વેનેઝુએલા ભૂકંપના પીડિત બાળકની કહાની સાંભળી રડી પડ્યો રોનાલ્ડો, સરપ્રાઈઝ આપી દિલ જીત્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ronaldo Message for a Kid: ફિફા વર્લ્ડ કપ 2026માં પોર્ટુગલની ટીમે શાનદાર પ્રદર્શન કરીને રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી લીધી છે, જ્યાં હવે તેનો મુકાબલો સ્પેન સામે થવાનો છે. રાઉન્ડ ઓફ 32માં ક્રોએશિયા સામે ગોલ ફટકારીને ઈતિહાસ રચનાર પોર્ટુગલના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેદાનની બહાર પણ લોકોના દિલ જીતી લીધા છે. રોનાલ્ડોએ વેનેઝુએલાના ભૂકંપ પીડિત એક નાનકડા બાળક માટે ખાસ વીડિયો સંદેશ મોકલીને તેની એક અધૂરી ઈચ્છા પૂરી કરવાનું વચન આપ્યું છે. રોનાલ્ડોના આ સંવેદનશીલ પગલાના સોશિયલ મીડિયા પર ચોમેર વખાણ થઈ રહ્યા છે.
કુદરતી આફતમાં પરિવાર ગુમાવ્યો, એક પગ પણ કાપવો પડ્યો
ઉલ્લેખનીય છે કે, 24 જૂનના રોજ વેનેઝુએલામાં આવેલા ભયાનક ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને કેટલાય પરિવારો ઉજડી ગયા છે. આ જનહાનિની વચ્ચે મોતને હાથતાળી આપીને પાછા ફરેલા લોકોમાં એન્ડ્રેસ મિલેસ નામનો એક નાનો બાળક પણ સામેલ છે. એન્ડ્રેસ ભૂકંપ બાદ કાટમાળ નીચે દબાયેલો મળ્યો હતો. સદ્ભાગ્યે તેનો જીવ તો બચી ગયો, પરંતુ આ દુર્ઘટનામાં તેણે પોતાનો આખો પરિવાર ગુમાવી દીધો. એટલું જ નહીં, ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન ડોક્ટરોએ તેનો એક પગ કાપવો પડ્યો હતો.
બાળકની નાનકડી ઈચ્છા અને રોનાલ્ડોનું સરપ્રાઈઝ
હોસ્પિટલના બિછાને પડેલા આ બાળકની કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. એન્ડ્રેસે મીડિયા સમક્ષ પોતાની એક માસૂમ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું 'પેનીની વર્લ્ડ કપ સ્ટીકર' મેળવવા માંગે છે. જ્યારે આ વાત પોર્ટુગલના આ દિગ્ગજ ખેલાડી સુધી પહોંચી, ત્યારે તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા. રોનાલ્ડોએ તરત જ આ બાળક માટે એક સ્પેશિયલ વીડિયો મેસેજ રેકોર્ડ કરીને મોકલ્યો હતો.
વીડિયો સંદેશમાં રોનાલ્ડોએ શું કહ્યું?
"હેલો એન્ડ્રેસ, તને ગળે લગાવવા માટે હું આ વીડિયો બનાવી રહ્યો છું. હું જાણું છું કે તું મારો સુપરફેન છે. જ્યારે તું સાજો થઈ જાય, ત્યારે તું મારો મેચ જોવા માટે સ્ટેડિયમ આવજે, હું તને વ્યક્તિગત રીતે આમંત્રિત કરું છું. મારા દોસ્ત, તને મળીને મને ખૂબ જ આનંદ થશે અને હું તને ગળે લગાવીશ."
ઓટોગ્રાફ વાળી જર્સીની ભેટ
અહેવાલો અનુસાર, એન્ડ્રેસની સંઘર્ષભરી કહાની સાંભળીને રોનાલ્ડો પોતાના આંસુ રોકી શક્યા નહોતા. તેમણે માત્ર વીડિયો સંદેશ જ નહીં, પરંતુ પોર્ટુગલ ટીમની ઓટોગ્રાફ કરેલી ખાસ જર્સી પણ આ પીડિત બાળક માટે મોકલવાનો નિર્ણય કર્યો છે. ફૂટબોલના મેદાન પર પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા રોનાલ્ડોએ આ સંવેદનશીલતા બતાવીને સાબિત કરી દીધું છે કે તેઓ શા માટે વિશ્વભરના કરોડો ચાહકોના દિલો પર રાજ કરે છે.









