હતો. રોહિત શર્માએ ભારતને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી હતી, પરંતુ તે ટૂર્નામેન્ટના તરત જ બાદ તેની પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી અને શુભમન ગિલને વનડે (ODI) ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
રોહિત શર્માએ સૂર્યાના સંઘર્ષને બિરદાવ્યો
શનિવારે 'T20 મુંબઈ લીગ' ના એક કાર્યક્રમ દરમિયાન વાતચીત કરતી વખતે રોહિત શર્માએ સૂર્યકુમારની સર્વોચ્ચ શિખર સુધીની સફર વિશે જણાવ્યું હતું કે, 'તેણે એ મહેનત અને સમર્પણને હાઇલાઇટ કર્યું જેના કારણે સૂર્યાને 30 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં જગ્યા મળી અને અંતે તેણે ટીમને T20 વર્લ્ડ કપ જીતાડ્યો.'
રોહિતે કહ્યું, 'મને પૂરી ખાતરી છે કે કંઈપણ સરળ રહ્યું નથી, ખાસ કરીને સૂર્યા માટે. જો હું ભૂલતો ન હોઉં તો તેણે 30 કે 31 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું, જેનો અર્થ એ છે કે, તેણે ક્યારેય હાર માની નહોતી. તે હંમેશાં મેદાનમાં ટકી રહેવા માંગતો હતો અને જ્યારે તક મળી, ત્યારે તે તેને બંને હાથે ઝડપી લેવા માંગતો હતો, અને તેણે એવું જ કર્યું.'
સૂર્યકુમાર યાદવની શાનદાર T20 કરિયર
સૂર્યાને કેપ્ટનશીપ પરથી હટાવવાની સાથે જ ભારતના T20I સેટઅપમાં એક સુવર્ણ પ્રકરણનો અંત આવ્યો છે. માર્ચ 2021માં ડેબ્યૂ કર્યા પછી, મુંબઈના આ બેટ્સમેને 113 મેચોમાં 36.35ની એવરેજ અને 162.94 ના સ્ટ્રાઈક-રેટથી 3,272 રન બનાવ્યા છે. તેના રેકોર્ડમાં 25 હાફ-સેન્ચુરી (અડધી સદી) અને 4 સેન્ચુરી (સદી) સામેલ છે. આ આંકડાઓએ તેને વર્લ્ડ ક્રિકેટનો સૌથી ખતરનાક T20 બેટ્સમેન બનાવવામાં મદદ કરી છે.
સૂર્યાએ 2024ના T20 વર્લ્ડ કપ પછી ભારતીય ટીમની કમાન સંભાળી હતી જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોએ આ ફોર્મેટને અલવિદા કહ્યું હતું. તેની કેપ્ટનશીપમાં ભારત એકપણ સિરીઝ હાર્યું નથી. આ સિવાય ટીમ ઇન્ડિયાએ એશિયા કપ અને T20 વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ પણ જીતી હતી. એશિયા કપમાં તો ભારતે પાકિસ્તાનને ફાઇનલ સહિત 3 વખત ધૂળ ચટાડી હતી.


