OMG!!! વોર્મ અપ કરતા ફૂટબોલર પર રોલર ચઢાવી દીધું, મેદાનમાં અફરાતફરીનો VIDEO વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pitch Roller Runs Over Andros Townsend: ઈંગ્લેન્ડના પૂર્વ આંતરરાષ્ટ્રીય ફૂટબોલર એન્ડ્રોસ ટાઉનસેન્ડ થાઈ લીગના એક મુકાબલા પહેલાં અત્યંત વિચિત્ર અને જોખમી અકસ્માતનો ભોગ બન્યા છે. પટ્ટાની સામેની મેચ પહેલાં વોર્મ-અપ કરી રહેલા 35 વર્ષીય ટાઉનસેન્ડ પર અચાનક ભારે પિચ રોલર ચડી ગયું હતું અને વાહન તેમના પગ તેમજ કમરના ભાગ પરથી પસાર થઈ ગયું હતું. આ ભયાનક ઘટના સમયે મેદાન પર થોડીવાર માટે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આટલા મોટા અકસ્માત છતાં તેમને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી.
ડ્રાઈવરનું ધ્યાન બીજે હોવાથી સર્જાઈ દુર્ઘટના
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે ટાઉનસેન્ડ હવામાં બેકહીલ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે જ સમયે પિચ રોલર તેમના માર્ગમાં આવી ગયું હતું. દુર્ઘટના પાછળનું મુખ્ય કારણ એ સામે આવ્યું કે રોલરનો ડ્રાઈવર તે સમયે બીજી તરફ જોઈ રહ્યો હતો, જેથી તે ખેલાડીને જોઈ શક્યો નહીં. રોલર શરીર પરથી પસાર થતાં જ ટાઉનસેન્ડની ચીસ સંભળાઈ હતી અને આસપાસ ઉભેલા અન્ય ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
અકસ્માત બાદ મેચમાં સબસ્ટીટ્યુટ તરીકે રમ્યા
સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ રહી કે આટલા મોટા આંચકા છતાં ટાઉનસેન્ડ મેચમાંથી બહાર ન થયા, પરંતુ ઈજાના સમય દરમિયાન પોતાની ટીમ પીટી પ્રાચુઆપ તરફથી સબસ્ટીટ્યુટ ખેલાડી તરીકે મેદાનમાં રમવા પણ ઉતર્યા હતા. તેમની ટીમે આ મુકાબલામાં 3-0થી શાનદાર જીત મેળવી હતી.
ટાઉનસેન્ડે સોશિયલ મીડિયા પર કર્યો મજાક
ઈંગ્લેન્ડ માટે 13 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા ટાઉનસેન્ડે આ સમગ્ર ઘટનાને હળવાશથી લઈને પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો. તેમણે હસતા ઈમોજી સાથે કેપ્શનમાં લખ્યું કે, 'આને એવી રીતે દર્શાવો જાણે આ કોઈ અકસ્માત હોય.' નોંધનીય છે કે અગાઉની ક્લબ કંચનાબુરી પાવર રેલિગેશનનો ભોગ બન્યા બાદ ટાઉનસેન્ડે ઓગસ્ટ મહિનામાં પીટી પ્રાચુઆપ ક્લબ જોઈન કરી હતી.




