Get The App

દરેક બોલે છગ્ગો મારવા સક્ષમ, CSKએ લગાવ્યો મોટો દાવ, ધોનીને રિપ્લેસ કરે તેવી ચર્ચા!

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
દરેક બોલે છગ્ગો મારવા સક્ષમ, CSKએ લગાવ્યો મોટો દાવ, ધોનીને રિપ્લેસ કરે તેવી ચર્ચા! 1 - image

Kartik Sharma: IPL 2026ની હરાજીમાં રાજસ્થાનનો 19 વર્ષીય ક્રિકેટર કાર્તિક શર્મા ચમક્યો છે. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 14.20 કરોડમાં ખરીદ્યો છે. આ સાથે જ તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી પણ બની ગયો છે. તેણે પ્રશાંત વીર સાથે બરાબરી કરી, જેને થોડી જ મિનિટો પહેલા CSKએ 14.20 કરોડમાં ખરીદ્યો હતો. કાર્તિક પોતાની સક્સ હીટિંગ સ્કિલ માટે જાણીતો છે.

કાર્તિક રાજસ્થાનના ભરતપુર જિલ્લા સાથે સબંધ ધરાવે છે. અહીં જન્મેલા અને ઉછરેલા કાર્તિકે નાની ઉંમરે ક્રિકેટને પોતાનો લક્ષ્ય બનાવી લીધો હતો. સ્થાનિક ક્રિકેટમાં રાજસ્થાન માટે રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જેવી મોટી ટુર્નામેન્ટમાં રમી ચૂક્યો છે. આ ઉપરાંત તેણે સ્થાનિક લીગમાં ઉદયપુર લેક સિટી વોરિયર્સનું પણ પ્રતિનિધિત્વ કર્યું છે.

લોઅર ઓર્ડરનો ખતરનાક ફિનિશર

કાર્તિકની સૌથી મોટી ઓળખ તેની નીડર બેટિંગ અને લાંબા છગ્ગા છે. તે લોઅર ઓર્ડરમાં બેટિંગ કરવા ઉતરીને આખી મેચ પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે. તેણે અત્યાર સુધી રમેલી 12 T20 મેચોમાં 164ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી 334 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 28 છગ્ગા ફટકાર્યા છે, જે તેના આક્રમક અભિગમ અને ક્લીન હીટિંગનો સ્પષ્ટ પુરાવો છે. 

આંકડાથી આગળની સ્ટોરી

કાર્તિક માત્ર આંકડાનો ખેલાડી નથી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રાજસ્થાનની ટીમને નોકઆઉટ સુધી પહોંચાડવામાં તેની ફિનિશિંગ સ્કિલે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દબાણમાં શાંત રહેવું અને અંતિમ ઓવરોમાં મોટા શોટ મારવાની ક્ષમતાએ પસંદગીકારો અને ફ્રેન્ચાઈઝીઓનું ધ્યાન ખેંચ્યું.

મોટી હસ્તીઓએ કરી પ્રશંસા

કાર્તિકની પ્રતિભા પર માત્ર ઘરેલું ક્રિકેટ જ નહીં, પરંતુ મોટા નામોની પણ નજર પડી છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન અને ભારતીય ઓફ-સ્પિનર ​​આર. અશ્વિન જેવી હસ્તીઓએ તેની રમતની ખુલ્લા મંચથી પ્રશંસા કરી છે. એટલું જ નહીં તેને JSW ગ્રુપનું પણ સમર્થન છે.

ધોનીને રિપ્લેસ કરે તેવી ચર્ચા

કાર્તિક પર CSKનું મોટું રોકાણ કારણ વગર નથી. વિકેટકીપર-બેટ્સમેન, શાંત સ્વભાવ, મેચ ફિનિશિંગ ક્ષમતા આ ગુણોના કારણે તેને ભવિષ્યમાં મહેન્દ્ર સિંહ ધોનીનો સંભવિત રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. જોકે, 19 વર્ષની ઉંમરે આ સરખામણી ઉતાવળી હોઈ શકે છે, પરંતુ CSKની વ્યૂહરચના સ્પષ્ટ છે- ભવિષ્યનો પાયો આજે મજબૂત કરવો.