Mukesh Choudhary Mother Passes Away: આઈપીએલ 2026માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાવા જઈ રહ્યો છે. જોકે, આ મહત્ત્વની મેચ શરૂ થાય તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પમાંથી અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ટીમના ઝડપી બોલર મુકેશ ચૌધરીની માતા પ્રેમ દેવીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે.
ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
અહેવાલો અનુસાર, મુકેશ ચૌધરીની માતા પ્રેમ દેવી છેલ્લા એક વર્ષથી મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જો કે, લાંબી સારવાર બાદ પણ તેમની તબિયતમાં સુધારો થયો નહોતો અને આખરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. માતાના નિધનના સમાચાર મળતા જ મુકેશ ચૌધરી તાત્કાલિક CSK કેમ્પ છોડીને ઘરે રવાના થયો હતો.
પુત્રધર્મ અને રમત પ્રત્યેનું સમર્પણ
મુકેશે ભીલવાડા જઈને પોતાની માતાની ચિતાને મુખાગ્નિ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા. આ સમયે તેના ભાઈ ડૉ. રાજેશ પણ તેની સાથે હાજર રહ્યા હતા. માતાની અંતિમ વિધિ પતાવ્યા બાદ, મુકેશ ચૌધરી તરત જ ટીમ સાથે જોડાવા માટે પરત ફર્યો છે. માનવામાં આવે છે કે તે આજની મુંબઈ ઈન્ડિયન્સ સામેની મહત્વની મેચમાં ટીમનો ભાગ બની શકે છે.
CSKની મુશ્કેલીઓમાં વધારો
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ અત્યારે ખેલાડીઓની ઈજાની સમસ્યાથી ઝઝૂમી રહી છે. મુકેશ અત્યાર સુધી ટીમની અપેક્ષાઓ પર ખરો ઉતરી રહ્યો હતો, પરંતુ માતાના અવસાનના આઘાત વચ્ચે તે મેદાન પર કેવું પ્રદર્શન કરશે તે જોવું રહ્યું. રમત પ્રત્યેના તેના આ સમર્પણને ક્રિકેટ પ્રેમીઓ અને સોશિયલ મીડિયા પર ફેન્સ બિરદાવી રહ્યા છે.


