Shatdal

મંગળથી ડરવાની જરૂર નથી

By GS Team
7 Jul 20264 mins read
મંગળથી ડરવાની જરૂર નથી

ગ્રહમંડળમાં મંગળ સેનાપતિ છે. તે શિસ્તમાં માનવાવાળો ગ્રહ છે. આગેવાની કરવી ને હુકમ કરવો એ એનો સ્વભાવ છે. તે સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ કરનારો ગ્રહ છે.
ભા વિના ભીતરમાં ડોકિયું કરવાની તમન્ના સામાન્યપણે આપણને સૌને હોય જ છે. બાળક જન્મે છે ત્યારથી એને જ્યોતિષશાસ્ત્રનો સ્પર્શ થવાનું શરુ થઈ જાય છે. નામ કઈ રાશિ ઉપરથી પાડવું, જન્મકુંડળી બનાવવી વગેરે ગતિવિધિઓનો પ્રારંભ બાળક જન્મતાંની સાથે જ શરુ થઈ જતી હોય છે. જન્મની તારીખ, સમય અને સ્થળના આધારે જન્મકુંડળી બને છે તે આપણે જાણીએ છીએ. જાણે-અજાણે જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ મોટા ભાગના લોકો આજીવન કરતા રહે છે. પ્રસંગોપાત્ સારા મુહૂર્ત માટે ચોઘડિયા જોવાય છે. તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણના આધારે લગ્નના મુહૂર્તો નક્કી કરવા માટે પણ જ્યોતિષકાર્ય થતું જ હોય છે. કુંડળીમાં ઘણા શુભ અને અશુભ યોગ ગ્રહ-નક્ષત્રના આધારે બનતા હોય છે. જન્મકુંડળીના આધારે આ સઘળું જાણી શકાય છે.
લગ્નની ઉંમરે લગ્ન મેળાપક કરવાનું મહત્ત્વ હંમેશાં રહ્યું છે. સંતાનનાં લગ્નની ઉંમર થાય એટલે મા-બાપને લગ્ન માટે મેળાપક કરવાનું મન થાય. સંતાન માટે પાત્ર-પસંદગીની શરૂઆત થાય ત્યારે ઘણી વાર સામે પક્ષેથી પૂછવામાં આવતું હોય છે કે તમારા સંતાનની કુંડળીમાં મંગળ દોષ છે?
ખરેખર, સંતાનોનાં લગ્નની વાત આવે ત્યારે મા-બાપને મંગળ દોષની ખૂબ ચિંતા રહેતી હોય છે. આ મંગળ દોષ ખરેખર શું છે? ચાલો, તેને સમજવાનો પ્રયત્ન કરીએ.

મંગળ ગ્રહનું મહાત્મ્ય
ગ્રહમંડળમાં મંગળ સેનાપતિ છે. તે શિસ્તમાં માનવાવાળો ગ્રહ છે. આગેવાની કરવી ને હુકમ કરવો એ એનો સ્વભાવ છે. તે સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ કરનારો ગ્રહ છે. મંગળમાં ગતિશીલતા વિશેષ પ્રમાણમાં છે. મંગળ રક્ત સ્વરૂપે માણસના આખા શરીરમાં વ્યાપેલો હોય છે. મનુષ્યના શારીરિક અને માનસિક આવેગો સાથે મંગળનો સીધો સંબંધ છે. તે સાહસ અને પરાક્રમનો કારક ગ્રહ હોવાથી હિંમત અને શૌર્ય બતાવતા દરેક કાર્યે સાથે સંકળાયેલાો છે. મૂલાધાર ચક્ર સાથે પણ મંગળને સીધો સંબંધ છે. મૂલાધાર ચક્રમાં કુંડલિની મહાશક્તિ રહેલી છે. મૂલાધાર ચક્રના દેવતા ગણપતિ છે. મંગળ શક્તિ અને ઉર્ધ્વગતિ આપનારો ગ્રહ છે.

મંગળ દોષનાં સરનામાં
કુંડળીમાં ૧, ૪, ૭, ૮ અને ૧૨મા સ્થાનમાં પડેલા મંગળને 'મંગળ દોષ' ગણવામાં આવે છે. આવી કુંડળી મંગળ દોષવાળી છે એમ કહેવાય. લગ્નસંબંધ બંધાવામાં તે બાધારૂપ બને છે.

