Shatdal
સૂક્ષ્મ કંપનો અને ચૈતન્ય : વેદાંત તથા સ્ટ્રિંગ થિયરી
By GS Team
30 Jun 20265 mins read

- ગોચર-અગોચર-દેવેશ મહેતા
લિયોનાર્ડો સસ્કીન્ડ ક્વૉન્ટમ મિકેનિક્સના નિયમોના આધારે કહે છે, 'બ્લેક હૉલ એ બ્રહ્માંડમાં માહિતીનો સૌથી સઘન સંગ્રહ છે. તે કુદરના સૌથી
શ્રેષ્ઠ ક્વૉન્ટમ કમ્પ્યૂટર્સ છે.'
'મનસૈવેદમાપ્તવ્યં નૈહ નાનાસ્તિ કિંચન ।
મૃત્યો: સ મૃત્યુમાપ્નોતિ ય ઇહ નાનેવ પશ્યતિ ।।
આ સત્યનો બોધ સૂક્ષ્મ મન દ્વારા કરવો જોઈએ. અહીં વાસ્તવમાં કોઈ અનેકતા નથી. જે આ જગતમાં અનેકતાને જ વાસ્તવિક માની જુએ છે, તે મૃત્યુથી મૃત્યુને પ્રાપ્ત થાય છે એટલે કે જન્મ- મરણના ચક્રમાં ફર્યા કરે છે. - કઠોપનિષદ (૨/૧/૧૧)
'સર્વ ખલ્વિદં બ્રહ્મ તજ્જલાનિતિ શાન્ત ઉપાસીત ।
અથ ખલુ ક્રતુમય: પુરુષો યથાક્રતુરહસ્મિલ્લોકે પુરુષો
ભવતિ તત એત: પ્રેત્ય ભવતિ સ ક્રતુ કુર્વતિ ।।
આ સંપૂર્ણ જગત બ્રહ્મ જ છે. આખા જગતનું બધું જ બ્રહ્મથી ઉત્પન્ન થાયછે, બ્રહ્મમાં સ્થિત (રહે) છે અને અંતે બ્રહ્મમાં જ વિલીન થઈ જાય છે. એટલે સાધકે શાંત ચિત્ત થઈને આ સત્યનું ચિંતન કરવું જોઈએ. મનુષ્ય જેવો પોતાની અંદર દ્રઢ સંકલ્પ અને દ્રષ્ટિ બનાવે છે તેવો જ તે બની જાય છે અને મૃત્યુ પછી તે જ દિશાને પ્રાપ્ત કરે છે.' - છાંદોગ્ય ઉપનિષદ(૩/૧૪/૧)
String Theory gently weaves the laws of th large and the Laws of the small into a single harmonious tapestry
સ્ટ્રીંગ થિયરી અત્યંત સહજ રીતે વિશાળ બ્રહ્માંડના નિયમો અને સૂક્ષ્મ જગતના નિયમોને એક એકલા સામંજસ્યપૂર્ણ તાણાવાણામાં ગૂંથી દે છે.' - બ્રાયન ગ્રીન (Brian Green) The Elegant Universe.)
- જેમ એક વાયોલિનનો તાર અલગ અલગ નોટ્સ (સુર) પેદા કરી શકે છે, તે જ રીતે સુપર સ્ટ્રીંગના કંપની આ બ્રહ્માંડના બધા કણો અને બળોને જન્મ આપે છે. બ્રહ્માંડ એક સંગીત છે અને ભગવાનનું મન એ સંગીતના માધ્યમથી ગૂંજી રહ્યું છે.
- મિશિયો કાકુ
(અમેરિકન થિયરિટિકલ ભૌતિક વિજ્ઞાની) - 'સ્ટ્રિંગ થિયરી એ તમામ મૂળભૂત બળોને એક કરતું માળખું છે.'
- પ્રોફેસર અશોક સેન
અર્વાચીન વિજ્ઞાન બે અલગ અલગ નિયમો પર ચાલે છે જે એકબીજાથી તદ્દન વિરોધી છે. ૧. આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો સાપેક્ષતાનો સિદ્ધાંત (Theory of Relativity) : આ નિયમ બ્રહ્માંડની મોટી વસ્તુઓ જેમ કે, આકાશગંગા, તારા અને ગુરુત્વાકર્ષણને સમજાવે છે. આ નિયમ સ્થૂળ વસ્તુઓ અને અનુમાન લગાવી શકાય તેવી બાબતોને લગતો છે. ૨ ક્વૉન્ટમ મિકેનિક્સ (Quantum Mechanics) : આ નિયમ અતિ સૂક્ષ્મ જગત જેમ કે, પરમાણુ અને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યૂટ્રોન અને સબ-એટોમિક પાર્ટિકલ્સ, ફોટોન્સ વગેરેને સમજાવે છે. તે જગત અનિશ્ચિતતા અને અરાજકતાથી ભરેલું છે. જ્યારે વિજ્ઞાનીઓ આ બન્ને નિયમોને એક કરવા જાય છે ત્યારે ગણિત નિષ્ફળ થઈ જાય છે અને જવાબ અનંત (infinite) આવે છે જે અશક્ય છે.
