Sports

ટી-20 ક્રિકેટમાં 'કિંગ' ગેલનો ગઢ તૂટ્યો: જોસ બટલરે રચ્યો ઇતિહાસ

By GS Team
24 Jul 20263 mins read
TukuTouch Logo
લંડનના લોર્ડ્સ મેદાન પર 'ધ હન્ડ્રેડ 2026' ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડના જોસ બટલરે T20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ તરફથી રમતા, બટલરે 16 રન બનાવી ક્રિસ ગેલને પાછળ છોડી બીજા સૌથી વધુ T20 રન બનાવનાર બેટ્સમેન બનવાનું ગૌરવ મેળવ્યું. તેના નામે હવે 14,572 રન નોંધાયા છે, અને તે કિરોન પોલાર્ડના વર્લ્ડ રેકોર્ડથી માત્ર 231 રન દૂર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટી-20 ક્રિકેટમાં 'કિંગ' ગેલનો ગઢ તૂટ્યો: જોસ બટલરે રચ્યો ઇતિહાસ

Buttler Claims Gayle's Throne: લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયેલી 'ધ હન્ડ્રેડ 2026' ટૂર્નામેન્ટની એક રોમાંચક મેચ દરમિયાન ક્રિકેટ ઇતિહાસનો એક મોટો રેકોર્ડ તૂટી ગયો છે. ઇંગ્લેન્ડ ટીમના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલરે T20 ક્રિકેટમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ તરફથી રમી રહેલા જોસ બટલરે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ અને પૂર્વ ઓપનર ક્રિસ ગેલને પાછળ છોડીને વિશ્વમાં બીજા સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન બનવાનું ગૌરવ મેળવ્યું છે.

બટલરે માત્ર 16 રનની ઇનિંગ્સથી રચ્યો ઇતિહાસ

લંડન સ્પિરિટ સામેની મેચમાં માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સની ટીમે 7 રનથી નજીવો વિજય મેળવ્યો હતો. આ મેચમાં જોસ બટલરે ભલે મોટી ઇનિંગ્સ ન રમી હોય અને માત્ર 11 બોલમાં 16 રન (1 ચોગ્ગો અને 1 છગ્ગો) બનાવીને આઉટ થયો હોય, પરંતુ આ ટૂંકી ઇનિંગ્સ તેના માટે ઐતિહાસિક સાબિત થઈ હતી. આ 16 રનની મદદથી તેણે ક્રિસ ગેલના વર્ષો જૂના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

આંકડાની નજરે જોસ બટલરની શાનદાર સફર

જોસ બટલરના નામે હવે T20 ક્રિકેટની 487 ઇનિંગ્સમાં 146.74ના શાનદાર સ્ટ્રાઇક રેટ સાથે કુલ 14,572 રન નોંધાઈ ચૂક્યા છે. તેના T20 કરિયરમાં 9 સદી અને 102 અર્ધસદી સામેલ છે, જે તેની સાતત્યપૂર્ણ બેટિંગની સાક્ષી પૂરે છે. બીજી તરફ, રેકોર્ડબુકમાં ત્રીજા સ્થાને સરકી ગયેલા વેસ્ટ ઇન્ડિઝના 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલે પોતાના કરિયરની 455 ઇનિંગ્સમાં 144.75 ના સ્ટ્રાઇક રેટથી 14,562 રન બનાવ્યા હતા, જેમાં 22 સદી અને 88 અર્ધસદીનો સમાવેશ થાય છે.

ટોચ પર પહોંચવા માટે હવે માત્ર 231 રનની જરૂર

વિશ્વમાં સૌથી વધુ T20 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ હાલમાં વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડના નામે છે. પોલાર્ડે 663 ઇનિંગ્સમાં 14,803 રન બનાવ્યા છે. જોસ બટલર હવે આ વૈશ્વિક યાદીમાં પ્રથમ સ્થાને પહોંચવાથી માત્ર 231 રન જ દૂર છે.

T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના પાંચ બેટ્સમેનમાં એક પણ ભારતીય નહીં

  1. કિરોન પોલાર્ડ (વેસ્ટ ઇન્ડિઝ) – 14,803 રન
  2. જોસ બટલર (ઇંગ્લેન્ડ) – 14,572 રન
  3. ક્રિસ ગેલ (વેસ્ટ ઇન્ડિઝ) – 14,562 રન
  4. એલેક્સ હેલ્સ (ઇંગ્લેન્ડ) – 14,449 રન
  5. ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) – 14,284 રન
  6. વિરાટ કોહલી (ભારત) – 14,218 રન

ખરાબ ફોર્મ બાદ બટલરનું શાનદાર કમબેક

જોસ બટલર માટે આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે છેલ્લા 18 મહિના તેના માટે ભારે ઉતાર-ચઢાવવાળા રહ્યા હતા. ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં તે ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો અને 8 ઇનિંગ્સમાં માત્ર 87 રન જ બનાવી શક્યો હતો. જોકે, વર્ષ 2026માં તેણે જોરદાર વાપસી કરી છે. IPLમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા તેણે 152.46ના સ્ટ્રાઇક રેટથી 526 રન ફટકાર્યા હતા. ત્યારબાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત સામેની અંતિમ T20 મેચમાં માત્ર 64 બોલમાં અણનમ 131 રનની તોફાની ઇનિંગ્સ રમીને તેણે પોતાના જૂના ફોર્મની ઝાંખી કરાવી હતી.

ઇન્ટરનેશનલ T20 ક્રિકેટની વાત કરીએ તો, બટલર 160 મેચમાં 4,212 રન સાથે ઇંગ્લેન્ડનો સૌથી સફળ બેટ્સમેન છે અને 3,000 તેમજ 4,000 રનનો આંકડો પાર કરનારો એકમાત્ર ઇંગ્લિશ ખેલાડી છે. તે વિશ્વમાં બાબર આઝમ (4,596) અને રોહિત શર્મા (4,231) પછી ત્રીજા ક્રમે આવે છે.