IPLમાં સ્ટાર ખેલાડીને 16.75 કરોડનું નુકસાન, ગત સિઝનમાં ફ્લોપ થતાં હવે આટલામાં વેચાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2026 Auction: ભારતીય ઓલરાઉન્ડર અને ઈન્દોરના રહેવાસી વેંકટેશ અય્યરને IPL 2026ની હરાજીમાં મોટી રકમ મળવાની અપેક્ષા હતી. એવું માનવામાં આવી રહ્યું હતું કે, પાછલી હરાજીની જેમ ફ્રેન્ચાઈઝીઓ આ વખતે પણ તેના પર મોટી રકમ ખર્ચ કરશે. જોકે તેને ખરીદનાર તો મળ્યો, પરંતુ કિંમત અપેક્ષા કરતા ઘણી ઓછી રહી અને તેના કારણે તેને કરોડોનું નુકસાન થયું.
હરાજીમાં જ્યારે વેંકટેશ અય્યરનું નામ આવ્યું ત્યારે તેની જૂની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ અને હાલની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ. બંને ટીમો તેને પોતાની ટીમમાં જોડવા માગતી હતી, પરંતુ અંતે RCBએ બાજી મારી લીધી અને તેને 7 કરોડમાં ખરીદી લીધો. આ રકમ વેંકટેશ માટે ફાયદાનો સોદો સાબિત ન થઈ.
ગત સિઝનમાં ફ્લોપ થતાં હવે આટલામાં વેચાયો
વાસ્તવમાં વેંકટેશ અય્યરને આ નુકસાન ગત સિઝનના કારણે થયું છે. IPL 2025માં કોલકાતા નાઈટ રાઇડર્સે તેને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બીજી તરફ આ વખતે તેને માત્ર 7 કરોડ રૂપિયા મળ્યા, એટલે કે 16.75 કરોડ રૂપિયાનું સીધું નુકસાન થયું. ગત સિઝનમાં તેનું પ્રદર્શન ટીમની અપેક્ષાઓ પર ખરું ઉતર્યું ન હતું. તે આખી સિઝનમાં ફ્લોપ રહ્યો હતો. તેણે 11 મેચમાં માત્ર 142 રન બનાવ્યા હતા, જેના કારણે KKRએ તેને રિટેન નહોતો કર્યો. કોલકાતાએ તેને હરાજીમાં ફરીથી ખરીદવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઊંચી બોલી લાગવાને કારણે તેઓ પાછળ હટી ગઈ.
પહેલી વાર બદલશે ટીમ
IPL કરિયરમાં આ પહેલી વાર હશે જ્યારે વેંકટેશ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સ સિવાયની અન્ય જર્સીમાં જોવા મળશે. તેણે 2021માં KKR સાથે પોતાના IPL કરિયરની શરૂઆત કરી હતી. પહેલી જ સિઝન માં તેણે 10 મેચમાં 370 રન બનાવીને પોતાની છાપ છોડી દીધી, જેમાં ચાર અડધી સદી સામેલ છે. જો કે, પછીની સિઝનમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું, તેણે 12 મેચમાં ફક્ત 182 રન જ બનાવી શક્યો.
આ પણ વાંચો: દરેક બોલે છગ્ગો મારવા સક્ષમ, CSKએ લગાવ્યો મોટો દાવ, ધોનીને રિપ્લેસ કરે તેવી ચર્ચા!
ઉતાર-ચઢાવ ભર્યું રહ્યું IPL કરિયર
2023માં વેંકટેશે 14 મેચોમાં 404 રન બનાવ્યા, જેમાં બે અડધી સદી અને એક સદી સામેલ છે. 2024માં તેણે 15 મેચમાં 370 રન બનાવીને કેકેઆરને ટાઈટલ જીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને ચાર અડધી સદી ફટકારી. પરંતુ ગત સિઝન તેના માટે ખૂબ જ નિરાશાજનક રહી.
અત્યાર સુધીમાં વેંકટેશ અય્યર IPLમાં 62 મેચ રમી ચૂક્યો છે અને 1,468 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 12 અડધી સદી સામેલ છે. IPL 2026માં RCB વતી રમતા તે માત્ર પોતાના પ્રદર્શનથી ટીમનો વિશ્વાસ જીતવાનો જ નહીં પરંતુ અગાઉની હરાજીમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો પણ પ્રયાસ કરશે.









