Get The App

બાંગ્લાદેશ બાદ પાકિસ્તાનનો વારો? ટી20 વર્લ્ડ કપના બૉયકોટની ધમકી મામલે ICCનો કડક જવાબ

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશ બાદ પાકિસ્તાનનો વારો? ટી20 વર્લ્ડ કપના બૉયકોટની ધમકી મામલે ICCનો કડક જવાબ 1 - image


Angry ICC Puts Mohsin Naqvi On Notice: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) વચ્ચેનો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ટી20 વર્લ્ડ કપના બૉયકોટની ધમકી આપનાર પાકિસ્તાનને ICCએ અત્યાર સુધીની સૌથી કડક ચેતવણી આપી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, જો પાકિસ્તાન વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરશે, તો તેને ક્રિકેટની દુનિયામાંથી બાકાત રાખવામાં આવી શકે છે.

ICCની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી

અહેવાલો અનુસાર, ICCએ સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને જણાવી દીધું છે કે 'વર્લ્ડ કપ ન રમવાનું વલણ તેને અત્યંત મોંઘું પડશે. જો પાકિસ્તાન પીછેહઠ કરશે તો તેને ક્રિકેટની દુનિયામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવશે. કોઈપણ દેશ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સીરિઝ રમી શકશે નહીં. પાકિસ્તાનને આગામી એશિયા કપમાંથી પણ રદબાતલ કરવામાં આવશે. કોઈપણ વિદેશી ખેલાડીને પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમવા માટે તેમના દેશના બોર્ડ તરફથી NOC (અનાપત્તિ પ્રમાણપત્ર) મળશે નહીં.'

આ પણ વાંચો: ટી20 વર્લ્ડકપ: બાંગ્લાદેશના મોહમાં પાકિસ્તાન ટુર્નામેન્ટ છોડે તો કયા દેશને મળશે એન્ટ્રી?

બાંગ્લાદેશવાળી પાકિસ્તાન સાથે થશે?

ઉલ્લેખનીય છે કે, અગાઉ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને તેની જીદને કારણે વર્લ્ડ કપમાંથી બાકાત કરી દેવામાં આવ્યું હતું અને તેના સ્થાને સ્કોટલેન્ડનો સમાવેશ થયો હતો. આશ્ચર્યની વાત એ છે કે બાંગ્લાદેશને બહાર કરવામાં પાકિસ્તાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. મતદાન દરમિયાન બાંગ્લાદેશ અને પાકિસ્તાન એકલા પડી ગયા હતા, જેમાં તેમની વિરુદ્ધમાં 14 મત પડ્યા હતા અને તરફેણમાં માત્ર 2 જ મત મળ્યા હતા.

મોહસીન નકવીનું વિવાદાસ્પદ નિવેદન

PCB પ્રમુખ મોહસીન નકવીએ લાહોરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉદ્ધત વલણ અપનાવતા કહ્યું હતું કે, 'અમારા પીએમ શાહબાઝ શરીફ વિદેશ પ્રવાસે છે. તેઓ પરત ફરશે પછી અમે સલાહ લઈશું. જો સરકાર સંમત નહીં થાય, તો ICC ભલે 22મી ટીમને (અન્ય કોઈ ટીમને) આમંત્રિત કરે.' નકવીના આ અહંકારી નિવેદનને ICCએ ગંભીરતાથી લીધું છે અને કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.

નિષ્ણાતોનું માનવું છે કે, પાકિસ્તાન અત્યારે આર્થિક અને રમતગમતની દ્રષ્ટિએ અત્યંત નાજુક સ્થિતિમાં છે. જો તે ICC સામે બથ ભીડશે, તો પાકિસ્તાની ક્રિકેટનું અસ્તિત્વ જોખમાઈ શકે છે. બાંગ્લાદેશનો દાખલો બેસાડ્યા બાદ હવે ICC પાકિસ્તાન સામે પણ નરમ પડવાના મૂડમાં નથી.