રશિયાની શાળાઓમાં 13 વર્ષના બાળકોને શસ્ત્ર તાલીમ

- રશિયામાં આ વર્ષથી સેકન્ડરી શાળાઓ માટેના અભ્યાસક્રમમાં એ. કે - ૭૪, ડ્રોન અને યુદ્ધ કૌશલ્યની પરીક્ષા સામેલ કરાઈ
- વિવિધા-ભવેન કચ્છી
- વિશ્વના શક્તિશાળી દેશો તેમના પ્રત્યેક નાગરિકને સૈનિક તરીકે તૈયાર કરે છે ત્યારે ભારતે પણ આ મોરચે કઈંક કરવું પડશે
મા નવ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈ દેશ તેના વર્ગખંડોમાં પેન અને પુસ્તકોની જગ્યાએ હથિયારો અને યુદ્ધની રણનીતિઓ ગોઠવવા માંડે છે, ત્યારે વિશ્વ એક મોટા વૈશ્વિક વળાંક તરફ ધકેલાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાએ 'યુદ્ધ હવે ફરી ક્યારેય નહીં' ના નારા સાથે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેવી સંસ્થાઓ બનાવી અને અહિંસા, સંવાદ તથા માનવાધિકારના મૂલ્યો શાળાના અભ્યાસક્રમોમાં દાખલ કર્યા. પરંતુ વર્તમાન ભૂ-રાજકીય વાસ્તવિકતા અત્યંત ડરામણી બની રહી છે.
ટીન એજર્સનો તરખાટ
રશિયાએ આ વર્ષથી પોતાના શાળાકીય શિક્ષણમાં એક ઐતિહાસિક અને વિવાદાસ્પદ ફેરફાર કરીને ૧૩ વર્ષથી વધુ અને ૧૭ વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓ માટે શ તાલીમ, યુદ્ધ કૌશલ્ય અને લશ્કરી રણનીતિઓને બે તબક્કાના અભ્યાસક્રમનો ફરજિયાત હિસ્સો બનાવી દીધો છે.
જે ઉંમરે બાળકો સાહિત્ય, વિજ્ઞાન, ગણિત અને કળાના સથવારે પોતાની કલ્પનાશક્તિ ખીલવતા હોય છે, તે ઉંમરે રશિયાના વર્ગખંડોમાં હવે એ. કે. એસોલ્ટ રાઈફલ ખોલવા-જોડવાની અને લડાયક ડ્રોન ઉડાડવાની તાલીમ અપાઈ રહી છે. આ પગલું માત્ર રશિયા પૂરતું સીમિત નથી. વિશ્વના ઘણા દેશોમાં યુવા વયે કે યુનિવર્સિટી અભ્યાસ દરમ્યાન બેઝિક સૈન્ય ક્ષમતા અને સ્વરક્ષણની તાલીમ તો અપાય જ છે.વિદ્યાર્થીઓને શસ્ત્રની તાલીમ આપવાની નીતિ તે સમગ્ર વિશ્વને એ વિચારવા મજબૂર કરે છે કે ૨૧મી સદી શાંતિના યુગમાંથી ફરી એકવાર લશ્કરીકરણ અને અંધ-રાષ્ટ્રવાદના અંધકારમાં ધકેલાઈ રહી છે કે શું.
રશિયાના શિક્ષણ મંત્રાલયે જૂના વિષય 'જીવન સુરક્ષાના પાયા'ના સ્થાને નવો સુધારેલો અભ્યાસક્રમ દાખલ કર્યો છે, જેને 'માતૃભૂમિની સુરક્ષા અને રક્ષણના પાયા' નામ આપવામાં આવ્યું છે.
આ અભ્યાસક્રમ ધોરણ ૮ થી ૧૧ (આશરે ૧૩ થી ૧૭ વર્ષ)ના તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનાવવામાં આવ્યો છે. તેમાં માત્ર થિયરી નથી, પરંતુ મોટા પાયે પ્રેક્ટિકલ તાલીમ પણ સામેલ છે
હથિયારોનું સંચાલન
વિદ્યાર્થીઓને વિશ્વપ્રસિદ્ધ એ. કે. ૭૪ એસોલ્ટ રાઈફલ અને મકારોવ પિસ્તોલ ખોલવી, સાફ કરવી, ફરીથી જોડવી અને સલામત રીતે ચલાવવાની તાલીમ આપવામાં આવે છે.આ ઉપરાંત વિદ્યાર્થીઓને હેન્ડ ગ્રેનેડ ફેંકવાની અને દુશ્મનના મોરચા પર હુમલો કરવાની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે.
