જ્યારે યાદો સાથ છોડવા લાગે...'આ ચાવી અહીં કોણે મૂકી?'

- સેલિબ્રેશન-ચિંતન બુચ
- દર્દી માત્ર યાદો નથી ગુમાવતો, પરિવાર પણ પોતાની સામે ધીમે ધીમે બદલાતી વ્યક્તિને જોતો રહે છે.
- 21 સપ્ટેમ્બર
- અલ્ઝાઈમર ડે
પ્ર શ્ન ઘરમાં જ ઊભેલા માણસનો છે. ચાવી પણ તેની જ છે અને ઘર પણ તેનું જ છે. થોડી વાર પછી ચાવી મળી જાય છે. બીજા દિવસે ફરી એ જ વાત. પછી ચાવી ક્યાં મૂકી હતી એ નહીં, પરંતુ ચાવી શા માટે વાપરવાની હતી એ યાદ કરવામાં પણ મુશ્કેલી પડે છે. ઘરના લોકો હસીને કહે છે, 'ઉંમર થઈ એટલે થોડું ભૂલાય ને!' વાત ત્યાં પૂરી થઈ જાય છે. પરંતુ ક્યારેક આ 'થોડું ભૂલાવું' એક એવી લાંબી સફરની શરૂઆત હોય છે, જેમાં માણસ ધીમે ધીમે પોતાની જ યાદોના શહેરમાં અજાણ્યો બની જવા લાગે છે.
એક દિવસ એ જ વ્યક્તિ સવારમાં ઊઠીને પત્નીને પૂછે છે, 'આજે કયો દિવસ છે?' થોડા સમય પછી ફરી એ જ પ્રશ્ન. બપોરે દીકરો ઘરે આવે તો ચહેરો ઓળખાય છે, પરંતુ નામ યાદ આવતું નથી. વર્ષોથી જ્યાંથી શાકભાજી ખરીદે છે એ જ રસ્તા પર નીકળે અને અચાનક અટકી જાય- ''આ રસ્તો ક્યાં જાય છે?'' પરિવારને શરૂઆતમાં આ બધું અજીબ લાગે છે. પછી ચિંતા થવા લાગે છે. અને અંતે સમજાય છે કે વાત માત્ર ભૂલકણાપણાની નથી.
આ છે અલ્ઝાઈમર્સ-મગજને ધીમે ધીમે અસર કરતો એવો રોગ, જે માણસની યાદશક્તિથી શરૂઆત કરીને તેની વિચારવાની, સમજવાની, નિર્ણય લેવાની અને અંતે રોજિંદું જીવન પોતાની રીતે જીવવાની ક્ષમતા સુધી પહોંચી શકે છે.
દર વર્ષે ૨૧ સપ્ટેમ્બરે વિશ્વ અલ્ઝાઈમર્સ દિવસ મનાવવામાં આવે છે. પરંતુ આ દિવસની જરૂરિયાત માત્ર એક રોગ અંગે માહિતી ફેલાવવા પૂરતી નથી. જરૂર એ વાત સમજવાની છે કે ઉંમર વધવી અને યાદશક્તિ સંપૂર્ણપણે ખોવાઈ જવી એક જ બાબત નથી. કોઈ વ્યક્તિ ક્યારેક ચશ્મા ક્યાં મૂક્યા તે ભૂલી જાય અને પછી શોધી કાઢે એ સામાન્ય છે. પરંતુ જો તે જ વ્યક્તિ વારંવાર ચશ્મા ક્યાં મૂક્યા તે ભૂલે, ચશ્મા શા માટે જોઈએ છે તે ભૂલી જાય અને પછી પરિવારને પણ ઓળખી ન શકે, તો તેને 'ઉંમરનો પ્રભાવ' કહીને છોડી દેવું જોખમી બની શકે છે.
