એક્શન મોડમાં BCCI: શ્રીલંકા પ્રવાસથી પરત ફરતા જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને બોલાવ્યા, જાણો શું થયું?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BCCI Pre Season Fitness Test 2026: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ નવી સિઝન માટે સંપૂર્ણ રીતે સજ્જ થવામાં લાગી ગયા છે. શ્રેયસ અય્યર, યશસ્વી જયસ્વાલ અને રવીન્દ્ર જાડેજા સહિત બીસીસીઆઈ (BCCI) ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓએ બેંગલુરુ સ્થિત 'બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ' (Center of Excellence) માં પ્રી-સિઝન ફિટનેસ ટેસ્ટ પૂર્ણ કરી લીધો છે. આ ફિટનેસ આકારણી 2026-27ની વ્યસ્ત ક્રિકેટ સિઝન પહેલા ખેલાડીઓની તૈયારીઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
શ્રીલંકા પ્રવાસ બાદ તરત જ ફિટનેસ ટેસ્ટ
શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની સિરીઝ પૂર્ણ થયાના માત્ર 48 કલાકની અંદર જ ભારતીય ટીમના ટોચના ખેલાડીઓ શનિવારે બેંગલુરુ ખાતે આગામી આઠ મહિનાની વ્યસ્ત સિઝનને ધ્યાનમાં રાખીને ફિટનેસ ટેસ્ટ આપવા પહોંચ્યા હતા. આ ફિટનેસ સત્ર 2027ના ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સુધી ચાલશે. આ ટેસ્ટમાં અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા, વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત, ઓપનર યશસ્વી જયસ્વાલ, ટી20 કેપ્ટન શ્રેયસ અય્યર, રિંકુ સિંહ, સંજૂ સેમસન અને ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સહિત અનેક ખેલાડીઓ ફિટનેસ ચકાસણી કરાવતા નજરે પડ્યા હતા.
શું હોય છે આ ફિટનેસ ટેસ્ટમાં?
આ ફરજિયાત ફિટનેસ ટેસ્ટમાં 'બ્રોન્કો ટેસ્ટ' (Bronco Test), '2 કિલોમીટર રન', 'યો-યો ટેસ્ટ' (Yo-Yo Test) અને વિકેટો વચ્ચે દોડવા જેવી ક્રિકેટ સંબંધિત ડ્રિલ્સનો સમાવેશ થાય છે.
બ્રોન્કો ટેસ્ટ: આમાં ખેલાડીઓએ વગર રોકાયે 5 સેટમાં કુલ 1200 મીટરની દોડ 5 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની હોય છે.
યો-યો ટેસ્ટ: આ ટેસ્ટનો માનક સ્કોર લાંબા સમયથી 16.5 રાખવામાં આવ્યો છે.
2 કિલોમીટર રન: ખેલાડીઓએ 2000 મીટરની દોડ 10 મિનિટની અંદર પૂર્ણ કરવાની રહે છે.
સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને મળી છૂટછાટ
જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને નીતિશ કુમાર રેડ્ડી સંપૂર્ણ ફિટ જાહેર થયા બાદ આ ટેસ્ટ આપશે, કારણ કે તેઓ હાલ ઈજામાંથી બહાર આવવા 'રિહેબ' પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને હાલ પૂરતી આ ટેસ્ટમાંથી છૂટ આપવામાં આવી છે, કારણ કે તેમણે શ્રીલંકા સામે સતત બે ટેસ્ટ મેચમાં ભારે બોલિંગ કરી હતી.
નવી સિઝનનું શિડ્યુલ
BCCIની નવી સિઝન સપ્ટેમ્બરમાં નવી દિલ્હી ખાતે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20I સિરીઝથી શરૂ થશે. ત્યારબાદ T20 ટીમ એશિયન ગેમ્સ માટે જાપાન જશે, જ્યારે તે જ સમયે અન્ય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે હોમ સિરીઝ રમશે.




