CWG 2026 માં મોટો વિવાદ: ભારતના નકશામાંથી 'નોર્થ ઈસ્ટ' ગાયબ, સ્ટાર બોક્સરે રોષ વ્યક્ત કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CWG 2026 Controversy : ગ્લાસગોમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 (CWG 2026) માં ભારતીય બોક્સરોએ રિંગની અંદર પોતાના શાનદાર પ્રદર્શનથી ઈતિહાસ રચી દીધો છે. ટોક્યો ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલિસ્ટ લવલીના બોરગોહેને (Lovlina Borgohain) મહિલા 75 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. તેમણે પોતાની આ ઉપલબ્ધિ આસામના પૂર પીડિતોને સમર્પિત કરી હતી. જોકે, મેચો પૂરી થયા બાદ ગ્લાસગોના એક રેસ્ટોરન્ટમાં રિંગ બહાર મોટો વિવાદ ઊભો થયો છે.
રેસ્ટોરન્ટના નેપકિન પર અધૂરો નકશો જોઈ ભડકી લવલીના
રિંગમાં સફળતા મેળવ્યા બાદ ભારતીય ખેલાડીઓ ગ્લાસગોના પોપ્યુલર ભારતીય રેસ્ટોરન્ટ 'મિસ્ટર સિંગ્સ ઈન્ડિયા' (Mr Singh's India) ખાતે ડિનર માટે પહોંચ્યા હતા. જ્યાં ટેબલ પર રાખવામાં આવેલા નેપકિન પર લવલીના બોરગોહેનની નજર પડી તો ખુશીનો માહોલ ગુસ્સામાં ફેરવાઈ ગયો. આસામથી આવતી આ સ્ટાર બોક્સરે જોયું કે નેપકિન પર છપાયેલા ભારતના નકશામાંથી 'નોર્થ ઈસ્ટ' (ઉત્તર-પૂર્વ ભારત) નો આખો ભાગ ગાયબ હતો.
આ ગંભીર બેદરકારી પર નારાજગી વ્યક્ત કરતાં લવલીનાએ જણાવ્યું કે, "અમારા નોર્થ ઈસ્ટ વગર ભારતનો નકશો અધૂરો છે. દેશનો દરેક હિસ્સો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમામ જગ્યાએ ભારતનો સાચો અને પૂરો નકશો જ દર્શાવવો જોઈએ."
બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI) એ પણ કર્યો વિરોધ
લવલીના બોરગોહેનના આ વિરોધને ભારતીય બોક્સિંગ મહાસંઘ (BFI) ના અધ્યક્ષ અજય સિંહે ખુલ્લું સમર્થન આપ્યું છે. અજય સિંહે ઉમેર્યું કે આ નકશામાં માત્ર નોર્થ ઈસ્ટ જ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીરને પણ યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યું ન હતું. તેમણે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ પાસે તાત્કાલિક ધોરણે આ નેપકિન્સ હટાવી લેવાની અને સાચા નકશાનો ઉપયોગ કરવાની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વિદેશોમાં ભારતીય સંસ્કૃતિ અને ઓળખ સાથે આવી બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં.









