Get The App

T20 World Cup : શ્રીલંકા સતત બીજી મેચ જીત્યું, દાસુન શનાકાએ રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
T20 World Cup : શ્રીલંકા સતત બીજી મેચ જીત્યું, દાસુન શનાકાએ રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી 1 - image

T20 World Cup 2026, Sri Lanka vs Oman : ટી20 વર્લ્ડ કપ 2026માં શ્રીલંકાની ટીમે શાનદાર પ્રદર્શન જાળવી રાખી ઓમાનને 105 રનથી હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં 19 વર્ષ બાદ એવો રેકોર્ડ નોંધાયો છે, જેમાં શ્રીલંકાએ સૌથી મોટા માર્જીન રનથી જીત મેળવી છે. આ ઐતિહાસિક મેચમાં કેપ્ટન દાસુન શનાકાએ વિસ્ફોટક બેટિંગ કરીને રોહિત શર્માના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે, સાથે જ શનાકાએ વર્લ્ડ કપમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

T20 World Cup : શ્રીલંકા સતત બીજી મેચ જીત્યું, દાસુન શનાકાએ રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી 2 - image

મેન્ડિસ-રત્નાયકે લડખડાયેલી શ્રીલંકન ટીમને ઉગારી

પાલ્લેકેલે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઓમાને ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ આપી હતી. શ્રીલંકાની શરૂઆત નબળી રહી હતી અને ટીમે 42 રનમાં જ કામિલ મિશારા અને પાથુમ નિસાંકાની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, ત્યારબાદ કુસલ મેન્ડિસ અને પવન રત્નાયકેએ બાજી સંભાળી હતી અને ત્રીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી નોંધાવી હતી. કુસલ મેન્ડિસે 45 બોલમાં 61 રન અને પવન રત્નાયકેએ 28 બોલમાં 60 રનની આક્રમક ઈનિંગ રમી હતી.

T20 World Cup : શ્રીલંકા સતત બીજી મેચ જીત્યું, દાસુન શનાકાએ રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી 3 - image

દાસુન શનાકાની તોફાની બેટિંગ

ત્યારબાદ મેદાન પર આવેલા કેપ્ટન દાસુન શનાકાએ તોફાની બેટિંગ કરતા માત્ર 19 બોલમાં પાંચ સિક્સ અને બે ફોર સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે મેન્ડિસ સાથે ચોથી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. શનાકાની આ ઈનિંગના દમ પર શ્રીલંકાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 225 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જે આ વર્લ્ડ કપનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.

T20 World Cup : શ્રીલંકા સતત બીજી મેચ જીત્યું, દાસુન શનાકાએ રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી 4 - image

ઓમાન તરફથી એકમાત્ર નદીમની અડધી સદી

226 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓમાનની ટીમ શ્રીલંકાના બોલરો સામે લાચાર દેખાઈ હતી. ઓમાનની ટીમે પાવરપ્લેની પ્રથમ 6 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ તરફથી એકમાત્ર મોહમ્મદ નદીમે 53 રન બનાવીને સંઘર્ષ કર્યો હતો અને આખી ટીમ 120 રન પર સમેટાઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી દુષ્મંતા ચમીરા અને મહીશ તીક્ષણાએ 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે વેલાલાગે, હેમંથા અને કામિન્ડુ મેન્ડિસને 1-1 સફળતા મળી હતી.

T20 World Cup : શ્રીલંકા સતત બીજી મેચ જીત્યું, દાસુન શનાકાએ રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી 5 - image

રેકોર્ડ-1 : દાસુન શનાકાએ રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી

કેપ્ટન શનાકાએ માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારીને રોહિત શર્માના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. રોહિત શર્માએ 2024ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે 19 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે ટી20 વર્લ્ડ કપમાં કોઈ પણ કેપ્ટન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી અડધી સદી છે. આ ઉપરાંત, શનાકા હવે શ્રીલંકા માટે ટી20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

T20 World Cup : શ્રીલંકા સતત બીજી મેચ જીત્યું, દાસુન શનાકાએ રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી 6 - image

રેકોર્ડ-2 : શ્રીલંકાએ બીજી વખત મોટા માર્જીનથી જીત મેળવી

શ્રીલંકાએ ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બીજી વખત 100થી વધુ રનના અંતરથી મેચ જીતી છે. આ અગાઉ 2007માં કેન્યા સામે શ્રીલંકાએ 172 રને જીત મેળવી હતી. નોંધનીય છે કે ભારત અત્યાર સુધી ટી20 વર્લ્ડ કપમાં ક્યારેય 100 કે તેથી વધુ રનના અંતરથી જીત્યું નથી.

T20 World Cup : શ્રીલંકા સતત બીજી મેચ જીત્યું, દાસુન શનાકાએ રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી 7 - image

રેકોર્ડ-3 : ટી20 વર્લ્ડકપમાં હાઈએસ્ટ સ્કોરમાં શ્રીલંકા ચોથા નંબરે

શ્રીલંકાએ બનાવેલો 225 રનનો સ્કોર ટી20 વર્લ્ડ કપના ઈતિહાસનો ચોથો સૌથી મોટો સ્કોર છે. આ સાથે જ આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ કેનેડા સામે બનાવેલા 213 રનના રેકોર્ડને તોડીને શ્રીલંકાએ આ વર્ષનો સર્વોચ્ચ સ્કોર પોતાના નામે કર્યો છે. ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 260 રન બનાવવાનો રેકોર્ડ પણ શ્રીલંકાના નામે જ છે.

આ પણ વાંચો : T20 કે IPL નહીં... વનડે વર્લ્ડકપ જ સર્વોચ્ચ! રોહિત શર્માએ 2027માં ભારતને ચેમ્પિયન બનાવવા લીધો સંકલ્પ