FIFA વર્લ્ડ કપમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા, એમ્બાપ્પેએ હાથ ન મિલાવતા ગોલકીપર ભડક્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

FIFA World Cup 2026: રવિવારે ફ્રાન્સે પરાગ્વેને 1-0 થી હરાવીને ક્વાર્ટર ફાઇનલની ટિકિટ તો મેળવી લીધી, પરંતુ આ મુકાબલાની સૌથી મોટી ચર્ચા ફ્રાન્સના સ્ટાર કિલિયન એમબાપ્પે અને પરાગ્વેના ખેલાડીઓ વચ્ચેનો હાઈ-વોલ્ટેજ ડ્રામા અને ઉગ્ર વિવાદ રહ્યો છે. મેદાન પર 38 ડિગ્રી સેલ્સિયસની કાળઝાળ ગરમી વચ્ચે શરૂ થયેલો આ તણાવ મેચની અંતિમ વ્હીસલ વાગ્યા બાદ પણ શાંત થયો નહોતો.
હેન્ડશેક કરવાની ના પાડી અને વિવાદ વકર્યો
મેચ પૂરો થતાં જ પરાગ્વેના ગોલકીપર ઓર્લેન્ડો ગિલે ખેલદિલી બતાવીને કિલિયન એમબાપ્પે તરફ હાથ મિલાવવા માટે ડગલાં માંડ્યા હતા. જોકે, ફ્રાન્સના કેપ્ટન એમબાપ્પેએ અહંકાર બતાવી કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વિના આગળ વધી ગયો હતો. આ વર્તનથી ગુસ્સે ભરાયેલા ગોલકીપર ગિલે હાથમાં રહેલો ફૂટબોલ સીધો એમબાપ્પેની પીઠ પાછળ જોરથી માર્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
મેદાન પર થઈ ધક્કા-મુક્કી અને સ્પેનિશમાં સ્લેજિંગ
ફિલાડેલ્ફિયા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પરાગ્વેની ટીમે એમબાપ્પેને રોકવા માટે શરૂઆતથી જ અતિ આક્રમક અને રફ રમત અપનાવી હતી. એન્ડ્રેસ ક્યુબાસ અને માટિયાસ ગલાર્જાના ખતરનાક ટેકલ બાદ બંને ટીમના ખેલાડીઓ આમને-સામને આવી ગયા હતા અને મેદાન પર જ ધક્કા-મુક્કી થઈ હતી. અહેવાલો અનુસાર, એમબાપ્પે પણ આખો મેચ માનસિક દબાણ હટાવવા માટે પરાગ્વેના ખેલાડીઓને સ્પેનિશ ભાષામાં વળતો જવાબ (સ્લેજિંગ) આપતો રહ્યો હતો. આખરે 70મી મિનિટે મળેલી પેનલ્ટીને ગોલમાં ફેરવી એમબાપ્પેએ ફ્રાન્સને જીત અપાવી હતી.
એમબાપ્પેએ કર્યા આકરા આક્ષેપો
મેચ બાદ કિલિયન એમબાપ્પેએ પરાગ્વેની રણનીતિ પર કટાક્ષ કરતા કહ્યું, "અમને ખબર જ હતી કે મેચ કેવી રહેવાની છે. જરૂર પડ્યે અમને પણ આક્રામક ફૂટબોલ રમતા આવડે છે. કદાચ પરાગ્વેના ખેલાડીઓ એવું વિચારતા હતા કે અમે મેદાન પર ટક્સીડો (સૂટ) પહેરીને ઉતરીશું, પરંતુ અમે દરેક પડકાર માટે તૈયાર હતા." બીજી તરફ પરાગ્વેના ગોલકીપર ઓર્લેન્ડો ગિલે દાવો કર્યો કે જો ફ્રાન્સને તે વિવાદાસ્પદ પેનલ્ટી ન મળી હોત, તો અમે મેચને એક્સ્ટ્રા ટાઇમ સુધી ખેંચી ગયા હોત.
મેસ્સીના રેકોર્ડની નજીક અને નવો ઇતિહાસ
આ મેચના ગોલ સાથે એમબાપ્પેના નામે હવે વર્લ્ડ કપના ઇતિહાસમાં 19 ગોલ થઈ ગયા છે અને તે લિઓનલ મેસ્સી (20 ગોલ) ના ઓલ-ટાઇમ રેકોર્ડથી માત્ર એક જ ગોલ દૂર છે. આ સાથે જ એમબાપ્પે સતત ત્રણ અલગ-અલગ વર્લ્ડ કપના નૉકઆઉટ મુકાબલામાં ઓછામાં ઓછા ત્રણ ગોલ કરનારો વિશ્વનો પ્રથમ ફૂટબોલર બની ગયો છે. હવે 10 જુલાઈએ ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સનો સામનો મોરોક્કો સામે થશે.









