KS Bharat Retirement News: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતે અફઘાનિસ્તાન સામે રમાનારી ટેસ્ટ મેચ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ શેર કરીને નિવૃત્તિ લીધી હોવાની માહિતી ચાહકો સાથે શેર કરી છે.
લાંબા સમયથી તક મળતી ન હતી!
ભારત માટે 7 ટેસ્ટ રમી ચૂકેલા ભરત અફઘાનિસ્તાન સામે રમાનારી એકમાત્ર ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાનો ભાગ નથી. પરંતુ એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં ઋષભ પંતના બેકઅપ તરીકે ટીમ ઇન્ડિયા સાથે રહેનારા ભરતને લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાં તક ન હતી મળી રહી. 32 વર્ષના ભરતે ટીમ ઇન્ડિયા માટે છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરી 2024માં રમી હતી.
'દેશ માટે રમવું એ મારા માટે સૌથી ગર્વની વાત'
કેએસ ભરતે નિવૃત્તિ અંગે પોસ્ટ કરતા સૌથી પહેલા 'આભાર બીસીસીઆઈ' લખ્યું. બાદમાં કહ્યું, 'ગર્વ અને કૃતજ્ઞતાની ભાવના સાથે, હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું. દેશ માટે રમવું એ મારા માટે સૌથી ગર્વની વાત રહી છે. મારી આ સફરમાં ઘણી ધીરજ અને દ્રઢતાની જરૂર પડી છે, પરંતુ ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ એક અમૂલ્ય ક્ષણ છે. ચાર લોકોના પરિવારમાં, અમે બધાએ બે દાયકાથી એક જ સપનું જીવ્યું છે. મારી બહેન, માતા અને પિતાનો ખુબ ખુબ આભાર જેમણે મને આવું વાતાવરણ અને સહયોગ આપ્યો. હું તેમના પ્રેમ, શિસ્ત અને સખત મહેનતનું પરિણામ છું.'
કેએસ ભરતની કરિયર
કેએસ ભરતે પોતાની કરિયરમાં ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યું. તેમણે 7 ટેસ્ટ રમી. આ મેચોની 12 ઇનિંગ્સમાં બેટિંગ કરતા તેમણે 20.09ની એવરેજથી 221 રન બનાવ્યા, જેમાં હાઇએસ્ટ સ્કોર 44 રનનો રહ્યો. જ્યારે ફર્સ્ટ ક્લાસ કરિયર પર નજર કરીએ તો, તેમણે 113 મેચોની 180 ઇનિંગ્સમાં 61.32ની એવરેજથી 6102 રન બનાવ્યા, જેમાં 11 સદી અને 34 અડધી સદી સામેલ છે.