આધુનિક યુદ્ધમાં ડ્રોન ટેકનોલોજીનું મહત્વ જોતાં વિદ્યાર્થીઓને ડ્રોન સિમ્યુલેટર દ્વારા ઉડાડવા, દુશ્મનની જાસૂસી કરવી અને લક્ષ્ય પર ચોક્કસ પ્રહાર કરવાનું શીખવવામાં આવે છે. યુદ્ધના મેદાનમાં ગોળી વાગ્યા પછી કે બોમ્બ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત સાથી સૈનિકને ટૂર્નિકેટ બાંધીને રક્તસ્ત્રાવ અટકાવવો અને સુરક્ષિત સ્થળે ખસેડવાની લશ્કરી સ્તરની પેરામેડિક તાલીમ પણ અપાય છે.ચીનમાં પણ યુવાઓને આ રીતે સજ્જ કરાય છે. દેશનો પ્રત્યેક નાગરિક દેશનો સૈનિક છે તે આ દેશોનો મંત્ર છે.
પરમાણુ યુદ્ધ સજજતા
પરમાણુ, જૈવિક અને રાસાયણિક હુમલાની સ્થિતિમાં ગેસ માસ્ક ઝડપથી પહેરવો અને પ્રોટેક્ટિવ શૂટ પહેરીને રેડિયેશન ઝોનમાંથી બહાર નીકળવાની કવાયત પણ રશિયામાં કેન્દ્ર સ્થાને છે.
આ ઉપરાંત ઉનાળાના વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ માટે ૫ થી ૧૦ દિવસના ફરજિયાત મિલિટરી ફિલ્ડ કેમ્પ ગોઠવાય છે, જ્યાં લશ્કરી બેરેકમાં રહેવું, માચગ, ખાઈ ખોદવી અને રાત્રિના સમયે ચોકી પહેરો ભરવાની તાલીમ અપાય છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલય અંતર્ગત વિદ્યાર્થીઓ અને યુવા પેઢીને તાલીમ આપવા એક અલાયદુ ડિવિઝન સ્થાપવામાં આવ્યું છે.
ગેઝેટની નજરે
રશિયાના સત્તાવાર સરકારી ગેઝેટમાં ક્રેમલિન આ પગલાને 'સોવિયેત યુગના શ્રેષ્ઠ વારસાનું પુનરુત્થાન' ગણાવે છે.
સોવિયેત યુનિયનના સમયમાં શાળાઓમાં પ્રારંભિક લશ્કરી તાલીમ અમલમાં હતી, જેને ૧૯૯૩માં રશિયાના વિઘટન બાદ બંધ કરી દેવામાં આવી હતી. પણ હવે તે અભ્યાક્રમમાં ફરી સામેલ કરાઈ છે.રશિયાના શિક્ષણ પ્રધાન સેર્ગેઈ ક્રાવત્સોવે સંસદમાં રજૂ કરેલા રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું હતું : 'આધુનિક વિશ્વમાં જ્યાં પશ્ચિમી દેશો રશિયાના અસ્તિત્વ સામે હાઇબ્રિડ વોર છેડી રહ્યા છે, ત્યાં આપણી યુવા પેઢી માત્ર પુસ્તકીય જ્ઞાન ધરાવે તે પૂરતું નથી. દરેક નાગરિક પોતાની માતૃભૂમિની સરહદો અને સંસ્કૃતિનું શસ્ત્રો સાથે રક્ષણ કરવા સક્ષમ હોવો જોઈએ.'
