File Photo |
India Vs Pakistan Match in T20 World cup 2026 : T20 World cup 2026 : ઈંગ્લેન્ડે ટી-20 વર્લ્ડ કપના સુપર-8 સ્ટેજની પોતાની છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે મોટી જીત નોંધાવી છે. આ જીત સાથે ઈંગ્લેન્ડે 3માંથી 3 મેચ જીતીને ગ્રુપ-2ની ટોપ ટીમ તરીકે સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઇ ચુકી છે. ઈંગ્લેન્ડની આ જીતે ટુર્નામેન્ટમાં પાકિસ્તાન માટે પણ સેમીફાઈનલના દરવાજા ખોલી દીધા છે. જેનો અર્થ છે કે ટુર્નામેન્ટના આગળના તબક્કામાં ફરી એકવાર ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ થવાની શક્યતા છે, પરંતુ આ માટે બંને ટીમોએ સેમીફાઈનલમાં પહોંચવું પડશે.
પાકિસ્તાન કેવી રીતે સેમીફાઈનલમાં ક્વોલિફાય કરશે?
ટી-20 વર્લ્ડ કપ 2026 સુપર-8 સ્ટેજમાં પાકિસ્તાન પાસે અત્યારે માત્ર 1 પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડ સામેની તેમની પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઈ હતી અને ત્યારબાદ તેઓ ઈંગ્લેન્ડ સામે હારી ગયા હતા. પાકિસ્તાનની હવે છેલ્લી મેચ શ્રીલંકા સામે બાકી છે, જે 28 ફેબ્રુઆરી (શનિવાર) ના રોજ કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાને માત્ર આ મેચ જીતવી જ નહીં, પરંતુ મોટા માર્જિનથી જીતવી પડશે.
જો પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરે, તો તેણે ઓછામાં ઓછા 65 રનની લીડથી જીતવું પડશે.
જો તેઓ બીજી બેટિંગ કરે, તો નેટ રન રેટ સુધારવા માટે લક્ષ્યાંક 13 ઓવરમાં પૂરો કરવો પડશે.
ભારતીય ટીમ સેમીફાઈનલમાં કેવી રીતે પહોંચશે?
ભારતે સુપર-8 અભિયાનની શરૂઆત અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે 76 રને હાર સાથે કરી હતી. જોકે, ત્યારબાદ ઝિમ્બાબ્વે સામે 72 રને જીત મેળવીને શાનદાર વાપસી કરી છે. ભારત પાસે હવે 2 મેચમાં 2 પોઈન્ટ છે અને નેટ રન રેટ -0.100 છે. વેસ્ટ ઈન્ડિઝ દક્ષિણ આફ્રિકા સામે હારી જતાં હવે સમીકરણ સ્પષ્ટ છે: ભારતે ગમે તે ભોગે વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી મેચ જીતવી પડશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ક્યારે થઈ શકે?
જો બંને ટીમો સેમીફાઈનલમાં ક્વોલિફાય થાય છે, તો તેઓ સેમીફાઈનલમાં એકબીજાની સામે નહીં ટકરાય. તેનું કારણ છે કે, દક્ષિણ આફ્રિકા વધુ સારા નેટ રન રેટ સાથે ગ્રુપ-1 માં ટોચ પર છે. જો તેઓ ઝિમ્બાબ્વે સામે હારી જાય અને ભારત વેસ્ટ ઈન્ડિઝને હરાવે, તો પણ દક્ષિણ આફ્રિકા ટોપ ટીમ તરીકે ક્વોલિફાય કરશે. બીજી તરફ, ઈંગ્લેન્ડે ગ્રુપ-2 માં ટોચનું સ્થાન નક્કી કરી લીધું છે.
નિયમ મુજબ, એક ગ્રુપની ટોપ ટીમ બીજા ગ્રુપની બીજા નંબરની ટીમ સામે ટકરાશે. એટલે કે જો ભારત અને પાકિસ્તાન પોતપોતાના ગ્રુપમાં બીજા નંબરે રહીને ક્વોલિફાય થાય અને સેમીફાઈનલમાં પોતપોતાની મેચ જીતી જાય, તો T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક મુકાબલો જોવા મળી શકે છે.