આપણા મગજની અંદર સતત અદ્રશ્ય ચમત્કાર ચાલતો રહે છે. આપણે કોઈને મળીએ છીએ, તેનો ચહેરો યાદ રાખીએ છીએ, તેનું નામ મગજમાં સાચવીએ છીએ, તેની સાથે થયેલી વાતચીત યાદ રાખીએ છીએ અને વર્ષો પછી પણ એ વ્યક્તિ સાથે જોડાયેલી કોઈ ઘટના અચાનક સ્મૃતિપટ પર આવી જાય છે. બાળપણનું ઘર, શાળાનો પહેલો દિવસ, માતાનો અવાજ, પિતાની ઠપકો, મિત્ર સાથેની મસ્તી - આ બધું ક્યાંક આપણા મગજમાં સચવાયેલું રહે છે. યાદશક્તિ એટલે માત્ર ભૂતકાળને યાદ કરવાનું સાધન નહીં, પરંતુ આપણી ઓળખનો એક મોટો હિસ્સો.
અલ્ઝાઈમર્સ આ જ દુનિયામાં ધીમે ધીમે ઘૂસણખોરી કરે છે.
મગજના ચેતાકોષો એકબીજા સાથે સતત સંદેશાની આપ-લે કરતા રહે છે. આ જ પ્રક્રિયાથી આપણે વિચારીએ છીએ, બોલીએ છીએ, શીખીએ છીએ, યાદ રાખીએ છીએ અને નિર્ણય લઈએ છીએ. અલ્ઝાઈમર્સમાં મગજમાં એવા જૈવિક ફેરફારો થવા લાગે છે, જેના કારણે ચેતાકોષોને નુકસાન પહોંચે છે અને તેમની વચ્ચેના જોડાણો ધીમે ધીમે નબળા પડે છે. ખાસ કરીને યાદશક્તિ સાથે સંકળાયેલા મગજના ભાગો શરૂઆતમાં અસરગ્રસ્ત થઈ શકે છે. એટલે રોગના શરૂઆતના તબક્કામાં સૌથી સ્પષ્ટ નિશાની ઘણી વખત નવી વાતો યાદ રાખવામાં પડતી મુશ્કેલી હોય છે.
અહીં એક નાજુક ફરક સમજવો જરૂરી છે. સામાન્ય ભૂલકણાપણામાં આપણે કોઈનું નામ ભૂલી જઈએ, પરંતુ થોડા સમય પછી યાદ આવી જાય. અલ્ઝાઈમર્સમાં વ્યક્તિને વારંવાર એ જ વાત યાદ ન રહે. એક જ પ્રશ્ન વારંવાર પૂછાય. થોડા સમય પહેલાં થયેલી વાતચીત જાણે બની જ ન હોય એવી સ્થિતિ સર્જાય. વસ્તુ કોઈ જગ્યાએ મૂકીને પછી શોવામાં મુશ્કેલી પડે. ક્યારેક વસ્તુ ક્યાં મૂકી તે ભૂલાય એટલું જ નહીં, પરંતુ બીજાએ ચોરી કરી હોવાનો ભ્રમ પણ થઈ શકે.
રોગ આગળ વધે તેમ મુશ્કેલી યાદશક્તિની બહાર નીકળી જાય છે. યોગ્ય શબ્દ શોધવામાં તકલીફ પડે છે. પરિચિત કામમાં ભૂલો થવા લાગે છે. પૈસાની લેવડદેવડ સમજવામાં મુશ્કેલી પડે છે. સમય અને સ્થળ અંગે ગૂંચવણ થાય છે. કોઈ વ્યક્તિ પોતાના જ વિસ્તારમાં રસ્તો ભૂલી શકે છે. ધીમે ધીમે રોજિંદા કામ માટે પરિવાર પર આાર વધતો જાય છે.
અને અહીંથી આ રોગનું સૌથી કરુણ પાસું સામે આવે છે- દર્દી માત્ર યાદો નથી ગુમાવતો, પરિવાર પણ પોતાની સામે ધીમે ધીમે બદલાતી વ્યક્તિને જોતો રહે છે.
