પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ધરમૂળથી ફેરફારની તૈયારી, કેપ્ટન-કોચ બંને પદ ગુમાવશે, મોહમ્મદ યુનુસ બની શકે નવા કોચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Board to Replace the Captain: બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં 0-2થી મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં મોટો રાજકીય અને વહીવટી ભૂકંપ આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, ટીમની આ કારમી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવી ભારે નારાજ છે અને તેઓ ટીમમાં વ્યાપક ફેરફારો કરવા અંગે ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે. આ મોટા ફેરફારો અંતર્ગત ટેસ્ટ કેપ્ટન શાન મસૂદ અને મુખ્ય કોચ સરફરાઝ અહેમદની ગમે ત્યારે હકાલપટ્ટી થઈ શકે છે. એટલું જ નહીં, મુખ્ય પસંદગીકારના પદ સહિત બોર્ડના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિભાગમાં પણ મોટા ફેરબદલની અટકળો તેજ બની છે.
મુખ્ય કોચ પદ માટે મોહમ્મદ યુનુસનો સંપર્ક, પણ મૂકી કડક શરતો
વર્ષ 2017માં પોતાની કપ્તાની હેઠળ પાકિસ્તાનને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનાર પૂર્વ વિકેટકીપર સરફરાઝ અહેમદને આ શ્રેણી પહેલાં જ ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, તેમના કાર્યકાળની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી છે. અહેવાલો મુજબ, સરફરાઝને મુખ્ય કોચના પદ પરથી હટાવીને ફરીથી અન્ડર-19 અને પાકિસ્તાન ‘એ’ ટીમના સંચાલનની જવાબદારી સોંપવાનો પ્રસ્તાવ વિચારાધીન છે.
બીજી તરફ, PCB હવે મુખ્ય કોચના પદ માટે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન મોહમ્મદ યુનુસના સંપર્કમાં છે. જોકે, ક્રિકેટ બોર્ડ અને મોહમ્મદ યુનુસ વચ્ચે પ્રાથમિક ચર્ચા ચાલી રહી છે, પરંતુ યુનુસે આ જવાબદારી સ્વીકારતા પહેલાં બોર્ડ સમક્ષ કેટલીક કડક શરતો મૂકી હોવાનું કહેવાય છે.
કેપ્ટન શાન મસૂદ પર લટકી રહી છે તલવાર
બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં કપ્તાની અને બેટિંગ બંને મોરચે ફ્લોપ સાબિત થયેલા શાન મસૂદનું કેપ્ટન પદ પણ હવે જોખમમાં છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર શાન મસૂદે વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ સામેની આગામી મહત્ત્વની શ્રેણીઓને ધ્યાનમાં રાખીને બોર્ડ પાસે પોતાની જાતને સાબિત કરવા માટે થોડો વધુ સમય માંગ્યો છે, પરંતુ PCBના વલણને જોતા તેમનું કેપ્ટન તરીકે બચવું મુશ્કેલ લાગી રહ્યું છે.
મોહમ્મદ હફીઝને મળી શકે છે મોટી જવાબદારી
નવા મુખ્ય પસંદગીકાર અથવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિભાગના વડાના પદ માટે PCBએ પૂર્વ ઓલરાઉન્ડર મોહમ્મદ હફીઝનો સંપર્ક સાધ્યો છે. રસપ્રદ વાત એ છે કે, હફીઝ લાંબા સમયથી પાકિસ્તાની ટીમની નબળી રમત અને બોર્ડની નબળી વહીવટી કામગીરી અંગે ટીવી ચેનલો પર ખુલ્લેઆમ આકરી ટીકા કરતા રહ્યા છે. આવી સ્થિતિમાં બોર્ડ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવતા પાકિસ્તાની ક્રિકેટ ગલીઓમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.
હાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી આ ફેરફારો અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આગામી દિવસોમાં મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ હફીઝ સાથેની બેઠક બાદ પાકિસ્તાન ક્રિકેટનું આખું માળખું બદલાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.









