Get The App

નિવૃત્તિ લેતાં જ વિદેશી લીગમાં રમતા પ્લેયર્સ પર BCCI લાલઘૂમ: 5 વર્ષનો કડક નિયમ લાવવાની તૈયારી

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
નિવૃત્તિ લેતાં જ વિદેશી લીગમાં રમતા પ્લેયર્સ પર BCCI લાલઘૂમ: 5 વર્ષનો કડક નિયમ લાવવાની તૈયારી 1 - image

BCCI New Rule for Retirement: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની તાજેતરમાં 4 જૂનના રોજ એપેક્સ કાઉન્સિલની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મોટા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સૌથી મહત્ત્વનો મુદ્દો એ હતો કે ભારતીય ખેલાડીઓ નિવૃત્તિ લીધા પછી તરત જ વિદેશી લીગમાં રમવા જતા રહે છે તેને કેવી રીતે રોકવા. બોર્ડ હવે આવા ખેલાડીઓ માટે ‘કૂલિંગ ઓફ પીરિયડ’નો કડક નિયમ લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે.

તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર વિજય શંકરે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ જાહેરાતના તરત જ બાદ સમાચાર આવ્યા કે તેઓ લંકા પ્રીમિયર લીગમાં રમતા જોવા મળશે. સમાચારની આ ટાઈમિંગ સ્પષ્ટ ઈશારો કરે છે કે તેમણે વિદેશી લીગમાં રમવા માટે જ સંન્યાસ લીધો છે. હવે BCCI એ આવા કિસ્સાઓનો સામનો કરવા માટે એક મોટો પ્લાન તૈયાર કર્યો છે.

5 વર્ષનો હોઈ શકે છે ‘કૂલિંગ ઓફ પીરિયડ’

એક રિપોર્ટ મુજબ BCCI નિવૃત્ત થયેલા ખેલાડીઓ માટે 5 વર્ષનો ‘કૂલિંગ ઓફ પીરિયડ’ નિયમ લાગુ કરવાનું વિચારી રહ્યું છે. આ નિયમનો અર્થ એ થશે કે જો કોઈ ખેલાડી નિવૃત્તિ જાહેર કર્યા પછી વિદેશની કોઈ લીગમાં રમશે, તો તે આગામી 5 વર્ષ સુધી ભારતીય ક્રિકેટના કોઈ પણ ભાગ અથવા પ્રવૃત્તિ સાથે જોડાઈ શકશે નહીં. આ મુદ્દે અંતિમ નિર્ણય BCCI પ્રમુખ મિથુન મન્હાસ અને સેક્રેટરી દેવજીત સૈકિયા લેવાના છે.

શું છે બોર્ડની વર્તમાન પોલિસી?

BCCIની વર્તમાન પોલિસી અનુસાર કોઈ પણ સક્રિય આંતરરાષ્ટ્રીય ભારતીય ખેલાડી, ડોમેસ્ટિક ક્રિકેટર કે આઈપીએલ રમતો ખેલાડી વિદેશી લીગમાં ભાગ લઈ શકતો નથી. ખેલાડીઓ વિદેશી લીગમાં માત્ર એક જ શરતે રમી શકે છે, જ્યારે તેઓ ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સત્તાવાર રીતે સંન્યાસ લઈ લે.

વિજય શંકર પહેલા યુવરાજ સિંહ, ઈરફાન પઠાન, દિનેશ કાર્તિક, ઉન્મુક્ત ચંદ અને પ્રવીણ તાંબે જેવા ઘણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિદેશી લીગમાં રમતા જોવા મળ્યા છે.

કપ્તાની અંગે કોઈ ચર્ચા નહીં, શ્રેયસ અય્યર રેસમાં આગળ?

છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય T20I ટીમના કપ્તાન કોણ બનશે તેને લઈને ઘણી ચર્ચા ચાલી રહી હતી. એવી અટકળો હતી કે આ બેઠકમાં કપ્તાની અંગે વાત થશે, પરંતુ એવું થયું નથી. એપેક્સ કાઉન્સિલ આ બાબતે નિર્ણય લઈ શકતી નથી, કારણ કે આ સત્તા સંપૂર્ણપણે નેશનલ સિલેક્શન કમિટી પાસે છે.

મીડિયા અહેવાલો અનુસાર, સિલેક્શન કમિટીએ સૂર્યકુમાર યાદવને કપ્તાની પરથી હટાવી દીધા છે અને તેમની જગ્યાએ શ્રેયસ અય્યરને કપ્તાન તરીકે પસંદ કર્યા છે. જોકે BCCI તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: IND vs AFG: વિરાટ કોહલી બહાર થાય તો ટીમમાં કોની થશે એન્ટ્રી? જાણો કયા 4 ખેલાડી છે રેસમાં

બેઠકના અન્ય મહત્ત્વના મુદ્દાઓ:

આંદામાન અને નિકોબાર: આ ટાપુ ઘણા સમયથી બોર્ડ પાસે પોતાની એફિલિએશનની માંગ કરી રહ્યું છે, જેના પર બેઠકમાં ચર્ચા થઈ હતી.

આંતરરાષ્ટ્રીય મદદ: ક્રિકેટ બોર્ડ ઓફ માલદીવ્સ અને ક્રિકેટ ફીજીએ તાજેતરમાં જ BCCI પાસે ક્રિકેટના વિકાસ માટે મદદ માંગી હતી, તેને લઈને પણ આ બેઠકમાં સકારાત્મક ચર્ચા કરવામાં આવી છે.