Sports

IPL ક્રિકેટર અભિષેક પોરેલની ધરપકડ: લગ્નની લાલચ આપી શારીરિક શોષણ અને અંગત પળો રૅકોર્ડ કરવાનો આક્ષેપ

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
દિલ્હી કેપિટલ્સના IPL ક્રિકેટર અભિષેક પોરેલની પશ્ચિમ બંગાળ પોલીસે હુગલીમાંથી ધરપકડ કરી છે. એક મેડિકલ વિદ્યાર્થિનીએ લગ્નની લાલચ આપી શારીરિક શોષણ અને અંગત પળોનું રૅકોર્ડિંગ કરવાના આરોપો લગાવ્યા હતા. કોલકાતા હાઇકોર્ટના આદેશ બાદ મંગળવારે તેની અટકાયત કરાઈ, પછી ધરપકડ થઈ. તેને ચિનસુરાહ કોર્ટમાં રજૂ કરાયો. 2 એપ્રિલ, 2026ના રોજ દિલ્હીમાં આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL ક્રિકેટર અભિષેક પોરેલની ધરપકડ: લગ્નની લાલચ આપી શારીરિક શોષણ અને અંગત પળો રૅકોર્ડ કરવાનો આક્ષેપ

IPL Cricketer Abhishek Porel Arrested: દિલ્હી કેપિટલ્સ ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટર અભિષેક પોરેલની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવા તથા અંગત પળોનું રૅકોર્ડિંગ કરવાના ગંભીર આરોપો હેઠળ પશ્ચિમ બંગાળ પોલીસે મંગળવારે(11મી ઑગસ્ટ) સવારે હુગલીમાંથી તેની અટકાયત કરી હતી. ત્યારબાદ કલાકો સુધી ચાલેલી સઘન પૂછપરછ બાદ બપોરે તેની ધરપકડ કરવામાં આવી હતી.

મેડિકલ ચેકઅપ બાદ કોર્ટમાં રજૂ કરાયો

અહેવાલો અનુસાર, ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા અભિષેક પોરેલનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને ચિનસુરાહ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં તેની આગોતરા જામીનની અરજી પર સુનાવણી થવાની હતી. અગાઉ કોલકાતા હાઇકોર્ટે પીડિતાની અરજી બાદ પોલીસને પોરેલની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.

મેડિકલ વિદ્યાર્થિનીએ નોંધાવી હતી ફરિયાદ

આ સમગ્ર મામલો પશ્ચિમ બંગાળમાં હુગલીના મોગરા પોલીસ સ્ટેશનમાં એક મેડિકલ વિદ્યાર્થિની દ્વારા નોંધાવાયેલી ફરિયાદ બાદ સામે આવ્યો હતો. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે અભિષેક પોરેલે તેની સાથે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધ્યા હતા અને અંગત પળોનું રૅકોર્ડિંગ પણ કર્યું હતું. બંને પરિવાર વચ્ચે લગ્નની વાતો ચાલી રહી હતી, પરંતુ પાછળથી યુવતીને અભિષેક પોરેલના અન્ય મહિલાઓ સાથેના કથિત સંબંધો વિશે જાણ થતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ એફઆઇઆર (FIR) મુજબ, આ કથિત ઘટના 2 એપ્રિલ, 2026ના રોજ દિલ્હીમાં બની હતી. ફરિયાદમાં યુવતીએ આરોપ લગાવ્યો કે, 'મને ગેરકાયદે રીતે અટકાયતમાં રાખીને ખાવાનું પણ આપવામાં આવ્યું ન હતું. જાણી જોઈને એકાંતમાં રખાતાં તેની શારીરિક સ્થિતિ અત્યંત નબળી પડી ગઈ હતી અને હું યોગ્ય રીતે ચાલી પણ શકતી ન હતી.'

ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવા આદેશ

કોલકાતા હાઈકોર્ટે ધરપકડના આદેશ સાથે પીડિતાની અંગત તસવીરો કે વીડિયોનું પ્રસારણ રોકવા માટે પણ નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત, મોગરા પોલીસને અભિષેક પોરેલના તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવા આદેશ આપવામાં આવ્યો છે.

અભિષેક પોરેલની ક્રિકેટ કારકિર્દી

23 વર્ષીય અભિષેક પોરેલ બંગાળ માટે ઘરેલુ ક્રિકેટ રમે છે અને 2023માં રિષભ પંતના સ્થાને દિલ્હી કેપિટલ્સની ટીમમાં જોડાયો હતો. તેણે IPLમાં 35 મેચ રમીને 145થી વધુના સ્ટ્રાઇક રેટથી 769 રન બનાવ્યા છે. 2026ની સીઝનમાં દિલ્હી કેપિટલ્સે તેને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. ઘરેલુ ક્રિકેટમાં અભિષેક પોરેલે 32 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 1,408 રન (1 સદી), 23 લિસ્ટ A મેચોમાં 833 રન (2 સદી) અને 61 T20 મેચોમાં 1,590 રન બનાવ્યા છે.