How a Dog Saved the Football World Cup Trophy : ફૂટબોલ જગતની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ 'ફિફા વર્લ્ડ કપ' શરૂ થઈ ગયો છે. 96 વર્ષ જૂના આ રમતોત્સવની અનેક સારી-નરસી અને હેરતઅંગેઝ યાદો છે. એવી જ એક ચોંકાવનારી યાદ છે 1966ની જેમાં ફૂટબોલ વર્લ્ડ કપની શરૂઆત થતાં પહેલાં જ તેની ટ્રોફી ગાયબ થઈ ગઈ હતી! આખી દુનિયા જે સોનેરી કપને મેળવવા માટે ઉત્સુક હતી, તે લંડનના એક જાહેર પ્રદર્શનમાંથી રહસ્યમય રીતે ચોરાઈ ગયો. બ્રિટનની સૌથી હોશિયાર ગણાતી પોલીસ સ્ક્વોડ ‘સ્કોટલેન્ડ યાર્ડ’ અને મોટા-મોટા ડિટેક્ટિવો આ રહસ્ય ઉકેલવામાં નિષ્ફળ રહ્યા, ત્યારે ચાર પગવાળા એક હીરોએ એવું પરાક્રમ કર્યું જેણે ઇંગ્લેન્ડને વૈશ્વિક સ્તરે શરમજનક સ્થિતિમાં મુકાતા બચાવી લીધું. આ વાત છે 'પિકલ્સ' નામના એક કૂતરાની જેણે ગુમ થયેલી ફૂટબોલ ટ્રોફી શોધી કાઢી હતી.
કઈ રીતે? ચાલો જાણીએ.
3,000 પાઉન્ડની ટ્રોફી પ્રદર્શનમાં મુકાઈ
ફૂટબોલ એસોસિએશન (FA) એ તત્કાલીન ફિફા પ્રમુખ સ્ટેનલી રૂસની કડક સુરક્ષા શરતોને આધીન રહીને વેસ્ટમિન્સ્ટરના મેથોડિસ્ટ સેન્ટ્રલ હોલમાં 20 માર્ચ, 1966ના રોજ યોજાયેલા ‘સ્પોર્ટ વિથ સ્ટેમ્પ્સ’ પ્રદર્શનમાં ઐતિહાસિક 'જ્યુલ્સ રિમેટ ટ્રોફી' પ્રદર્શિત કરવાની મંજૂરી આપી હતી. આ ફૂટબોલ ટ્રોફીની કિંમત 3,000 પાઉન્ડ (ત્યારના કરન્સી રેટ પ્રમાણે રૂ. 40 હજાર) હતી, અને તેને 3,000,000 પાઉન્ડ (રૂ. 4 કરોડ)ની અંદાજિત કિંમતના અત્યંત દુર્લભ સ્ટેમ્પ સંગ્રહની સાથે રખાઈ હતી. ટ્રોફીની સુરક્ષા માટે 30,000 પાઉન્ડ (રૂ. 4 લાખ)નો વીમો લેવાયો હતો અને તેને લોક કરેલા ડિસ્પ્લે કેસમાં ચોકીદારોની નજર હેઠળ રખાતી હતી.
ધોળા દિવસે ફૂટબોલ ટ્રોફીની ચોરી થતા હોબાળો
આ પ્રદર્શનના આયોજનમાં એક મોટી સુરક્ષા ખામી રહી ગઈ હતી. પ્રદર્શન બંધ થવાના સમયે અને બપોરના ગાળામાં ચોકીદારો સતત હાજર નહોતા રહેતા. આ ખામીનો લાભ ઉઠાવીને કોઈ અજાણ્યો ચોર પાછળના દરવાજાથી અંદર ઘૂસ્યો અને બપોરના 12 વાગ્યાની આસપાસ ટ્રોફી ચોરીને ફરાર થઈ ગયો. નવાઈની વાત એ હતી કે ચોરે વધુ કિંમતી સ્ટેમ્પ કલેક્શનને અડક્યા વગર માત્ર વર્લ્ડ કપ ટ્રોફીની જ ચોરી કરી હતી. આ ઘટનાથી બ્રિટિશ સત્તાવાળાઓ ભારે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા. આ સમાચાર વાયુવેગે દુનિયાભરમાં પ્રસરી જતા ભારે હોબાળો મચી ગયો હતો.
