અજિત અગરકર નહોતા ઈચ્છતા કે બુમરાહ કેપ્ટન બને, પરંતુ BCCI એ પાડી દીધો ખેલ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ajit Agarkar Was Against Jasprit Bumrah Captaincy: ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરે 3 વર્ષ પહેલાં જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવાનો વિરોધ કર્યો હોવાના મીડિયા અહેવાલો સામે આવ્યા છે. એવા પણ અહેવાલ છે કે BCCI એ હસ્તક્ષેપ કરીને આયર્લેન્ડ શ્રેણી માટે બુમરાહને જ કેપ્ટન બનાવીને મોકલ્યા હતા. અજિત અગરકર હાલ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર છે, પરંતુ એવી શક્યતા છે કે, આગામી મહિને તેમની પાસેથી આ પદ છીનવાઈ શકે છે. આ દરમિયાન એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓગસ્ટ 2023માં અજિત અગરકર આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવવા માંગતા હતા, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેમાં હસ્તક્ષેપ કર્યો અને પસંદગી સમિતિએ કેપ્ટનશીપ જસપ્રીત બુમરાહને સોંપવી પડી હતી.
ટીમ ઈન્ડિયાએ 2023માં કર્યો આયર્લેન્ડનો પ્રવાસ
મીડિયાના અહેવાલો અનુસાર ઓગસ્ટ 2023માં ભારતીય ટીમે આયર્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, જ્યાં T20 શ્રેણીમાં જસપ્રીત બુમરાહ કેપ્ટન હતા. પરંતુ પસંદગી સમિતિના વડા અજિત અગરકર ઈચ્છતા હતા કે, ઋતુરાજ ગાયકવાડ ટીમના કેપ્ટન બને, કારણ કે તેમને એશિયન ગેમ્સ 2023 માટે ટીમના કેપ્ટન જાહેર કરવામાં આવ્યા હતા. ભારતે બાદમાં તે ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. અગરકરે પદ સંભાળ્યા પછી આ તેમની માત્ર બીજી મીટિંગ હતી.
ગાયકવાડને કેપ્ટનશીપ આપવા પાછળનું કારણ
ચીફ સિલેક્ટર અજિત અગરકરનો ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવવાનો હેતુ એ હતો કે આ બેટ્સમેનને એશિયન ગેમ્સ 2023 માટે ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા, જે એશિયા કપના થોડા સમય બાદ યોજાવાની હતી. એશિયા કપમાં ભારતની મુખ્ય ટીમ રમી રહી હતી. આ કારણે તે ખેલાડીઓ ચીન જઈ શકતા નહોતા. અગરકરનું માનવું હતું કે, આયર્લેન્ડ સામે ટીમને લીડ કરવાથી ગાયકવાડ ભવિષ્યમાં લીડરશીપ રોલ માટે તૈયાર થશે. બીજી તરફ, બુમરાહને લઈને તેમની વિચારસરણી એ હતી કે, તેમનો વર્કલોડ મેનેજ કરવામાં આવે, કારણ કે તેઓ ઈજામાંથી રિકવર થઈને વાપસી કરી રહ્યા હતા અને આગળ વર્લ્ડ કપ પણ રમવાનો હતો.
અને પછી બુમરાહને બનાવી દેવાયા કેપ્ટન
મુખ્ય પસંદગીકારના સૂચનો છતાં, BCCI એ આયર્લેન્ડ શ્રેણી માટે બુમરાહને કેપ્ટન બનાવવા પર ભાર મૂક્યો. બોર્ડ બુમરાહની કેપ્ટનશીપ કરવાની ઈચ્છા સાથે સહમત હતું. અંતે બુમરાહની આગેવાની હેઠળ ભારત તે શ્રેણી રમ્યું. ભારતે 2 મેચની શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું અને 2-0થી શ્રેણી પણ જીતી લીધી. પાછળથી કેટલીક વધુ મેચોમાં તેમને કેપ્ટનશીપ મળી, પરંતુ બાદમાં રિપોર્ટ આવ્યા કે, તેઓ પોતાની ફિટનેસ અને બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેપ્ટનશીપ કે વાઇસ-કેપ્ટનશીપની જવાબદારી ઈચ્છતા નથી. આ પાછળનું કારણ એ પણ હતું કે ઓસ્ટ્રેલિયામાં ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચમાં તેઓ એવા ઈજાગ્રસ્ત થયા હતા કે, મેદાન પર ઉતરી શક્યા નહોતા.




