Asian Games 2026: ભારતીય ખેલાડીઓનો શાનદાર દેખાવ, ભારતે કુલ 6 મેડલ જીત્યા; મહિલા હોકી અને કબડ્ડીમાં એકતરફી જીત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Athletes Shine At Asian Games: એશિયન ગેમ્સ 2026ના બીજા દિવસે ભારતીય મહિલા હોકી ટીમે પોતાનું અજેય અભિયાન જારી રાખતાં ધમાકેદાર વિજય મેળવ્યો છે. પ્રથમ મુકાબલામાં ઉઝબેકિસ્તાનને 19-0ના વિશાળ અંતરથી કચડી નાખ્યા બાદ બીજા મેચમાં ભારતીય ટીમે ઇન્ડોનેશિયા સામે આક્રમક પ્રદર્શન કરતાં 17-1થી એકતરફી જીત હાંસલ કરી હતી. શરૂઆતથી જ ભારતીય ખેલાડીઓએ મેદાન પર પક્કડ જમાવી રાખી હરીફ ટીમને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધી હતી.
મેડલ ટેલીમાં ભારતના ખાતામાં કુલ 6 મેડલ, શૂટિંગમાં 5 પદક
ભારતે મેડલ ટેલીમાં કુલ 6 મેડલ પોતાના નામે કર્યા છે જેમાં 5 મેડલ શૂટિંગમાં અને 1 બ્રોન્ઝ મેડલ એમએમએમાં આવ્યો છે. નિશાનેબાજીમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતાં ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ જીત્યો છે. પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં હિમાંશુ ઢિલ્લોન, પાર્થ માને અને રુદ્રાંક્ષ પાટિલની ત્રિપુટીએ દેશ માટે સિલ્વર મેડલ જીત્યો હતો. આ જ સ્પર્ધાની વ્યક્તિગત શ્રેણીમાં પણ હિમાંશુ ઢિલ્લોને સિલ્વર અને રુદ્રાંક્ષ પાટિલે બ્રોન્ઝ મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું છે.

કબડ્ડી અને બેડમિન્ટનમાં ભારતનું પ્રભુત્વ
પુરુષ કબડ્ડી સ્પર્ધામાં ભારતીય ટીમે યજમાન જાપાનને કોઈ મોકો આપ્યા વિના 49-24ના મોટા સ્કોરથી કચડી નાખ્યું હતું. એશિયન ગેમ્સના ઈતિહાસમાં જાપાન સામે અજેય રહેવાનો ભારતીય ટીમનો સિલસિલો આ વખતે પણ જળવાઈ રહ્યો છે. બીજી તરફ, બેડમિન્ટન કોર્ટ પર પણ ભારતીય પુરુષ ટીમે બાંગ્લાદેશ સામે પ્રભુત્વ જમાવ્યું હતું, જ્યાં સ્ટાર શટલર લક્ષ્ય સેને આયમાન જમાનને 21-4, 21-12થી સીધા સેટોમાં હરાવી ભારતને 1-0ની સરસાઈ અપાવી હતી.
ટેબલ ટેનિસમાં પાકિસ્તાન સામે ક્લીન સ્વીપ, બોક્સિંગમાં સુમિત આગળ
મહિલા ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 3-0થી ધોબીપછાડ આપીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય સ્ટાર્સ સુતિર્થા મુખર્જી, સિન્ડ્રેલા દાસ અને શ્રીજા અકુલાએ તમામ મેચ સીધા સેટોમાં જીતી લીધી હતી. બોક્સિંગ રિંગમાં પુરુષોના 70 કિગ્રા વર્ગમાં સુમિતે થાઈલેન્ડના બોક્સર સિનસિરીને 5-0થી ધૂળ ચટાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલ (રાઉન્ડ ઓફ 16)માં પ્રવેશ કર્યો હતો. સ્વિમિંગમાં શ્રીહરિ નટરાજે 50 મીટર બેકસ્ટ્રોકની ફાઇનલ માટે ક્વોલિફાય કરીને ભારતીય આશાઓ જીવંત રાખી છે.