આતંકવાદનો ભય
'આ નીતિ સામેનો સૌથી મોટો નૈતિક અને મનોવૈજ્ઞાનિક ભય એ છે કે શું ૧૩-૧૪ વર્ષના અપરિપક્વ મગજમાં હથિયારો પકડાવવાથી તેઓ ભવિષ્યમાં આડે રસ્તે નહીં ચડી જાય? મનોવિજ્ઞાન કહે છે કે કિશોરાવસ્થા લાગણીઓ અને મગજના વિકાસનો સૌથી નાજુક તબક્કો છે. આ ઉંમરે જ્યારે બાળકને શીખવવામાં આવે છે કે માનવ આકૃતિ પર ગોળી કેવી રીતે ચલાવવી કે ગ્રેનેડ કેવી રીતે ફેંકવો, ત્યારે તેના મનમાંથી હિંસા અને મૃત્યુ પ્રત્યેનો કુદરતી ભય ઓછો થઈ જાય છે. જ્યારે હથિયારની તાલીમ સાથે 'આપણે સાચા છીએ અને બાકીની આખી દુનિયા આપણી દુશ્મન છે' તેવો ઝેરી રાષ્ટ્રવાદ ભળાવવામાં આવે છે, ત્યારે તે સરહદ પાર કરીને કટ્ટરપંથ બને છે. જો કોઈ કારણસર આ વિદ્યાર્થીઓ પુખ્ત વયે બેરોજગાર રહે, માનસિક તનાવમાં આવે અથવા સમાજથી અસંતુષ્ટ થાય, તો તેઓ સંગઠિત ગુનાખોરી, ગેરકાયદે સશસ્ત્ર જૂથો કે ભાડૂતી સૈનિકો જેમ કે વેગ્નર ગુ્રપ તરફ ખૂબ સરળતાથી આકર્ષાઈ શકે છે.
ભારતની વાત
પણ હવે સવાલ એ થાય છે કે અહિંસાના પ્રચાર અને પ્રભાવ વચ્ચે ભારત જેવા દેશે કરવું જોઈએ?
આ મુદ્દો એક ઊંડા ચિંતન તરફ દોરી જાય છે. એક તરફ મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાનો અહિંસા અને વિશ્વ શાંતિનો આદર્શ છે, તો બીજી તરફ તરત જ નજર સામે પ્રાચીન લેટિન કહેવત તરવરે ?છે - 'જો તમારે શાંતિ જોઈતી હોય, તો યુદ્ધ માટે તૈયાર રહો.'
ભારત જેવો દેશ કે જે પોતાના બાળકોને અને યુવાનોને લશ્કરી તાલીમ નથી આપતો તે યુદ્ધમાં પાછળ રહી જશે?
ભારતની હકારાત્મક બાજુ જોઈએ તો યુવા જગતની બુદ્ધિમતા અને કૌશલ્ય બહાર આવતું રહે તેવું માળખું ભારત ધરાવે છે કેમ કે ૨૧મી સદીનું યુદ્ધ લાખો સૈનિકો સામસામે બંદૂકો લઈને લડે તેવું રહ્યું નથી. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ , સાયબર વોરફેર, સેટેલાઇટ ગાઇડન્સ, હાઇપરસોનિક મિસાઇલ્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ યુદ્ધનું પરિણામ નક્કી કરે છે. ભારતમાં બાળકોને ગણિત, કોડિંગ, એરોસ્પેસ એન્જિનિયરિંગ અને ફિલોસોફી શીખવવાનો માહોલ છે. આ બાબત લાંબા ગાળે વધુ શક્તિશાળી એર-ડિફેન્સ અને સાયબર હથિયારો બનાવી શકે છે, તેવી જ રીતે ભારત શિક્ષણમાં નવીનતા અને આર્થિક વિકાસને પ્રાધાન્ય આપે છે,ભારત કુદરતી આપત્તિ કે યુદ્ધના સંજોગોમાં પણ આર્થિક રીતે ટકી રહે છે. જો અર્થતંત્ર ભાંગી પડે (જેમ સોવિયેત યુનિયનનું થયું હતું), તો સૈન્ય પોતાની મેળે જ નકામું બની જાય છે.ભારત આ દિશામાં પણ યોગ્ય રીતે આગળ ચાલી રહ્યું છે
આ સાથે એ પણ વિચારવું પડશે કે જ્યારે આપણા પડોશમાં બે પરમાણુ સંપન્ન અને આક્રમક હરીફ દેશો (ચીન અને પાકિસ્તાન) ખોરી દાનત સાથે બેઠા છે, ત્યારે 'સર્વગ્રાહી રાષ્ટ્રીય સંરક્ષણ'ની નીતિ ઘડવી સમયની માંગ છે.
