ફિફા વર્લ્ડ કપ પહેલાં મોટો વિવાદ: અમેરિકાએ આફ્રિકાના બેસ્ટ રેફરીને ઍરપૉર્ટ પરથી જ તગેડી મૂક્યા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Somali Referee Dropped from Fifa: ફૂટબોલ વિશ્વ કપ શરૂ થાય તે પહેલા જ એક મોટો રાજદ્વારી અને રમતગમતનો વિવાદ સામે આવ્યો છે. સોમાલિયાના ઇતિહાસમાં ફૂટબોલ વર્લ્ડ કપમાં રેફરી બનવાની તક મેળવનારા પ્રથમ વ્યક્તિ ઓમર અબ્દુલ કાદિર આર્તનને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી. આ મંજૂરી ન મળવાને કારણે વિશ્વ કપના સત્તાવાર અધિકારીઓની યાદીમાંથી પણ તેમનું નામ હટાવી દેવામાં આવ્યું છે.
ઓમર આર્તનને આફ્રિકન ફૂટબોલ કન્ફેડરેશન (CAF) દ્વારા વર્ષ 2025ના સર્વશ્રેષ્ઠ પુરુષ રેફરી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ મિયામી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઉતર્યા હતા, પરંતુ અમેરિકન ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને દેશમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હતો. હાલમાં તેઓ તુર્કીમાં છે.
શા માટે રોકવામાં આવ્યા? અમેરિકાનું મૌન
અમેરિકન ઇમિગ્રેશન સત્તાવાળાઓએ આર્તનને રોકવા પાછળનું કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી. જોકે સોમાલિયા એવા દેશોની યાદીમાં સામેલ છે જેના નાગરિકો પર ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ મામલે અમેરિકી સત્તાધીશો સાથે વાતચીત કર્યા બાદ ફૂટબોલની વૈશ્વિક સંસ્થા 'ફીફા' એ પુષ્ટિ કરી છે કે આર્તન હવે આ ટુર્નામેન્ટનો ભાગ બની શકશે નહીં.
આ વર્ષે ફીફા વિશ્વ કપ 2026નું આયોજન 11 જૂનથી 19 જુલાઈ દરમિયાન અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે થવા જઈ રહ્યું છે. આર્તન વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલા 52 મુખ્ય રેફરીઓમાંથી એક હતા.
સોમાલિયાના વડાપ્રધાને વ્યક્ત કરી નારાજગી
અમેરિકાના આ કડક વલણ સામે સોમાલિયાના વડાપ્રધાન હસન અલી ખૈરેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે : "આ સમાચાર સાંભળીને મને ઊંડી નિરાશા થઈ છે કે આફ્રિકાના શ્રેષ્ઠ અને દુનિયાના અગ્રણી રેફરીઓમાંના એક ઓમર આર્તન વિશ્વ કપની મેચોનું સંચાલન કરી શકશે નહીં. ઓમરે પોતાની પ્રતિભા, સખત મહેનત અને પ્રમાણિકતાના બળે આ મુકામ પ્રાપ્ત કર્યો છે. મને હજુ પણ આશા છે કે આનો કોઈ સકારાત્મક ઉકેલ આવશે. ઓમર, આખું આફ્રિકા અને દુનિયા તમારી સાથે છે."
વિવાદ પર ફીફા અને વ્હાઇટ હાઉસનું સત્તાવાર નિવેદન
ફીફાએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, "મેચ અધિકારી ઓમર અબ્દુલ કાદિર આર્તનને અમેરિકામાં પ્રવેશ ન મળ્યા બાદ, અમે પુષ્ટિ કરીએ છીએ કે તેઓ ફીફા વિશ્વ કપ 2026માં પોતાની ભૂમિકા ભજવી શકશે નહીં. વિઝાના નિર્ણયો સહિત યજમાન દેશની ઇમિગ્રેશન પ્રક્રિયાઓમાં ફીફા હસ્તક્ષેપ કરતું નથી. યજમાન સરકાર જ અંતે નક્કી કરે છે કે કોને વિઝા આપવા."
બીજી તરફ, વ્હાઇટ હાઉસ ટાસ્ક ફોર્સના વડા એન્ડ્રુ ગિયુલિયાનીએ અમેરિકાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું કે, "હું આ અંગે કોઈ ગુપ્ત માહિતી જાહેર કરી શકું નહીં, પરંતુ આ કસ્ટમ્સ ઍન્ડ બોર્ડર પ્રોટેક્શનનો નિર્ણય હતો અને હું તે નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપું છું."
ડિપ્લોમેટિક પાસપૉર્ટ હોવા છતાં એન્ટ્રી ન મળી
સોમાલિયાના યુવા અને રમતગમત મંત્રાલયના વરિષ્ઠ સલાહકારે પુષ્ટિ કરી છે કે આર્તન સંપૂર્ણ કાયદેસરના દસ્તાવેજો સાથે મુસાફરી કરી રહ્યા હતા. ભૂતકાળમાં વિઝા મેળવવામાં પડેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, આ વખતે ખાસ નૈરોબી સ્થિત સોમાલી દૂતાવાસ દ્વારા તેમના માટે 'ડિપ્લોમેટિક પાસપૉર્ટ' પણ જારી કરવામાં આવ્યો હતો, જેથી મુસાફરી સરળ બને. તેમ છતાં અમેરિકાએ તેમને પ્રવેશ આપ્યો નથી. સોમાલી ફૂટબોલ ફેડરેશને આ મામલે ફીફા પાસે તાત્કાલિક સ્પષ્ટતા માંગી છે.
રેફરી ઓમર આર્તનનો પ્રતિભાવ
આ સમગ્ર વિવાદ પર ઓમર આર્તને ગરિમાપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું, "પરિસ્થિતિ ગમે તે હોય, હું સકારાત્મક છું અને મારા રેફરીંગ કરિયરના આગામી પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. હું ફીફા અને સીએએફના સમર્થન બદલ આભાર માનું છું અને વચન આપું છું કે ભવિષ્યમાં હું મારા રેફરીંગના સ્તરને વધુ ઊંચું લઈ જઈશ."
નોંધનીય છે કે સોમાલી નેશનલ ફૂટબોલ લીગના ઓફિશિયલ આર્તન 2018માં ફીફાના ઓફિશિયલ રેફરી બન્યા હતા અને તેઓ આફ્રિકા કપ ઑફ નેશન્સ(AFCON) જેવી પ્રતિષ્ઠિત સીરિઝમાં અમ્પાયરિંગનો બહોળો અનુભવ ધરાવે છે.









