Sports

'રોહિત ભાઈએ રિટાયરમેન્ટ મુદ્દે કંઇ નથી કહ્યું...' કેપ્ટન ગિલના નિવેદન પછી સસ્પેન્સનો અંત

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
લોર્ડ્સમાં રોહિત શર્માના સંન્યાસની અટકળો પર શુભમન ગિલે પૂર્ણવિરામ મૂક્યું છે. ઇંગ્લેન્ડ સામેની 3rd ODI બાદ ગિલે જણાવ્યું કે, ડ્રેસિંગ રૂમમાં રોહિતના સંન્યાસ અંગે કોઈ ચર્ચા થઈ નથી. મીડિયા રિપોર્ટ્સમાં આ મેચ રોહિતની છેલ્લી વન-ડે હોવાના દાવા હતા, પરંતુ રોહિતે 138 રન ફટકારી જવાબ આપ્યો. BCCI સેક્રેટરીએ પણ આ અફવાઓને રદિયો આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'રોહિત ભાઈએ રિટાયરમેન્ટ મુદ્દે કંઇ નથી કહ્યું...' કેપ્ટન ગિલના નિવેદન પછી સસ્પેન્સનો અંત

Hitman's future secured at Lord's: ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માના ભવિષ્ય અને નિવૃત્તિને લઈને સોશિયલ મીડિયા અને મીડિયા જગતમાં ચાલી રહેલી તમામ અટકળો પર ભારતીય વન-ડે ટીમના કેપ્ટન શુભમન ગિલે પૂર્ણવિરામ મૂકી દીધું છે. ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી 3rd ODI મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલે સ્પષ્ટ કર્યું છે કે ડ્રેસિંગ રૂમમાં રોહિત શર્માના સંન્યાસ અંગે કોઈ જ ચર્ચા થઈ નથી.

શું છે સમગ્ર વિવાદ અને અફવાઓ?

લોર્ડ્સ વન-ડે મેચ શરૂ થતાં પહેલાં મીડિયા રિપોર્ટ્સમાં એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે ઇંગ્લેન્ડ સામેની આ મેચ રોહિત શર્માની કારકિર્દીની છેલ્લી વન-ડે મેચ હોઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી ફોર્મને લઈને ટીકાઓનો સામનો કરી રહેલા રોહિત શર્માએ આ તમામ અફવાઓનો જવાબ મેદાન પર પોતાના બેટથી આપ્યો હતો. તેમણે ઇંગ્લેન્ડના બોલરોની ધૂલાઈ કરતા 110 બોલમાં 17 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 138 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને શાનદાર સદી ફટકારી હતી.

શુભમન ગિલે મીડિયાના દાવાઓને ફગાવ્યા

મેચ પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે શુભમન ગિલને રોહિત શર્માના ભવિષ્ય અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે કોઈપણ ખચકાટ વિના આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા. ગિલે જણાવ્યું,

"રોહિત ભાઈએ અમને નિવૃત્તિ અંગે એવું કંઈ જ જણાવ્યું નથી. ટીમમાં અમને આ વિષય પર વાત કરવાનો મોકો પણ નથી મળ્યો. મને લાગે છે કે આ બધી વાતો માત્ર મીડિયામાં જ ચાલી રહી છે, ડ્રેસિંગ રૂમમાં કોઈએ પણ આ અંગે વાત કરી નથી."

ગિલે નોન-સ્ટ્રાઈકર એન્ડ પરથી રોહિત શર્માની બેટિંગના વખાણ કરતા ઉમેર્યું કે,

"હું મેદાન પર તેમને ખૂબ નજીકથી જોઈ રહ્યો હતો. 388 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે પણ તેઓ એકદમ શાંત હતા. પાવરપ્લે દરમિયાન નવી બોલ સામે મોટા શોટ્સ રમવા સરળ નહોતા, પરંતુ રોહિત ભાઈએ પહેલા પરિસ્થિતિને સમજી અને ત્યારબાદ ખૂબ જ ઓછા સમયમાં 60-70 રન જોડીને રનની ગતિ વધારી દીધી હતી. તેમની આ ઇનિંગ ખરેખર અદ્ભુત હતી."

BCCI સેક્રેટરીએ પણ આપ્યું મોટું નિવેદન

બીજી તરફ, BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ પણ અગાઉ જ આ અફવાઓ પર સ્પષ્ટતા કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આ વાતોમાં કોઈ સત્ય નથી. રોહિત શર્મા ભારતીય વન-ડે ટીમનો નિયમિત સભ્ય છે અને જ્યાં સુધી તે પસંદગીકારોની યોજનાઓનો હિસ્સો રહેશે, ત્યાં સુધી દેશ માટે રમતો રહેશે. લોર્ડ્સ વન-ડે મેચ તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નહોતી."

આ મુકાબલામાં ભારત 388 રનના ટાર્ગેટનો પીછો કરતા 27 રનથી મેચ હારી ગયું હતું અને ઇંગ્લેન્ડે 3 મેચોની સીરિઝ 2-1થી જીતી લીધી હતી. જોકે ભારતીય ટીમની હાર છતાં, લોર્ડ્સના મેદાન પર હિટમેનની ધમાકેદાર વાપસી અને કેપ્ટન શુભમન ગિલનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે.