માંડ 5 લાખની વસતી ધરાવતા ગોવાથી પણ નાના દેશે ફિફામાં મેસીની ટીમને હંફાવી, નાની ચૂકથી સપનું તૂટ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

FIFA World Cup 2026 Argentina vs Cape Verde: ફીફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ-32 ના મુકાબલામાં એક એવી રોમાંચક મેચ જોવા મળી, જેણે ફૂટબોલ જગતને સ્તબ્ધ કરી દીધું છે. મિયામીના હાર્ડ રોક સ્ટેડિયમ ખાતે શુક્રવારે રમાયેલા મેચમાં, સ્ટાર ખેલાડીઓથી સજ્જ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહેલી નાનકડા દેશ કેપ વર્દેની ટીમ સામે જીતવા માટે એક્સ્ટ્રા ટાઇમની જરૂર પડી હતી. કેપ વર્દેની ટીમ 2-3 થી હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ તેણે વિશ્વ વિજેતા આર્જેન્ટિનાને નાકે દમ લાવી દીધો હતો. આ જીત સાથે આર્જેન્ટિનાએ રાઉન્ડ ઓફ-16 (પ્રી-ક્વાર્ટર ફાઇનલ) માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
નૉકઆઉટમાં પહોંચનારો ઓછી વસ્તીવાળો દેશ
પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠા નજીક એટલાન્ટિક મહાસાગરમાં આવેલા 10 જ્વાળામુખી ટાપુઓના દેશ કેપ વર્દેની કુલ વસ્તી માત્ર 5.30 લાખ છે. જે ભારતના ગોવા રાજ્ય કરતાં પણ ઘણી ઓછી છે. આ નાનકડા દેશની ટીમ ‘બ્લુ શાર્ક્સ’ તરીકે ઓળખાય છે. ફીફા વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત ક્વોલિફાય થયેલી આ ટીમ નૉકઆઉટ સ્ટેજમાં પહોંચનારી વિશ્વની સૌથી ઓછી વસ્તી ધરાવતી ટીમ બનીને ઇતિહાસ રચી ચૂકી છે. આર્જેન્ટિના જેવા દક્ષિણ અમેરિકાના દિગ્ગજ સામે રમતી વખતે પણ કેપ વર્દેના ખેલાડીઓમાં સહેજ પણ ગભરાટ દેખાયો નહોતો.
ગ્રૂપ સ્ટેજમાં સ્પેન અને ઉરુગ્વેને પણ ચોંકાવ્યા હતા
કેપ વર્દેએ 13 ઓક્ટોબર 2025 ના રોજ એસ્વાતિની સામે 3-0 થી જીત મેળવીને 2026 ના વર્લ્ડ કપ માટે ટિકિટ મેળવી હતી. ટુર્નામેન્ટમાં તેને સ્પેન, ઉરુગ્વે અને સાઉદી અરેબિયા સાથે ગ્રૂપ-H માં રાખવામાં આવ્યું હતું. પોતાની પ્રથમ મેચમાં જ તેણે મજબૂત સ્પેન સામે 0-0 થી ડ્રો રમીને ઇતિહાસનો પ્રથમ પોઇન્ટ મેળવ્યો હતો. ત્યારબાદ ઉરુગ્વે સામે 2-2 થી અને સાઉદી અરેબિયા સામે 0-0 થી ડ્રો રમીને તે ગ્રૂપમાં બીજા સ્થાને રહ્યું હતું. એક નાનકડી ભૂલને કારણે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનું તેનું સપ્નું ભલે તૂટી ગયું હોય, પરંતુ આ વર્લ્ડ કપમાં તેની સફર અને આર્જેન્ટિના સામેની છેલ્લી લડત હંમેશા યાદ રાખવામાં આવશે.









