15 ઓગસ્ટે હોકી વર્લ્ડ કપમાં ભારતે રચ્યો ઇતિહાસ, મેદાન પર ઉતરતા જ કર્યો અનોખો કરિશ્મા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Creates History In FIH Hockey World Cup 2026: ભારતીય પુરુષ હોકી ટીમે શનિવારે એટલે કે, 15 ઓગસ્ટ 2026ના રોજ મેદાન પર ઉતરતા જ એક નવો ઇતિહાસ રચી દીધો છે. નેધરલેન્ડ્સના એમસ્ટેલવીન શહેરના વેગનર સ્ટેડિયમમાં FIH પુરુષ હોકી વર્લ્ડ કપ 2026ની પોતાની પ્રથમ મેચમાં વેલ્સ સામે રમવા ઉતરતાની સાથે જ ભારત દુનિયાની એવી પ્રથમ ટીમ બની ગઈ છે, જેણે હોકી વર્લ્ડ કપના તમામ 16 ટુર્નામેન્ટ રમ્યા હોય. ભારત સિવાય સ્પેન, નેધરલેન્ડ્સ અને જર્મની પણ અગાઉના તમામ 15 વર્લ્ડ કપ રમી ચૂક્યા છે. પરંતુ 2026ના વર્લ્ડ કપમાં ભારતની મેચ આ ટીમો કરતાં પહેલાં શેડ્યૂલ થયેલી હોવાથી, કેપ્ટન હરપ્રીત સિંહની આગેવાનીમાં ભારતીય ટીમ મેદાન પર ઉતરતા જ 16મો વર્લ્ડ કપ રમવાનો ઐતિહાસિક રેકોર્ડ ભારત નામે નોંધાઈ ગયો છે.
વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક સફર
1971 (પ્રથમ વર્લ્ડ કપ): બાર્સિલોનામાં યોજાયેલા પ્રથમ વર્લ્ડ કપમાં ભારતે બ્રોન્ઝ મેડલ (ત્રીજું સ્થાન) મેળવ્યું હતું.
1973: નેધરલેન્ડ્સમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ રનર્સ-અપ (ઉપવિજેતા) રહી હતી.
1975 (સુવર્ણ અક્ષરો): મલેશિયાના કુઆલાલંપુરમાં ભારતે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને 2-1થી હરાવીને પ્રથમ અને એકમાત્ર વર્લ્ડ કપ ખિતાબ જીત્યો હતો.
2023: ઓડિશામાં યોજાયેલા અગાઉના વર્લ્ડ કપમાં ભારતીય ટીમને 9મા સ્થાનેથી સંતોષ માનવો પડ્યો હતો.
કેપ્ટન હરપ્રીત સિંહના ખભા પર જવાબદારી
આ વખતે ભારતીય ટીમ સ્ટાર ડિફેન્ડર હરપ્રીત સિંહની આગેવાનીમાં મેદાનમાં ઉતરી છે. ટીમમાં પૂર્વ કેપ્ટન મનપ્રીત સિંહ, અમિત રોહિદાસ અને વિવેક સાગર પ્રસાદ જેવા અનુભવી ખેલાડીઓ સામેલ છે, જેઓ ભારતને ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનો દમ રાખે છે.
ભારતનું ગ્રુપ સ્ટેજ શેડ્યૂલ
15 ઓગસ્ટ (શનિવાર): વેલ્સ સામે પ્રથમ મેચ
17 ઓગસ્ટ (સોમવાર): ઇંગ્લેન્ડ સામે મુકાબલો
19 ઓગસ્ટ (બુધવાર): પાકિસ્તાન સામે મહામુકાબલો