લિયોનાર્ડ સસ્કીન્ડ (Leonard Susskind) એ આધુનિક સૈદ્ધાન્તિક ભૌતિક- વિજ્ઞાનના પિતામહ સમાન વિજ્ઞાની છે અને સ્ટ્રીંગ થિયરી (string theory)ના મૂળ શોધકોમાંના એક- બે અત્યારે તે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કામગીરી આપી રહ્યા છે. ૧૯૭૦માં લિયોનાર્ડ સસ્કીન્ડે સ્વતંત્ર રીતે એ શોધી કાઢ્યું કે, બ્રહ્માંડના ઉપ પારમાણ્વિક કણો (subatomic particles)ને ગાણિતિક રીતે બિંદુ (point) તરીકે જોવાને બદલે જો કંપન કરતી એક પરિમાણીય દોરીઓ (vibrating one Dimensional strings) તરીકે જોવામાં આવે તો ભૌતિક વિજ્ઞાનના ઘણા જટિલ સમીકરણો સરળતાથી ઉકેલી શકાય છે.
લિયોનાર્ડ સસ્કીન્ડે ગેરાલ્ડ હોફ્ટ (Gerald 't hooft) સાથે મળીને હોલોગ્રાફિક સિદ્ધાંત આપ્યો હતો તે પ્રમાણે આપણું ત્રિ-પરિમાણિય (Three dimensional) બ્રહ્માંડ તેનાથી અતિ દૂર રહેલી દ્વિ-પરિમાણીય સરફેસ પરથી પ્રોજેક્ટ થતા એક મહાન હોલોગ્રામ જેવું હોઈ શકે છે. તે કહે છે કે - આપણા સામાન્ય અનુભવની ત્રિ-આયામી દુનિયા જે આકાશગંગાઓ, તારાઓ, ગ્રહો, ઘરો, પથ્થરો અને લોકોથી ભરેલી છે તે વાસ્તવમાં એક હોલોગ્રામ છે જે દૂર રહેલી દ્વિ-આયામી (દ્વિ-પરિમાણી- ૨ઘ) સપાટી પર કોડ થયેલી વાસ્તવિકતાનું એકમાત્ર પ્રતિબંબ છે.
પ્રખ્યાત વિજ્ઞાની સ્ટીફન હોકિંગે દાવો કર્યો હતો કે, જ્યારે કોઈ વસ્તુ બ્લેકહૉલમાં જાય છે ત્યારે તેની બધી જ માહિતી (information) કાયમ માટે નષ્ટ થઈ જાય છે પરંતુ લિયોનાર્ડો સસ્કીન્ડે ક્વૉન્ટમ મિકેનિક્સના નિયમોના આધારે હોકિંગના આ દાવાને ખોટો સાબિત કર્યો અને લાંબી વૈજ્ઞાનિક ચર્ચાની લડત પછી હોકિંગને પણ પોતાની ભૂલ સ્વીકારવી પડી હતી. લિયોનાર્ડ સસ્કીન્ડ કહે છે - ("Black holes are the most concentrated storage of informatiom in the universe. They are nature's ultimage quantur computers.) બ્લેક હૉલ એ બ્રહ્માંડમાં માહિતીનો સૌથી સઘન સંગ્રહ છે. તે કુદરના સૌથી શ્રેષ્ઠ ક્વૉન્ટમ કમ્પ્યૂટર્સ છે.'
ડૉ. મિચિયો કાકુ (Michio Kaku) એક અમેરિકન સૈદ્ધાન્તિક ભૌતિક વિજ્ઞાની અને વિજ્ઞાનને લોકપ્રિય બનાવનારા વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાની છે તે સ્ટ્રિંગ ફિલ્ડ થિયરીના સહ-સ્થાપક છે. અત્યારે ડૉ. મિચિયો કાકુ સિટી કૉલેજ ઑફ ન્યૂયૉર્કમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેમણે સ્ટ્રિંગ થિયરીને ગણિતના માધ્યમથી વિસ્તૃત કરી જેથી વિજ્ઞાનીઓ સમજી શક્યા કે અવકાશમાં સ્ટ્રિંન્ગ્સ (ઊર્જાના તાર) કેવી રીતે એકબીજા સાથે પ્રતિક્રિયા કરે છે અને વિભાજિત થાય છે. તેમના જીવનનું ભગીરથ કાર્ય ભૌતિક વિજ્ઞાનના એકીકરણનું છે. તેમના જીવનનું મુખ્ય લક્ષ્ય આલ્બર્ટ આઇન્સ્ટાઇનના અધૂરા સ્વપ્ન 'થિયરી ઑફ એવરીથિંગ (Theory of Everything)ને પૂરું કરવાનું છે. આ એક એવું સમીકરણ છે જે બ્રહ્માંડના વિશાળ નિયમો (સાપેક્ષતાનો સિદ્ધાંત) અને સૂક્ષ્મ જગતના નિયમો (ક્વૉન્ટમ મિકેનિક્સ)ને એક સાથે જોડી શકે ડૉ મિચિયો કાકુ માને છે કે સ્ટ્રિંગ થિયરી સાપેક્ષતાનો સિદ્ધાંત અને ક્વૉન્ટમ મિકેનિક્સના વિરોધી નિયમોને જોડી શકે છે. જો આપણે સબ-એટોમિક કણોને 'બિંદુ' માનવાને બદલે ઊર્જાના કંપતા તાર (Vibrating strings) માની લઈએ તો ગણિતની બધી જ ભૂલો દૂર થઈ જાય છે. આ જ રીતે તે ગોડ ઇકવેશ (God Euqation)થી લઈને બ્લેક હૉલના રહસ્યો સુધીને તમામ બાબતોને એક જ પૃષ્ઠ ભૂમિ સમજાવી શકે છે.
સ્ટ્રિંગ થિયરી અને ભારતીય વેદાંત દર્શન વચ્ચેનું સામ્ય અદ્ભુત છે. વિજ્ઞાન જ્યાં પ્રયોગો અને ગણિત દ્વારા બ્રહ્માંડના અંતિમ સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. ત્યાં વેદાંતે હજારો વર્ષ પહેલા ધ્યાનની ગહન અવસ્થામાં તે જ સત્યનો અનુભવ કર્યો હતો. લિયોનાર્ડ સસ્કીન્ડ અને મિચિયો કાકુ કહે છે કે, બ્રહ્માંડના મૂળમાં કોઈ નક્કર બિંદુઓ જેવા કણો ((Point Particles) નથી, પણ તે ઊર્જાના અતિ સૂક્ષ્મ તાર અથવા દોરીઓ છે જેને સ્ટ્રિંગ્સ કહેવાય. આ સ્ટ્રિન્ગ્સ અલગ અલગ આવૃત્તિ (ફ્રીકવન્સી પર કંપન (Vibrate) કરે છે. તેના અલગ અલગ સૂર અને તાલથી જ ઇલેક્ટ્રોન, પ્રોટોન કે પ્રકાશ બને છે. સમગ્ર બ્રહ્માંડ એક સંગીત (Symphony) છે.
આપણું વેદાંત પણ આવી જ વાત કરે છે. વેદાંતના આ વિચારને 'નાદ બ્રહ્મ' કહેવાયો છે. ઉપનિષદો અનુસાર આ સૃષ્ટિની ઉત્પત્તિ કોઈ પદાર્થમાંથી નહી પરંતુ એક પરમ કંપન (Primodial Vibration)માંથી થઈ છે. જેને આપણે ઓમ (ઓમ)ના ઘ્વનિ તરીકે ઓળખીએ છીએ. શતપથ બ્રાહ્મણ ગ્રંથમાં કહેવાયું જ છે - વાગેવ વિશ્વ ભુવનાનિ જજ્ઞો, વાચૈત સર્વમમૃતં યચ્ચ મર્ત્યમ્ । વાગવેદં સર્વ પ્રથતે વિભાતિ, વાચિ વિશ્વં પ્રતિષ્ઠિતમ્ ।। નાદરૂપી વાણી (વાક્)માંથી જ સર્વ ભુવનો (લોકો) ઉત્પન્ન થયા છે. વાણી જ દ્વારા જ અમર અને મર્ત્ય બધું જાણીતું બને છે. આ સમગ્ર જગત નાદ ધ્વનિ (વાણી)થી જ પ્રગટ અને પ્રસિદ્ધ થાય છે. સમગ્ર વિશ્વ નાદમાં જ પ્રતિષ્ઠિત (રહેલું) છે. અમેરિકન ભૌતિક વિજ્ઞાની એડવર્ડ વિટને (Edward witten) સ્ટ્રિંગ થિયરીમાં એમ- થિયરી (M-theory) દર્શાવી સાબિત કર્યું કે, બ્રહ્માંડ સંપૂર્ણ રીતે ૧૧ આયામોમાં વિસ્તરેલું છે. એડવર્ડ વિટની 'એમ-થિયરી' વેદાંત અને પુરાણોની અનેક બ્રહ્માંડો (મલ્ટિવર્સ) હોવાની વાત સાથે સુસંગત થાય છે.