આ પણ વાંચો : AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન
ચોરે પત્ર લખીને ખંડણીની માંગ કરી
ચોરીના થોડા દિવસો બાદ ફૂટબોલ એસોસિએશનના અધ્યક્ષ જો મીયર્સને એક પત્ર મળ્યો, જેમાં મોકલનારે પોતાનું નામ ‘જેક્સન’ દર્શાવ્યું હતું. તેમાં લખાયું હતું કે, ‘પ્રિય જો, કોઈ શંકા નથી કે તમે વર્લ્ડ કપ ટ્રોફી ખોવાઈ જવાથી ખૂબ ચિંતિત છો. મારા માટે આ માત્ર સોનાનો એક ટુકડો છે. જો મને ગુરુવાર કે શુક્રવાર સુધીમાં તમારા તરફથી કોઈ માહિતી નહીં મળે, તો હું તેને ઓગાળી નાખીશ.’ ચોરે ટ્રોફી સુરક્ષિત પરત કરવા માટે 15,000 પાઉન્ડ (રૂ. 2 લાખ)ની માંગ કરી હતી.
પોલીસ વેશ બદલીને ચોરને નાણાં આપવા ગઈ
આ મામલાને ઉકેલવા માટે ડિટેક્ટિવ ઇન્સ્પેક્ટર લેન બગ્ગીએ ફૂટબોલ એસોસિએશનના અધ્યક્ષના સહાયક બનવાનો દેખાવ કરીને બેટરસી પાર્ક નામના બગીચામાં ચોર સાથે મુલાકાત ગોઠવી. બગ્ગી પોતાની સાથે જૂના છાપા ભરેલી બ્રીફકેસ લઈને ગયા જેથી ચોરને લાગે કે બ્રિફકેસમાં નાણાં છે. પરંતુ, ચોરને આસપાસ પોલીસ હોવાની ગંધ આવી ગઈ અને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે પીછો કરીને તેની ધરપકડ કરી લીધી. જો કે, તે અસલી ચોર નહોતો. તે એડવર્ડ બેચલી હતો, એક વચેટિયો જેને અસલી ચોરે થોડા પાઉન્ડ આપીને નાણાંની બેગ લેવા મોકલ્યો હતો. ટ્રોફી ક્યાં હતી, એની તેને કોઈ જાણ નહોતી.
પિકલ્સે અનાયાસે ટ્રોફી શોધી કાઢી
એ પછી પોલીસે ખૂબ તપાસ કરી, પણ અસલી ચોર કે ટ્રોફીનો પત્તો ન લાગ્યો. આશાઓ ધૂંધળી થવા લાગી ત્યારે 27 માર્ચની સવારે એક ચમત્કાર થયો. ડેવિડ કોર્બેટ નામનો માણસ તેના એક મિક્સ બ્રિડ કૂતરા 'પિકલ્સ' સાથે ઘરની બહાર નીકળ્યો. ડેવિડ નજીકના ટેલિફોન બૂથ પરથી કોઈને ફોન કરવા માંગતો હતો. એક પાડોશીની કાર પાસેથી પસાર થતી વખતે પિકલ્સનું ધ્યાન ઝાડીઓમાં પડેલા એક પાર્સલ તરફ ગયું. એણે ભસીને પોતાના માલિકનું ધ્યાન એ તરફ દોર્યું. અખબારમાં લપેટાયેલું અને દોરીથી સજ્જડ બાંધેલું પાર્સલ જોઈને ડેવિડને જિજ્ઞાસા થઈ.
તેણે પાર્સલ ઉપાડ્યું ત્યારે ઘણું ભારે લાગ્યું. તે સમયે ‘આઇરિશ રિપબ્લિકન આર્મી’ (IRA) નામનું ક્રાંતિકારી જૂથ સક્રિય હોવાથી ડેવિડને લાગ્યું કે એ પાર્સલમાં બોમ્બ હોઈ શકે છે! એટલે તેણે પાર્સલ નીચે મૂકી દીધું, પરંતુ કુતુહલ રોકી ન શકાતા તેણે ફરી પાર્સલ ઉપાડીને નીચેના ભાગમાંથી થોડું અખબાર ફાડ્યું. તેને એક ધાતુની પટ્ટી દેખાઈ જેના પર બ્રાઝિલ, જર્મની અને ઉરુગ્વે જેવા દેશોના નામ લખેલા હતા. એટલે તે સમજી ગયો કે એ ગુમ થયેલી ફૂટબોલ વર્લ્ડ કપ ટ્રોફી જ હતી.
આ પણ વાંચો : હોર્મુઝમાં ભારતીયોના મોત પર અમેરિકાની દાદાગીરી ! જયશંકર અને રુબિયો વચ્ચે ઉગ્ર ચર્ચા
પોલીસે ડેવિડને જ ચોર સમજી લીધો!
