Get The App

ICC Rankings: રોહિત શર્માનું રાજ ખતમ, ન્યુઝીલૅન્ડના બેટરે નંબર-1 બનીને રચ્યો ઇતિહાસ

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
ICC ODI Batting Rankings
(IMAGE - IANS)

ICC ODI Batting Rankings: ICCની તાજેતરની વનડે બેટિંગ રેન્કિંગ્સમાં આ વખતે નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ટીમ ઇન્ડિયાનો પૂર્વ કૅપ્ટન રોહિત શર્મા ટોચના સ્થાન પરથી ખસીને હવે બીજા ક્રમે આવી ગયો છે. જયારે પ્રથમ ક્રમે ન્યુઝીલૅન્ડનો મજબૂત બેટર ડેરીલ મિચેલએ તેનું સ્થાન લીધું છે. રસપ્રદ વાત એ છે કે બંને ખેલાડીઓ વચ્ચે માત્ર એક પોઇન્ટનો મામૂલી તફાવત છે, જેના કારણે આગામી રેન્કિંગમાં ફરી બદલાવ આવવાની પૂરી સંભાવના છે. અન્ય ખેલાડીઓની રેન્કિંગમાં પણ ઘણા ફેરફાર થયા છે, જેમાં પાકિસ્તાનના બાબર આઝમને નજીવો ફાયદો થયો છે.

ડેરીલ મિચેલ પહેલીવાર વનડેમાં ટોચ પર પહોંચ્યો

ન્યુઝીલૅન્ડના સ્ટાર બેટર ડેરીલ મિચેલએ ICC વનડે રેન્કિંગ્સમાં આ વખતે ઇતિહાસ રચ્યો છે, કારણ કે તે પહેલીવાર વિશ્વનો નંબર 1 બેટર બન્યો છે.  તેનું આ દમદાર પ્રદર્શન વેસ્ટ ઇન્ડિઝ સામેની તાજેતરની વનડે મેચમાં કરેલા 119 રનની શાનદાર ઇનિંગ્સનું પરિણામ છે, જેણે ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. આ પ્રદર્શનના કારણે, મિચેલને ICCની નવી રેન્કિંગમાં બે સ્થાનનો મોટો ફાયદો થયો છે અને તેની રેટિંગ 782 પોઇન્ટ્સ પર પહોંચી છે, જે તેના કરિયરની સર્વોચ્ચ રેટિંગ છે. વનડે રેન્કિંગ્સમાં તાજેતરના સમયમાં ન્યુઝીલૅન્ડના ઓછા બેટર્સ ટોચ પર પહોંચ્યા હોવાથી, આ સિદ્ધિ ન્યુઝીલૅન્ડ ક્રિકેટ માટે પણ ખાસ ગણાય છે.

રોહિત શર્માને રેન્કિંગમાં થયું નુકસાન

ટીમ ઇન્ડિયાનો સ્ટાર પ્લેયર રોહિત શર્મા આ વખતે એક સ્થાન નીચે સરકીને બીજા નંબર પર આવી ગયો છે. તેની રેટિંગ 781 પોઇન્ટ છે, એટલે કે મિચેલ કરતાં માત્ર 1 પોઇન્ટ ઓછી. આ નજીવો તફાવત દર્શાવે છે કે જો રોહિત આગામી વનડે મેચમાં સારું પ્રદર્શન કરે અને મિચેલનું પ્રદર્શન સરેરાશ રહે, તો રોહિત ફરીથી ટોચનું સ્થાન હાંસલ કરી શકે છે. રોહિત છેલ્લા કેટલાક મહિનાઓથી સતત શાનદાર ફોર્મમાં છે, જેના કારણે તે લાંબા સમય પછી વનડે બેટિંગમાં ફરીથી નંબર 1 બન્યો હતો. પરંતુ આ અઠવાડિયે રેન્કિંગમાં નજીવો ઘટાડો આવ્યો છે.

ઇબ્રાહિમ ઝાદરાનની રેન્કિંગમાં ઘટાડો, ગિલ અને કોહલી સ્થિર

અફઘાનિસ્તાનનો યુવા બેટર ઇબ્રાહિમ ઝાદરાનને આ વખતે એક સ્થાનનું નુકસાન થયું છે. તે ત્રીજા નંબર પર પહોંચી ગયો છે અને તેની રેટિંગ 764 પોઇન્ટ છે.

વળી, ભારતના બે સ્ટાર બેટર્સ શુભમન ગિલ અને વિરાટ કોહલી પોતાની અનુક્રમે ચોથી અને પાંચમી રેન્ક પર જળવાઈ રહ્યા છે. ગિલની પાછળની સિરીઝમાં સતત પ્રદર્શનને કારણે તેની રેન્કિંગ મજબૂત બની રહી છે. વિરાટ કોહલી પણ લિસ્ટમાં સ્થિર રહ્યો છે અને ટોપ-5માં સામેલ રહેનારા વિશ્વનો સૌથી ભરોસાપાત્ર બેટર્સમાંનો એક છે.

આ પણ વાંચો: કૅપ્ટન શુભમન ગિલ બીજી ટેસ્ટમાં રમશે કે નહીં? BCCI એ આપી લેટેસ્ટ અપડેટ

બાબર આઝમને મળ્યો ફાયદો

પાકિસ્તાનનો પૂર્વ કૅપ્ટન અને સ્ટાર બેટર બાબર આઝમને આ વખતે એક સ્થાનની પ્રગતિ મળી છે. તે 622 પોઇન્ટ સાથે હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. તાજેતરમાં સતત રન ન બનાવી શકવાને કારણે તેની રેન્કિંગમાં ઘટાડો થયો હતો, પરંતુ આ સપ્તાહે તેને નજીવો સુધારો જોવા મળ્યો છે. બાબર એવા વિશ્વ સ્તરીય બેટર્સમાંનો એક છે જે દરેક રેન્કિંગ ચક્રમાં મજબૂત વાપસી કરવાની ક્ષમતા ધરાવે છે.

શ્રેયસ ઐયરની રેન્કિંગમાં વધારો

ટીમ ઇન્ડિયાના ખેલાડી શ્રેયસ ઐયરએ એક સ્થાનની પ્રગતિ સાથે પોતાની રેન્કિંગ સુધારી છે અને હવે તે 700 રેટિંગ પોઇન્ટ્સ સાથે નંબર 8 પર આવી ગયો છે. શ્રેયસ સતત ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડર માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી સાબિત થયો છે. તેનાથી વિપરીત, શ્રીલંકાના ચરીથ અસલંકાને ત્રણ સ્થાનનું મોટું નુકસાન થયું છે અને તે નંબર 9 પર પહોંચી ગયો છે. વેસ્ટ ઇન્ડિઝનો ભરોસાપાત્ર ખેલાડી શે હોપએ પોતાની નંબર 10ની સ્થિતિ જાળવી રાખી છે.

ICC Rankings: રોહિત શર્માનું રાજ ખતમ, ન્યુઝીલૅન્ડના બેટરે નંબર-1 બનીને રચ્યો ઇતિહાસ 2 - image