કેપ્ટન શ્રેયસ અય્યરે ધોનીની પરંપરા જાળવી, શ્રેણી જીત્યા બાદ ટ્રોફી જુઓ કોને પકડાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Passing the Legacy Forward: ભારતીય ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની છેલ્લી અને નિર્ણાયક મેચમાં 35 રનથી શાનદાર જીત મેળવીને 3 મેચોની T20I શ્રેણી 3-0થી પોતાના નામે કરી લીધી છે. હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી આ મેચમાં પ્રવાસી ભારતીય ટીમે યજમાન ઝિમ્બાબ્વે સામે 193 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેની સામે ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 157 રન જ બનાવી શકી હતી. આ ક્લીન સ્વીપ બાદ મેદાન પર ટીમ ઇન્ડિયાએ ભારે ઉત્સાહ સાથે જીતની ઉજવણી કરી હતી. જોકે, આ સેલિબ્રેશન દરમિયાન સૌથી વધુ ચર્ચા કેપ્ટન શ્રેયસ અય્યરના એક પ્રશંસનીય પગલાની થઈ રહી છે, જેણે તમામ ક્રિકેટપ્રેમીઓનાં દિલ જીતી લીધાં છે.
ધોનીની ઐતિહાસિક પરંપરાને રાખી જીવંત
મેચ પૂરી થયા બાદ જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યરને વિજેતા ટ્રોફી એનાયત કરવામાં આવી, ત્યારે તેણે ટ્રોફી પોતાની પાસે રાખવાને બદલે ટીમમાં સામેલ બે યુવા ખેલાડીઓ અશોક શર્મા અને વૈભવ સૂર્યવંશીને હાથમાં સોંપી દીધી હતી. ભારતીય ક્રિકેટમાં આ એક અત્યંત સુંદર અને ભાવનાત્મક પરંપરા છે, જેની શરૂઆત પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કરી હતી. ધોની હંમેશાં કોઈ પણ મોટી સીરિઝ કે ટૂર્નામેન્ટ જીત્યા બાદ ટ્રોફી ટીમના સૌથી યુવા અથવા ડેબ્યૂ કરનારા ખેલાડીઓને સોંપી દેતા હતા, જેથી તે ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે અને તેઓ ટીમમાં પોતાની ભૂમિકાને મહત્ત્વની સમજી શકે. ધોની બાદ વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે પણ આ રીત અપનાવી હતી અને હવે શ્રેયસ અય્યરે આ પરંપરાને આગળ ધપાવી છે.
બંને યુવા ખેલાડીઓ માટે યાદગાર ક્ષણ
કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ ભારતીય ટીમની આ પ્રથમ T20I શ્રેણી જીત છે, કારણ કે આ પહેલાં આયરલેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ભારતને અય્યરની કેપ્ટનશીપ હેઠળ હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઐતિહાસિક ક્ષણે ટ્રોફી હાથમાં લેનારા યુવા ફાસ્ટ બોલર અશોક શર્મા માટે આ પ્રવાસ ખૂબ જ ખાસ રહ્યો હતો કારણ કે તેમણે આ જ સીરિઝથી પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું છે. જ્યારે બીજી તરફ, માત્ર 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ થોડા સમય પહેલાં જ ઇંગ્લેન્ડ પ્રવાસ પર પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી છે. આ બંને યુવા સ્ટાર્સે ટ્રોફી હાથમાં પકડીને આખી ટીમ સાથે વિજયી તસવીરો ખેંચાવી હતી અને ટીમના વરિષ્ઠ ખેલાડીઓએ પણ તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ભારતીય ડ્રેસિંગ રૂમની આ મજબૂત સંસ્કૃતિ દર્શાવે છે કે ટીમ ઇન્ડિયામાં ટ્રોફી માત્ર કેપ્ટનની નહીં પરંતુ સમગ્ર ટીમની સંયુક્ત સિદ્ધિ ગણાય છે.