  • પ્રથમ સ્થાનમાં પડેલો મંગળ જાતકને શારીરિક અને માનસિક પ્રકૃતિનું સૂચન કરે છે. આ મંગળ સાતમા સ્થાને દ્રષ્ટિ કરે છે, જે શુભ ગણાતી નથી. તેથી લગ્ન સ્થાનમાં પડેલા મંગળને મંગળ દોષ ગણવામાં આવે છે.
  • ચોથા સ્થાનમાં પડેલા મંગળ એ જાતકની (એટલે કે વ્યક્તિની) ઈચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ સૂચવે છે. ચોથે પડેલો મંગળ પણ સાતમા સ્થાન પર દ્રષ્ટિ કરે છે, જેથી મંગળની અશુભ અસરો ચોથા સ્થાનમાં પણ દેખાય છે.
  • બારમા સ્થાનમાં પડેલો મંગળ પણ સાતમા સ્થાન એટલે કે લગ્નજીવનના સ્થાન પર દૃષ્ટિ કરતો હોવાથી તે લગ્નજીવનમાં વિઘ્નો અને ઊભો કરનારો બને છે.
  • સાતમા સ્થાનમાં પડેલા મંગળ લગ્ન ઉપર દૃષ્ટિ કરે છે. તેની અસરો જાતકના સ્વભાવ અને વાણી-વર્તનમાં દેખાય છે.
  • આઠમાં સ્થાનમાં પડેલો મંગળ વ્યક્તિના દાંપત્યજીવનમાં વિઘ્નો ઊભા કરે છે.

આમ, આ પાંચ સ્થાનોમાં પડેલો મંગળ, 'મંગળ દોષ' તરીકે ઓળખાય છે.

મંગળ ક્યારે દોષકારક ન બને?

  • કુંડળીમાં મંગળ દોષ કયારે બને અને મંગળ દોષ ક્યારે નાબુદ કરે તેના નિયમો શાોમાં બતાવેલા છે.
  • મંગળ જ્યારે પોતાની રાશિ એટલે કે મેષ અને વૃશ્ચિક રાશિનો હોય, તે ૧, ૪, ૭ ,૮, ૧૨મા સ્થાનમાં પડેલો હોય ત્યારે આવો મંગળ દોષકારક ગણાતો નથી.
  • મંગળ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે મકર રાશિમાં પડેલો હોય તો પણ તેને મંગળ દોષ તરીકે ગણી શકાય નહીં.
  • ૧, ૪, ૭, ૮,૧૨મા સ્થાનમાં મંગળ પર શુભ ગ્રહોની એટલે કે ગુરુની દૃષ્ટિ હોય તો પણ તે મંગળ દોષ તરીકે ગણાતો નથી. ગુરુની રાશિનો મંગળ એટલે કે ધન અને મીન રાશિનો મંગળ, મંગળ દોષ કરતો નથી.
  • મંગળની ઉચ્ચ રાશિ એટલે કે મકર રાશિમાં પડેલો મંગળ, મંગળદોષ કરતો નથી.
  • ગુરુ સાથે કે ચંદ્ર સાથે મંગળ યુતિ કરતો હોય અથવા કેન્દ્રમાં હોય તો પણ મંગળ દોષ લાગતો નથી.

મંગળ ઘણી સ્થિતિમાં દોષકારક બનતો નથી. વળી, મંગળ દોષનું નિવારણ કરવા માટેના ઉપાયો પણ છે જ.

મંગળ ક્યારે દોષકારક બને?
મંગળ પોતાની નીચ રાશિમાં અને શત્રુ રાશિમાં જ્યારે ૧, ૪, ૭, ૮,૧૨મા સ્થાનમાં પડેલો હોય તો જ મંગળ દોષ તરીકે કહી શકાય છે. લગ્ન મેળાપકમાં મંગળ દોષની સામે મંગળ દોષવાળી કુંડળી જ લેવી જોઈએ. અલબત્ત, મંગળ દોષની સાચી સમજ મેળવ્યા પછી એ દોષ તરીકે ગણાય કે કેમ એ નક્કી કરવું ખૂબ જરૂરી છે. મંગળ દોષવાળી કન્યાને મંગળ દોષવાળા પુરુષ સાથે પરણાવવાથી મંગળ દોષ રહેતો નથી, બલ્કે દાંપત્યસુખમાં વૃદ્ધિ થઈ શકે છે. મંગળ દોષ નાબુદ ના વધારે ભોગ બનતા હોવાથી આ મંગળ દોષ તરીકે છે. મંગળ દોષનો ભય રાખીને ગભરાવાની કોઈ જરૂર નથી. આ રીતે કુંડળીમાં બનતા વિવિધ યોગો વિશે અવારનવાર ચર્ચા કરતા રહીશું. - સ્મિતા સુથાર