Sports

ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણી: કેપ્ટન શુભમન ગિલની 'અગ્નિપરીક્ષા', શું વિરાટ-રોહિતનો રેકોર્ડ જળવાશે?

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
ભારત-શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી ગૉલ ખાતે પ્રથમ ટેસ્ટ શરૂ થશે, જેમાં નવા કેપ્ટન શુભમન ગિલની અગ્નિપરીક્ષા થશે. વિરાટ-રોહિતે છેલ્લા 11 વર્ષથી શ્રીલંકા સામે અજેય રેકોર્ડ બનાવ્યો છે. 2015 પછી ભારત શ્રીલંકા સામે એકપણ ટેસ્ટ હાર્યું નથી. બુમરાહ વિનાની યુવા ટીમ સાથે ગિલ માટે આ વારસો જાળવવો પડકારજનક રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણી: કેપ્ટન શુભમન ગિલની 'અગ્નિપરીક્ષા', શું વિરાટ-રોહિતનો રેકોર્ડ જળવાશે?

Gill Faces Tough Test Legacy: ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ 15 ઓગસ્ટથી થવા જઈ રહ્યો છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ગૉલ ખાતે રમાશે, જે ભારતીય ટીમના નવા કેપ્ટન શુભમન ગિલ માટે કોઈ 'અગ્નિપરીક્ષા'થી ઓછી નહીં હોય. છેલ્લા 11 વર્ષોમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ શ્રીલંકાની ધરતી પર પોતાની કપ્તાની હેઠળ ભારતીય ટીમનો અભૂતપૂર્વ દબદબો સ્થાપિત કર્યો છે. હવે આ ઐતિહાસિક વારસાને આગળ ધપાવવાની સંપૂર્ણ જવાબદારી શુભમન ગિલના ખભા પર આવી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા સામે ટેસ્ટ ક્રિકેટમાં ભારતની છેલ્લી હાર વર્ષ 2015માં થઈ હતી, ત્યારથી લઈને આજ સુધી શ્રીલંકાની ટીમ ભારત સામે એક પણ ટેસ્ટ જીતવા માટે તરસી રહી છે.

વિરાટ અને રોહિતનો અજેય રેકોર્ડ

વર્ષ 2014માં એમ.એસ. ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિરાટ કોહલીએ ટીમની કમાન સંભાળી હતી.

  • કેપ્ટન તરીકે પોતાની પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં, ત્યાર બાદ વિરાટની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે સળંગ 8 ટેસ્ટ મેચો સુધી અજેય રહી હતી.
  • વિરાટ બાદ જ્યારે રોહિત શર્મા સુકાની બન્યો, ત્યારે તેની આગેવાનીમાં વર્ષ 2022માં ભારતે શ્રીલંકાને 2-0થી વ્હાઇટવોશ કર્યો હતો.

આ બંને દિગ્ગજોના નેતૃત્વમાં ભારતે શ્રીલંકા સામે રમેલી 11 ટેસ્ટ મેચોમાંથી 8 માં ભવ્ય વિજય મેળવ્યો છે, માત્ર 1 મેચમાં પરાજય થયો છે અને 2 મુકાબલા ડ્રો રહ્યા છે.

કેપ્ટન તરીકે શુભમન ગિલ સામે મોટા પડકારો

આ મુકાબલામાં શુભમન ગિલ સામે અનેક મુશ્કેલીઓ અને સવાલો ખડકાયેલા છે:

શ્રીલંકામાં ટેસ્ટ ડેબ્યૂ: ગિલ પોતે એક ખેલાડી તરીકે શ્રીલંકાની ધરતી પર પ્રથમ વખત શ્રીલંકા સામે ટેસ્ટ ક્રિકેટ રમશે. ત્યાંની પિચો અને પરિસ્થિતિઓથી પરિચિત થવું એ પોતાનામાં એક મોટો પડકાર છે.

બુમરાહની ગેરહાજરી અને બિનઅનુભવી ટીમ: ટીમમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સામેલ નથી. ભારતની આ યુવા ટીમમાં માત્ર 5 ખેલાડીઓ—કે.એલ. રાહુલ, મોહમ્મદ સિરાજ, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા અને ખુદ શુભમન ગિલ પાસે જ 40 કે તેથી વધુ ટેસ્ટ મેચોનો અનુભવ છે.

બોલિંગ ડિપાર્ટમેન્ટ: ખાસ કરીને ટીમનું બોલિંગ આક્રમણ અત્યંત યુવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણો ઓછો અનુભવ ધરાવતું છે. આ સ્થિતિમાં આટલી યુવા ટીમ સાથે રોહિત-વિરાટનો વિજયી રેકોર્ડ જાળવવો ગિલ માટે કપરા ચઢાણ સમાન રહેશે.

ભારત vs શ્રીલંકા: હેડ-ટુ-હેડ ટેસ્ટ આંકડા

બંને દેશો વચ્ચેના ઓવરઓલ ટેસ્ટ ઇતિહાસ પર નજર કરીએ તો ભારતનું પલ્લું ખૂબ જ ભારે રહ્યું છે:

  • કુલ ટેસ્ટ મેચ: 46
  • ભારતની જીત: 22
  • શ્રીલંકાની જીત: 7
  • ડ્રો મેચ: 17

છેલ્લા 17 વર્ષોમાં શ્રીલંકા ભારત સામે માત્ર 2 ટેસ્ટ મેચ જ જીતી શક્યું છે. વિરાટ અને રોહિતના યુગમાં ટીમ ઇન્ડિયાએ જે નિર્વિવાદ પ્રભુત્વ ઊભું કર્યું હતું, તે દબદબો ગિલના નેતૃત્વમાં જળવાઈ રહે છે કે નહીં તેના પર હવે સૌની નજર ટકેલી છે.