IND vs WI: વનડેમાં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ! કોર્ટની વોલ્શનો 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs WI: ભારતે વેસ્ટઈન્ડીઝ સામેની બીજી વન-ડેમાં એક ઐતિહાસિક રનચેઝ કરતા 8 વિકેટે જીત નોંધાવી છે. વેસ્ટઈન્ડીઝે ગુવાહાટીના મેદાન પર 406 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે 43.3 ઓવરમાં ચેઝ કરી લીધો. કેપ્ટન શુભમન ગિલે બેવડી સદી ફટકારી જ્યારે રોહિત શર્માએ પણ સદી ફટકારી. ભારતીય બોલરોની ભલે ધોલાઈ થઈ પણ રવીન્દ્ર જાડેજા એક ઈતિહાસ રચવામાં સફળ રહ્યો. અનુભવી સ્પિન ઓલરાઉન્ડર જાડેજા ભારત વિરુદ્ધ વેસ્ટઈન્ડીઝ વન-ડે મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે ગુવાહાટી વન-ડેમાં 10 ઓવરમાં 75 રન આપીને બે વિકેટ ખેરવી અને આ કીર્તિમાન પોતાના નામે કર્યો. 37 વર્ષીય જાડેજાએ આમીર જંગૂ (114) અને અલઝારી જોસેફ (9)ની વિકેટ લીધી.
જાડેજાએ કોર્ટની વોલ્શનો રેકોર્ડ તોડ્યો
જાડેજા અત્યાર સુધી વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ 34 વનડેમાં 46 વિકેટ હાંસલ કરી ચૂક્યો છે. આ દરમિયાન તેનું બેસ્ટ પ્રદર્શન 5/36 રહ્યું. તેણે કેરેબિયન ટીમ સામે પ્રથમ વખત વન-ડે વર્ષ 2009માં રમી હતી. જાડેજાએ વેસ્ટઈન્ડીઝના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર કોર્ટની વોલ્શનો 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વોલ્શે ભારત વિરુદ્ધ 1985થી 1999 દરમિયાન 38 વન-ડે રમી અને 44 વિકેટ ઝડપી હતી. ભારત સામે એક વન-ડેમાં તેનું બેસ્ટ પ્રદર્શન 4/16 હતું. ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે વન-ડે મેચોમાં સૌથી વધુ વિકેટ લેનારાઓની ટોપ 5 લિસ્ટમાં ચાર ભારતીય છે. ભારતના મહાન ઓલરાઉન્ડર કપિલ દેવ ત્રીજા નંબરે છે. તેમણે વેસ્ટઈન્ડીઝ સામે 42 વન-ડે મેચોમાં 43 વિકેટ ઝડપી હતી, જેમાં બેસ્ટ પ્રદર્શન 4/54 રહ્યું.
IND vs WI વનડે મેચોમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 5 બોલર
પ્લેયર | ક્રિકેટ |
રવીન્દ્ર જાડેજા | 46 |
કોર્ટની વોલ્શ | 44 |
કપિલ દેવ | 43 |
અનિલ કુમ્બલે | 41 |
મોહમ્મદ શમી | 37 |
ગુવાહાટી વન-ડેમાં રેકોર્ડ રન બન્યા
ગુવાહાટી વન-ડેની વાત કરીએ તો વેસ્ટઈન્ડીઝે કદાચ આશા રાખી હશે કે 406 રનનો ટાર્ગેટ ભારતીય બેટ્સમેનો માટે ખૂબ મુશ્કેલ સાબિત થશે, પરંતુ એવું બિલકુલ ન થયું. કેપ્ટન શુભમન ગિલે 133 બોલમાં અણનમ 233 રન બનાવ્યા, જેમાં 26 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ છે. તેણે 117 બોલમાં 200 રન પૂરા કર્યા અને વન-ડેમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી. તેણે રોહિત સાથે 255 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી. રોહિતે 75 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 101 રનની ઈનિંગ રમી. બે પેઢીના આ સ્ટાર બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનથી ભારતે વન-ડે ઈતિહાસમાં બીજો સૌથી મોટો સફળ 'રન ચેઝ' પૂરો કર્યો. હવે ભારતથી આગળ માત્ર સાઉથ આફ્રિકા છે જેણે 2006માં જોહાનિસબર્ગમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 435 રનના ટાર્ગેટનો સફળ પીછો કર્યો હતો. ગુવાહાટીની પીચ બેટિંગ માટે અનુકૂળ રહી જેના પર 811 રન બન્યા જે એક મેચમાં સૌથી વધુ કુલ રનનો રેકોર્ડ રહ્યો.




