Get The App

41 વર્ષના ફેફ ડુ પ્લેસિસનું તોફાન: મેજર લીગ ક્રિકેટમાં ફટકારી અણનમ સદી, પોલ કોલિંગવુડનો 9 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
41 વર્ષના ફેફ ડુ પ્લેસિસનું તોફાન: મેજર લીગ ક્રિકેટમાં ફટકારી અણનમ સદી, પોલ કોલિંગવુડનો 9 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત 1 - image

Faf Du Plessis Oldest Centurian: દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફેફ ડુ પ્લેસિસ T20 ક્રિકેટમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી વધુ ઉંમરનો ખેલાડી બની ગયો છે. તેણે મેજર લીગ ક્રિકેટ 2026ની પ્રથમ જ મેચમાં ટેક્સાસ સુપર કિંગ્સ તરફથી રમતા સિયાટલ ઓર્કાસ સામે આ શાનદાર સિદ્ધિ મેળવી છે. હાલમાં ફેફ ડુ પ્લેસિસની ઉંમર 41 વર્ષ છે અને તેની આ વિસ્ફોટક ઇનિંગ્સના જોરે ટેક્સાસ સુપર કિંગ્સે એક અદ્ભુત અને યાદગાર જીત મેળવી છે.

સિયાટલ ઓર્કાસે આપ્યો હતો 221 રનનો વિશાળ ટાર્ગેટ

મેજર લીગ ક્રિકેટ 2026ની શરૂઆત ટેક્સાસ સુપર કિંગ્સ વિરુદ્ધ સિયાટલ ઓર્કાસ (TSK vs SOR) મેચ સાથે થઈ હતી, જે ભારે રોમાંચક રહી હતી. સિયાટલ ઓર્કાસે પ્રથમ બેટિંગ કરતા માત્ર 2 વિકેટ ગુમાવીને 220 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ટીમ માટે ટિમ સીફર્ટે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરીને 104 રનની શતકીય ઇનિંગ્સ રમી હતી. જોકે, તેની આ મહેનત પર ટેક્સાસના કેપ્ટન ફેફ ડુ પ્લેસિસે એકલા હાથે પાણી ફેરવી દીધું હતું.

ફેફ ડુ પ્લેસિસે પોલ કોલિંગવુડનો 9 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

221 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટેક્સાસની ટીમ વતી ઓપનિંગ કરતા ડુ પ્લેસિસે મેદાનની ચારેય તરફ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. તેણે માત્ર 45 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી હતી અને 52 બોલમાં 113 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. 41 વર્ષ અને 340 દિવસની ઉંમરે આ ઇનિંગ રમીને તેણે ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર પોલ કોલિંગવુડનો 9 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે. કોલિંગવુડે 41 વર્ષ અને 65 દિવસની ઉંમરે T20 સદી ફટકારી હતી. આ સાથે ડુ પ્લેસિસ T20 ઇતિહાસનો સૌથી વયસ્ક સેન્ચુરિયન બન્યો છે.

ઉંમર માત્ર એક આંકડો છે! 40 પ્લસની ઉંમરે 3 T20 સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન

ફેફ ડુ પ્લેસિસ 40 વર્ષની ઉંમર વટાવ્યા બાદ અત્યાર સુધીમાં 3 T20 સદી ફટકારી ચૂક્યો છે. ક્રિકેટ જગતના ઇતિહાસમાં અન્ય કોઈ બેટ્સમેને આ ઉંમર પછી એક કરતાં વધુ T20 સદી નોંધાવી નથી. MLCના ઇતિહાસમાં ડુ પ્લેસિસની આ 4થી સદી હતી, જ્યારે તેની સમગ્ર T20 કરિયરની આ 8મી સદી છે. કેપ્ટનની આ આક્રમક બેટિંગના કારણે TSKની ટીમે 221 રનનું મસમોટું લક્ષ્ય 9 બોલ બાકી રાખીને જ ખૂબ જ આસાનીથી હાંસલ કરી લીધું હતું.

રન ચેઝમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓનો જોવા મળ્યો દબદબો

આ વિશાળ સ્કોરનો સફળતાપૂર્વક પીછો કરવામાં ટેક્સાસ સુપર કિંગ્સના દક્ષિણ આફ્રિકન ખેલાડીઓએ કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી:

• રાઇલી રોસો: તેણે માત્ર 21 બોલમાં 49 રનની આક્રમક ઇનિંગ રમી અને ડુ પ્લેસિસ સાથે બીજી વિકેટ માટે માત્ર 37 બોલમાં 95 રનની તોફાની ભાગીદારી કરી.

• વિયાન મુલ્ડર: તેણે છેલ્લી ઓવરોમાં 15 બોલમાં અણનમ 31 રન ફટકારીને ટીમને વિજય રેખા પાર કરાવી.

આ પણ વાંચો: 'ગૌતમ ગંભીરને હટાવો…' ટીમ ઈન્ડિયાના હેડ કોચ પર ભડક્યો શ્રીસંત, જાણો શું સલાહ આપી

• નાન્ડ્રે બર્ગર: બોલિંગમાં આ ડાબોડી ફાસ્ટ બોલરે પોતાની 4 ઓવરમાં માત્ર 27 રન આપ્યા હતા. તેણે મેચની અત્યંત મહત્ત્વપૂર્ણ એવી 19મી ઓવર ફેંકી, જેમાં સિયાટલના બેટ્સમેનોને માત્ર 8 રન જ લેવા દીધા હતા.

આ અગાઉ સિયાટલ ઓર્કાસ તરફથી ટિમ સીફર્ટે પોતાની કરિયરની 6ઠ્ઠી T20 સદી ફટકારતા 66 બોલમાં 104 રન બનાવ્યા હતા, જ્યારે ઓપનર શાયન જહાંગીરે 47 બોલમાં 78 રનનું પ્રદાન આપ્યું હતું, પરંતુ ડુ પ્લેસિસના ઐતિહાસિક પ્રહાર સામે આ સ્કોર ટૂંકો સાબિત થયો હતો.