ડેવિડ તરત જ ટ્રોફી લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો. પહેલાં તો પોલીસને ડેવિડ પર જ ચોર હોવાની શંકા ગઈ કેમ કે આ રીતે ઝાડીમાં ટ્રોફી અચાનક મળી આવવું અજુગતું લાગે એમ હતું, પરંતુ સઘન પૂછપરછ બાદ તેને નિર્દોષ જાહેર કરાયો. જો કે, આ ટ્રોફી ત્યાં ઝાડીમાં કોણ મૂકી ગયું હતું તે રહસ્ય દાયકાઓ સુધી ઉકેલી શકાયું નહીં.
પિકલ્સ રાતોરાત સેલિબ્રિટી બની ગયો
ટ્રોફી શોધનારો પિકલ્સ સમગ્ર બ્રિટનમાં રાતોરાત સેલિબ્રિટી બની ગયો. તેને પ્રખ્યાત ટેલિવિઝન શોમાં આમંત્રિત કરાયો. પ્રતિષ્ઠિત મેડલ આપીને તેનું સન્માન કરાયું. એક બ્રાન્ડ તરફથી તેને આખા વર્ષ માટે મફત ડોગ ફૂડનું ઈનામ અપાયું. તેને 'ધ સ્પાય વિથ અ કોલ્ડ નોઝ' નામની ફિલ્મમાં અભિનય કરવાની તક મળી. તેના માલિક ડેવિડ કોર્બેટને 5,000 પાઉન્ડ(67 હજાર રૂપિયા)નું રોકડ ઇનામ મળ્યું.
ઇંગ્લેન્ડના વિજયની ઉજવણીમાં પણ પિકલ્સ
1966ના એ વર્લ્ડ કપ ફાઇનલમાં પશ્ચિમ જર્મનીને 4-2થી હરાવીને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ ઇંગ્લેન્ડે મેળવ્યું. જ્યારે ઇંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજેતાઓના ભોજન સમારંભનું આયોજન કરાયું, ત્યારે પિકલ્સ અને ડેવિડને ખાસ આમંત્રણ હતું. ‘જ્યુલ્સ રિમેટ ટ્રોફી’ શોધીને આખી દુનિયામાં ઇંગ્લેન્ડનું નાક કપાઈ જતાં બચાવનારો ‘પિકલ્સ’ વર્લ્ડ કપ પછી પણ સેલિબ્રિટી તરીકે જીવ્યો. એક વર્ષ બાદ એનું અવસાન થયું. એક બિલાડીનો પીછો કરતી વખતે તેની ગળાની દોરી ઝાડની ડાળી સાથે ભરાઈ જવાથી શ્વાસ રૂંધાવાને કારણે પિકલ્સનું આકસ્મિક મૃત્યુ થયું હતું. એનું અવસાન થયું ત્યારે આખા ઇંગ્લેન્ડમાં શોકનો માહોલ હતો. બ્રિટિશ પ્રજા આજે પણ પિકલ્સને નથી ભૂલી. તેના ગળાના પટ્ટા (Collar) ને આજે પણ માન્ચેસ્ટરના નેશનલ ફૂટબોલ મ્યુઝિયમમાં સાચવીને રખાયો છે. એનું અનોખું પરાક્રમ ફૂટબોલના ઇતિહાસમાં કાયમ માટે અમર થઈ ગયું છે.
આ પણ વાંચો : G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા
ટ્રોફીનો ચોર કોણ એ છેક 51 વર્ષે ખબર પડી
ટ્રોફીનો ચોર કોણ હતો એ રહસ્ય 51 વર્ષ સુધી જળવાઈ રહ્યું. 2017માં બ્રિટિશ અખબાર ‘ધ મિરર’ના પત્રકારે સંશોધન કરીને જાહેર કર્યું કે ફૂટબોલ ટ્રોફીનો ચોર લંડનનો એક કુખ્યાત ગેંગસ્ટર સિડની કુગલેર (Sidney Cugullere) હતો. ચોરના પરિવારના જણાવ્યા મુજબ તેણે ફક્ત રોમાંચ ખાતર ફૂટબોલ વર્લ્ડ કપ ચોર્યો હતો. પરંતુ પોલીસને ખબર પડી ત્યારે સિડની જીવતો ન હતો. વર્ષ 2005માં 79 વર્ષની વયે કેન્સરથી તેનું અવસાન થયું હતું.


