રોહિત શર્માના કરિયરનો અંત? લોર્ડ્સ વનડે બાદ ટીમ ઇન્ડિયામાંથી રજા અપાશે તેવી અટકળોથી ખળભળાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rohit Sharma ODI Retirement Rumors 2026 : ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માના વનડે કરિયરને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમાનારી ત્રીજી વનડે મેચ બાદ રોહિત શર્માના વન ડે કરિયરનો અંત આવી શકે છે. BCCIના અંતરંગ સૂત્રોના જણાવ્યા અનુસાર, અજીત અગરકરની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિ (સિલેક્શન કમિટી) હવે રોહિત શર્માને 50 ઓવરના ફોર્મેટમાં ટીમમાં સામેલ કરવાના મૂડમાં નથી.
2027ના વર્લ્ડ કપ માટે યશસ્વી જયસ્વાલ પર પસંદગીનો કળશ!
મળતી માહિતી મુજબ, પસંદગીકારો સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનારા 2027ના પુરુષ વનડે વર્લ્ડ કપ માટે અત્યારથી જ યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને વધુમાં વધુ તક આપીને તૈયાર કરવા માંગે છે. BCCIના એક ઉચ્ચ સૂત્રએ ગુરુવારે જણાવ્યું કે, "સિલેક્ટર્સે નિર્ણય કરી લીધો છે કે તેઓ હવે રોહિત શર્માને વનડે ટીમમાં સ્થાન નહીં આપે. જો તેઓ સન્માનજનક રીતે નિવૃત્તિ લેવા માંગતા હોય કે તુરંત સંન્યાસ ન લેવો હોય, તો તે તેમનો અંગત નિર્ણય રહેશે. પરંતુ મેસેજ એકદમ ક્લિયર છે કે રવિવારે લોર્ડ્સમાં રમાનારી મેચ ભારતીય જર્સીમાં રોહિતની છેલ્લી વનડે મેચ હોઈ શકે છે."
ખરાબ ફોર્મ અને ભવિષ્યની રણનીતિ બની કારણ
આ મોટા નિર્ણય પાછળ રોહિત શર્માનું તાજેતરનું ફોર્મ જવાબદાર હોવાનું મનાય છે. સોફિયા ગાર્ડન્સ ખાતે ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં તેણે 26 રન માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, રોહિત છેલ્લા કેટલાક સમયથી પોતાની લયમાં દેખાતો નથી, જેના કારણે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓને બહાર બેસવું પડે છે. આ જ કારણે પસંદગીકારોએ લોન્ગ ટર્મ પ્લાનિંગ પર કામ કરવાનું શરૂ કર્યું છે.
ટેસ્ટ અને T20 બાદ હવે વનડેમાંથી પણ એક્ઝિટ?
રોહિત શર્મા ભારતને 2024નો T20 વર્લ્ડ કપ જીતાડ્યા બાદ પહેલેથી જ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. ત્યારબાદ 7 મે, 2025ના રોજ ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં તેણે ટેસ્ટ ક્રિકેટ પણ છોડી દીધી હતી અને શુભમન ગિલને વનડે ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિત 2027નો વર્લ્ડ કપ રમવા માંગતો હોવાથી વનડે ફોર્મેટ ચાલુ રાખ્યું હતું, પરંતુ હવે તેમના આ સપના પર પાણી ફરી વળે તેમ લાગી રહ્યું છે.
આંકડામાં રોહિત શર્માનું વનડે કરિયર
કુલ વનડે મેચ: 287
કુલ રન: 11,757
કેપ્ટન તરીકે મેચ: 56 (જેમાં 2023 વર્લ્ડ કપ ફાઇનલ સુધી સફર અને UAEમાં 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીતાડ્યો).









