'ગૌતમ ગંભીરને હટાવો…' ટીમ ઈન્ડિયાના હેડ કોચ પર ભડક્યો શ્રીસંત, જાણો શું સલાહ આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

S Sreeanth on Gautam Gambhir: "ટીમ ઇન્ડિયામાં ગૌતમ ગંભીરનું કોઈ કામ નથી, તેને પદ પરથી હટાવો..." આ સણસણતો આક્ષેપ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંતે કર્યો છે. શ્રીસંતે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં અનેક મુદ્દાઓ પર બેબાક મંતવ્યો રજૂ કરતી વખતે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. શ્રીસંતના આ આકરા પ્રહારથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે તેની અને ગંભીર વચ્ચેની જૂની કડવાશ હજુ પણ યથાવત છે. પૂર્વ પેસરનું માનવું છે કે ભારતની સિનિયર ક્રિકેટ ટીમમાં ગંભીર જેવા હેડ કોચની કોઈ જરૂર નથી.
ભારતીય ટીમને કોચની નહીં, એમએસ ધોની જેવા મેન્ટરની જરૂર છે
ગંભીર પર નિશાન સાધતા શ્રીસંતે કહ્યું કે, "વર્તમાન ટીમ ઇન્ડિયામાં ગંભીરનું શું કામ છે? ટીમને અત્યારે કોઈ કડક કોચની નહીં, પરંતુ એક સારા મેન્ટરની જરૂર છે. ગંભીરના સ્થાને ટીમ ઇન્ડિયામાં મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડીને મેન્ટર તરીકે લાવવો જોઈએ. ગંભીરને તાત્કાલિક અસરથી હટાવીને ધોનીને આ જવાબદારી સોંપવી જોઈએ, કારણ કે ગંભીર ખેલાડીઓ પર બિનજરૂરી દબાણ ઉભું કરે છે."
ગંભીરે ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન નથી બનાવી: શ્રીસંતનો દાવો
રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા બાદ ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગંભીરની કોચિંગ હેઠળ ભારતીય ટીમે ઘણી સફળતાઓ હાંસલ કરી છે, જેમાં આ જ વર્ષે યોજાયેલો આઇસીસી T20 વર્લ્ડ કપ જીતવાનો પણ સમાવેશ થાય છે. જોકે, ટીમની આ ઐતિહાસિક સફળતા પર સવાલ ઉઠાવતા શ્રીસંતે કહ્યું કે, "લોકો એવું કહી રહ્યા છે કે ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાને આ વર્ષે T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવી છે, પરંતુ હું પૂછું છું કે તેમણે એવું તે શું કર્યું છે? જો ટીમમાં સંજુ સેમસન ન હોત, સૂર્યકુમાર યાદવની શાનદાર કેપ્ટનશીપ ન હોત અને તિલક વર્માની મહત્ત્વની ઇનિંગ્સ ન હોત, તો શું ભારત ચેમ્પિયન બની શક્યું હોત? ગંભીરને T20 વર્લ્ડ કપ જીતવાનો શ્રેય બિલકુલ ન આપવો જોઈએ."
ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચેનો જૂનો વિવાદ શું છે?
એક સમય એવો હતો જ્યારે ગૌતમ ગંભીર અને શ્રીસંત ભારતીય ટીમ વતી એકસાથે મેદાન પર રમતા હતા. જોકે આઇપીએલ 2013 દરમિયાન શ્રીસંતનું નામ કુખ્યાત સ્પોટ ફિક્સિંગ કેસમાં સામે આવ્યું હતું. આ ઘટના બાદ ગંભીરે જાહેર મંચ પરથી અનેકવાર શ્રીસંતની આકરી આલોચના કરી હતી. જોકે, લાંબી કાનૂની લડાઈ લડ્યા બાદ શ્રીસંત પરથી સ્પોટ ફિક્સિંગના તમામ આરોપો હટાવી દેવામાં આવ્યા હતા, પરંતુ આ વિવાદના કારણે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર હંમેશા માટે ખતમ થઈ ગઈ હતી. હાલમાં શ્રીસંત નિવૃત્ત ખેલાડીઓની વિવિધ લીગ મેચોમાં રમતો જોવા મળે છે.
એસ શ્રીસંતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર પર એક નજર
એસ શ્રીસંતે ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના કરિયરના આંકડા નીચે મુજબ છે:
• ટેસ્ટ ક્રિકેટ: શ્રીસંત ભારત માટે 27 ટેસ્ટ મેચ રમ્યો હતો, જેમાં તેણે 87 વિકેટ ઝડપી હતી.
• વનડે ક્રિકેટ: તેણે 53 વનડે મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને 75 વિકેટ પોતાના નામે કરી હતી.
T20 ક્રિકેટ: આ ટૂંકા ફોર્મેટમાં તે માત્ર 10 મેચ રમ્યો હતો અને કુલ 7 વિકેટ મેળવવામાં સફળ રહ્યો હતો.









