એક જ ઓવરમાં 29 રન લૂંટાવ્યા અને ટીમ ઈન્ડિયા હારી, કેપ્ટન અય્યરે જણાવ્યું ટર્નિંગ પોઈન્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ind vs Eng : ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાયેલી બીજી T20 મેચમાં ભારતને 4 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 15 ઓવર સુધી મેચ સંપૂર્ણપણે ભારતના પક્ષમાં હતી, પરંતુ 17મી ઓવરમાં સ્પિનર રવિ બિશ્નોઈએ 29 રન લૂંટાવી દેતાં જીતેલી મેચ ભારતની પકડમાંથી નીકળી ગઈ હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે પણ મેચ બાદ આ ઓવરને જ ટર્નિંગ પોઈન્ટ ગણાવી હતી. અય્યરની કપ્તાની હેઠળ 4 મેચોમાં ભારતની આ ત્રીજી હાર છે, જ્યારે એક મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.
15 ઓવર સુધી ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં હતી
મેચના સમીકરણની વાત કરીએ તો, 15 ઓવર સુધી ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટે 132 રન હતો અને તેમને છેલ્લી 5 ઓવરમાં જીતવા માટે 59 રનની જરૂર હતી. 16મી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ વિલ જેક્સની મહત્વની વિકેટ લઈને માત્ર 10 રન આપ્યા અને ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. હવે ભારતને છેલ્લી 24 બોલમાં 49 રન બચાવવાના હતા અને રન રેટ 12થી ઉપરનો હતો. આ સમયે કેપ્ટન શ્રેયસ અય્યરે બોલ રવિ બિશ્નોઈના હાથમાં સોંપ્યો હતો.
બે નો-બોલ અને બે ફ્રી-હિત પર સિક્સર: બિશ્નોઈએ 29 રન આપ્યા
રવિ બિશ્નોઈએ 17મી ઓવરની શરૂઆત જ નો-બોલથી કરી હતી, જેની ફ્રી-હિટનો ફાયદો ઉઠાવીને ઈંગ્લેન્ડના જેકબ બેથલે લોંગ ઓન પર શાનદાર સિક્સર ફટકારી દીધી. પ્રથમ બોલ પર જ બિશ્નોઈએ 8 રન આપ્યા. ત્યારબાદ બીજા બોલ પર પણ બિશ્નોઈએ ફરી નો-બોલ ફેંક્યો અને બેથલે ફરી ફ્રી-હિટ પર સીધો છગ્ગો માર્યો. આમ શરૂઆતના બે જ બોલમાં 15 રન આવી જતાં જે ભારતને 24 બોલમાં 49 રન બચાવવાના હતા, તે સમીકરણ બદલાઈને 22 બોલમાં માત્ર ૩૪ રન થઈ ગયું. જેકબ બેથલ અહીં જ ન અટક્યો, તેણે આ ઓવરના ચોથા બોલે ચોગ્ગો અને પાંચમા બોલે વધુ એક સિક્સર ફટકારીને ઓવરમાં કુલ 29 રન ખંખેરી લીધા.
આ સાથે જ રવિ બિશ્નોઈ T20I ક્રિકેટમાં એક જ ઓવરમાં સૌથી વધુ રન આપનારો ત્રીજો ભારતીય બોલર બન્યો છે. આ યાદીમાં શિવમ દુબે (34 રન) પ્રથમ અને સ્ટુઅર્ટ બિન્ની (32 રન) બીજા ક્રમે છે. આ મોંઘી ઓવર બાદ ઈંગ્લેન્ડને છેલ્લી 3 ઓવરમાં માત્ર 20 રનની જરૂર હતી, જે તેમણે 19મી ઓવરમાં જ હાંસલ કરી શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી હતી.
કેપ્ટન શ્રેયસ અય્યરે વ્યક્ત કરી નારાજગી
મેચ બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે બિશ્નોઈની બોલિંગ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું, "૧૫મી ઓવર પછી મોમેન્ટમ બદલાઈ ગયું. રવિ બિશ્નોઈએ પહેલો નો-બોલ નાખ્યો ત્યારે મને લાગ્યું કે તે મજબૂત વાપસી કરશે, પરંતુ તેણે ફરીથી નો-બોલ નાખ્યો. સતત બે નો-બોલ ફેંકવા તે અમારા માટે નુકસાનકારક સાબિત થયું અને ૧૭મી ઓવરમાં મેચ અમારા હાથમાંથી સરકી ગઈ. ચોક્કસપણે, તેણે પોતાની આ ભૂલોમાંથી ઘણું શીખવું પડશે."