નાગરિકોની સેના
ઇતિહાસ અને વર્તમાન સંઘર્ષોએ સાબિત કર્યું છે કે જ્યારે રાષ્ટ્રના અસ્તિત્વ પર સંકટ આવે છે, ત્યારે માત્ર સરહદ પર ઊભેલી સેના પૂરતી નથી હોતી; સમગ્ર દેશે લડવું પડે છે. ૨૦૨૨માં જ્યારે રશિયાએ આક્રમણ કર્યું, ત્યારે યુક્રેનના સામાન્ય નાગરિકો- શિક્ષકો, આઇટી પ્રોફેશનલ્સ, અભિનેતાઓ અને મહિલાઓ - જેમણે ક્યારેય બંદૂક નહોતી પકડી, તેમને તાબડતોબ ૨૪ કલાકમાં રાઇફલ્સ અને પેટ્રોલ બોમ્બ (મોલોટોવ કોકટેલ) બનાવવાની તાલીમ આપવી પડી. જો આ નાગરિકો અગાઉથી મૂળભૂત સૈન્ય તાલીમ પામેલા હોત, તો પ્રારંભિક નુકસાન ઘણું ઓછું થયું હોત.
ઈઝરાયલમાં મહિલાઓ માટે ૨ વર્ષની લશ્કરી સેવા ફરજિયાત છે. હમાસના હુમલા વખતે અનેક સરહદી ગામોમાં આ જ તાલીમબદ્ધ મહિલાઓએ હથિયારો ઉઠાવીને સેના પહોંચે ત્યાં સુધી આતંકવાદીઓ સામે મોરચો સંભાળ્યો હતો. ભારતમાં પણ જો મહિલાઓ શસ્ત્ર સંચાલન અને સ્વ-બચાવમાં સક્ષમ બને, તો તે રાષ્ટ્રની આંતરિક અને બાહ્ય સુરક્ષા બંને માટે એક અભેદ્ય કવચ બને છે. દુશ્મન દેશના મનોબળને આ પરિબળ ફટકો પણ પહોંચાડે છે.
જો હરીફ દેશ પોતાના નાગરિકોને તૈયાર કરે અને આપણે 'આદર્શવાદ'માં બેસી રહીએ, તો સંકટ સમયે અસંતુલન ઊભું થઈ
શકે છે.
વ્યવહારુ અભિગમ
આજે ભારતીય યુવાનોમાં કોર્પોરેટ નોકરીઓ, આઇટી ક્ષેત્ર અને વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે. લશ્કરમાં જોડાવા માટે શારીરિક કસોટીઓ અને કઠિન જીવનશૈલીથી ઘણા યુવાનો દૂર ભાગે છે. આવા સમયે ફરજીયાત સૈન્ય સેવાનો વિચાર અનિવાર્ય બનતો જશે.
રશિયાની જેમ ૧૩ વર્ષના નાના બાળકોના હાથમાં શાળાઓમાં બંદૂકો પકડાવવાને બદલે ભારતે 'સ્માર્ટ સિટિઝન ડિફેન્સ' મોડેલ તરફ આગળ વધવું જોઈએ.
હાઇસ્કૂલ (૧૫+ વર્ષ) અને કોલેજ સ્તરે એન. સી. સી.અથવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ-કમ-સિક્યોરિટી ટ્રેનિંગને ફરજિયાત કે ક્રેેડિટ-આધારિત બનાવવી જોઈએ.
આજના યુગમાં માત્ર બંદૂક ચલાવવી પૂરતી નથી. સ્કૂલ-કોલેજના યુવાનોને ડ્રોન પાયલોટિંગ, સાયબર સિક્યોરિટી અને કોડિંગની તાલીમ આપીને 'ડિજિટલ ડિફેન્સ ફોર્સ' બનાવી શકાય.
દરેક સક્ષમ નાગરિક માટે ૩ થી ૬ મહિનાની બેઝિક મિલિટરી અને ફર્સ્ટ એઇડ તાલીમ આપવી જોઈએ, જેથી યુદ્ધ કે કુદરતી આપત્તિ વખતે દેશનો દરેક નાગરિક 'પ્રથમ રક્ષક' બની શકે.
શાંતિની ઇચ્છા રાખવી એ કોઈ ગુનો નથી, પરંતુ શાંતિ જાળવી રાખવા માટે શક્તિશાળી હોવું અનિવાર્ય શરત છે.
જ્ઞાન પોસ્ટ
ભારતના દરેક નાગરિક અને મહિલા પાસે આત્મરક્ષણ અને દેશની રક્ષા માટે શ અને લડાયક ક્ષમતા હોવી એ આજના અસ્થિર વિશ્વમાં કોઈ વિકલ્પ નહીં, પરંતુ રાષ્ટ્રીય અસ્તિત્વની આવશ્યકતા છે.