જે પિતા ક્યારેય ઘરના તમામ નિર્ણયો લેતા હતા, તેમને હવે નાની બાબતમાં પણ મદદ જોઈએ. જે માતા આખા પરિવારને સમયસર જમાડતી હતી, તેને રસોડામાં શું કરવાનું હતું તે યાદ ન રહે. જે દાદા પૌત્રોને બાળપણની વાર્તાઓ સંભળાવતા હતા, તેમને પૌત્રનું નામ યાદ ન આવે. પરિવાર માટે આ અનુભવ અત્યંત ભાવનાત્મક હોય છે.
પરંતુ અલ્ઝાઈમર્સનો અર્થ એ નથી કે દરેક ભૂલકણાપણું આ જ રોગ છે. ઊંઘની અછત, સતત તણાવ, ડિપ્રેશન, કેટલીક દવાઓની અસર, વિટામિનની ઉણપ, થાઇરોઇડ સહિતની કેટલીક તબીબી સ્થિતિઓ પણ યાદશક્તિ અને એકાગ્રતાને અસર કરી શકે છે. એટલે કોઈ વ્યક્તિને ભૂલકણાપણું દેખાય એટલે ઘરમાં જ નિદાન કરી દેવું યોગ્ય નથી.
લક્ષણો સતત રહે, વધતા જાય અથવા રોજિંદા જીવનમાં અસર કરે ત્યારે તબીબી તપાસ કરાવવી જરૂરી છે.
અલ્ઝાઈમર્સનું નિદાન પણ માત્ર એક જ ટેસ્ટથી થતું નથી. તબીબ દર્દી તથા પરિવાર સાથે વાત કરીને લક્ષણો ક્યારેથી શરૂ થયા, કેવી રીતે બદલાયા અને રોજિંદા જીવન પર કેટલી અસર પડી છે તે સમજવાનો પ્રયાસ કરે છે. સ્મૃતિ અને વિચારશક્તિના પરીક્ષણો થાય છે. જરૂર પડે તો અન્ય કારણો શોધવા માટે રક્ત પરીક્ષણો અથવા મગજની તપાસ પણ કરવામાં આવે છે.
આ રોગનું સંપૂર્ણ અને સરળ 'ઇલાજ' હજુ નથી. જોકે કેટલાક દર્દીઓમાં દવાઓ લક્ષણોનું સંચાલન કરવામાં મદદ કરી શકે છે અને ચોક્કસ પરિસ્થિતિઓમાં નવી સારવાર પદ્ધતિઓ પણ વિચારવામાં આવે છે. પરંતુ અલ્ઝાઈમર્સની સારવારનો એક અત્યંત મહત્વનો ભાગ દવાની બહાર છે- પરિવાર.
દર્દીને વારંવાર 'તમને યાદ કેમ નથી રહેતું?' કહીને ઠપકો આપવાથી યાદશક્તિ પાછી આવતી નથી. ઉલટું, દર્દીની ગૂંચવણ અને અસ્વસ્થતા વધી શકે છે. તેના બદલે ઘરમાં નિયમિત દિનચર્યા રાખવી, જરૂરી વસ્તુઓ નિશ્ચિત જગ્યાએ રાખવી, દવાઓ અને બહાર જવાની બાબતમાં સાવચેતી રાખવી અને દર્દી સાથે ધીરજથી વાત કરવી વધુ ઉપયોગી છે.
અલ્ઝાઈમર્સની ચર્ચામાં એક સવાલ વારંવાર થાય છે- શું તેને અટકાવી શકાય?
