Sports

FIFA વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ફ્રાન્સની ધમાકેદાર એન્ટ્રી, મોરક્કો સામે એમ્બાપ્પે-ડેમ્બેલે છવાયા

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
ફિફા વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગુરુવારે રમાયેલી આ રોમાંચક મેચમાં કિલિયન એમબાપ્પે અને ઉસ્માન ડેમ્બેલેના ગોલથી ફ્રાન્સનો વિજય થયો. ડલાસ ખાતે મંગળવારે ફ્રાન્સ હવે સ્પેન અથવા બેલ્જિયમ સામે ટકરાશે. ફ્રાન્સ સતત ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઇનલ રમવા તરફ આગળ વધી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

FIFA વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ફ્રાન્સની ધમાકેદાર એન્ટ્રી, મોરક્કો સામે એમ્બાપ્પે-ડેમ્બેલે છવાયા

FIFA World Cup 2026 : ફિફા વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશી લીધો છે. ગુરુવારે રમાયેલી આ રોમાંચક મેચમાં ફ્રાન્સ તરફથી સ્ટાર ફૂટબોલર કિલિયન એમબાપ્પે અને ઉસ્માન ડેમ્બેલેએ શાનદાર ગોલ કરીને ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે ફ્રાન્સ હવે મંગળવારે ડલાસ ખાતે રમાનારી સેમિફાઇનલમાં સ્પેન અથવા બેલ્જિયમ સામે ટકરાશે. વર્ષ 2022ના કતાર વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પણ ફ્રાન્સે મોરોક્કોને આ જ સ્કોરથી હરાવ્યું હતું અને હવે તે સતત ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઇનલ રમવા તરફ આગળ વધી રહ્યું છે.

મેચની શરૂઆતથી જ ફ્રાન્સની ટીમ મોરોક્કો પર સંપૂર્ણપણે હાવી રહી હતી. ફ્રાન્સે ગોલ પોસ્ટ તરફ કુલ 21 શોટ માર્યા હતા, જ્યારે મોરોક્કો માત્ર 4 શોટ જ મારી શક્યું હતું. મેચના 25મી મિનિટે મોરોક્કોના ડિફેન્ડર નુસૈર મજરાઉઈએ બોક્સની અંદર એમબાપ્પેને પાડી દેતા રેફરીએ પેનલ્ટી આપી હતી. જોકે, 28મી મિનિટે એમબાપ્પે દ્વારા લેવાયેલા પેનલ્ટી શૉટને મોરોક્કોના ગોલકીપર યાસીન બોનોએ શાનદાર રીતે બચાવી લીધો હતો. આ ભૂલ બાદ એમબાપ્પેએ શાનદાર વાપસી કરી અને મેચની 60મી મિનિટે એક અદભુત ગોલ ડાઘ્યો હતો. આ ગોલ તેના વર્લ્ડ કપ કરિયરનો 20મો ગોલ હતો, જેની સાથે તે આર્જેન્ટિનાના લિઓનલ મેસીના રેકોર્ડથી માત્ર એક ગોલ પાછળ રહી ગયો છે.

ફ્રાન્સનો બીજો ગોલ મેચની 66મી મિનિટે આવ્યો હતો, જ્યારે એમબાપ્પેએ ચપળતાપૂર્વક ડિફેન્ડરોને પોતાની તરફ ખેંચીને બોલ ઉસ્માન ડેમ્બેલે તરફ પાસ કર્યો હતો. ડેમ્બેલેએ આ તકનો ફાયદો ઉઠાવીને ટૂર્નામેન્ટનો પોતાનો પાંચમો ગોલ કર્યો અને ફ્રાન્સની જીત પાકી કરી દીધી હતી. બીજી તરફ મોરોક્કોની ટીમને હાફ ટાઇમ પહેલા અશરફ હકીમીની ફ્રી કિક દ્વારા ગોલ કરવાની સુવર્ણ તક મળી હતી, પરંતુ તે બોલ ગોલ પોસ્ટની બહાર જતો રહ્યો હતો.