ચોક્કસ વ્યક્તિને અલ્ઝાઈમર્સ થશે કે નહીં તેની ખાતરી કોઈ જીવનશૈલી આપી શકતી નથી. ઉંમર તેનો સૌથી મોટો જોખમકારક પરિબળ છે. પરંતુ મગજનું સ્વાસ્થ્ય જાળવવા માટે જીવનશૈલીનું મહત્વ ચોક્કસ છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિ, સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, ધૂમ્રપાનથી દૂર રહેવું અને બ્લડપ્રેશર તથા ડાયાબિટીસ જેવી સ્થિતિઓને નિયંત્રણમાં રાખવી શરીર સાથે મગજ માટે પણ ફાયદાકારક છે. વાંચવું, નવી બાબતો શીખવી, સંગીત કે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવી અને લોકો સાથે સામાજિક રીતે જોડાયેલા રહેવું પણ મગજને સક્રિય રાખવામાં મદદરૂપ થઈ શકે છે.
અહીં એક રસપ્રદ વાત છે - આપણે ઘરમાં વૃદ્ધ વ્યક્તિને શરીરની તકલીફ થાય તો તરત ડોક્ટર પાસે લઈ જઈએ છીએ, પરંતુ યાદશક્તિમાં ફેરફાર થાય ત્યારે ઘણી વખત હસીને વાત ટાળી દઈએ છીએ. કદાચ કારણ એ છે કે ભૂલકણાપણું આપણને 'સામાન્ય' લાગે છે. પરંતુ ક્યારેક આ જ મોડું કરેલું ધ્યાન નિદાનને પાછળ ધકેલી શકે છે.
એટલે ઘરમાં કોઈ વડીલ વારંવાર એક જ પ્રશ્ન પૂછે, તાજેતરની વાતો યાદ ન રાખી શકે, જાણીતા સ્થળે રસ્તો ભૂલી જાય, પૈસાની કે દવાઓની બાબતમાં સતત ભૂલો કરે અથવા તેના સ્વભાવ અને વર્તનમાં સ્પષ્ટ ફેરફાર દેખાય તો તેને માત્ર 'ઉંમર થઈ છ' કહીને અવગણવું નહીં.
કારણ કે યાદશક્તિ માત્ર મગજની એક ક્ષમતા નથી. યાદશક્તિ એટલે માણસની પોતાની સાથેની ઓળખ.
આપણે જે છીએ તેમાં આપણા ભૂતકાળનો મોટો હિસ્સો છે. આપણે કોના દીકરા છીએ, કોની સાથે જીવન વિતાવ્યું, કયા દિવસે લગ્ન કર્યા, સંતાનોનો જન્મ ક્યારે થયો, પહેલી નોકરી ક્યાં કરી, કઈ સફળતા મેળવી, કઈ નિષ્ફળતામાંથી શીખ્યા- આ બધી યાદો મળીને આપણું 'હું' બનાવે છે.
અલ્ઝાઈમર્સ જ્યારે આ યાદોની દીવાલ પર એક પછી એક ધુમ્મસના પડ ચડાવતો જાય છે, ત્યારે દર્દી કદાચ પોતાના જીવનના રસ્તાઓ ભૂલવા લાગે છે. પરંતુ એ સમયે પરિવારનું કામ તેને ભૂલ બદલ ઠપકો આપવાનું નથી, તેની બાજુમાં ઊભા રહીને એ રસ્તા પર તેની સાથે ચાલવાનું છે.
કદાચ કોઈ દિવસ તેને તમારું નામ યાદ ન રહે. કદાચ કોઈ દિવસ તેને એ પણ યાદ ન રહે કે તમે તેના માટે કોણ છો. પરંતુ તમે તેને આપેલો પ્રેમ, સુરક્ષા અને સન્માન તેની આસપાસની દુનિયાને થોડું વધુ ઓળખીતું બનાવી શકે છે.
યાદો સાથ છોડે ત્યારે માણસને છોડવો નહીં - આ જ વિશ્વ અલ્ઝાઈમર્સ દિવસનો સૌથી માનવીય સંદેશ છે.




