તોતડી વહુનો નિ:સ્વાર્થ પ્રેમ

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- 'જે પગ માટે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું, એ પગ આજે મારા જીવન માટે છોલાઈ ગયા.'
આ શા દેખાવમાં ખૂબ જ સુંદર, સંસ્કારી અને સમજદાર યુવતી હતી. ભગવાને તેને રૂપ, ગુણ અને કરુણા ભરપુર આપ્યા હતા, પરંતુ તેનામાં એક નાની ખામી રહી ગઈ હતી, તે એ કે બોલતી વખતે તે થોડું તોતડાતી હતી. આ જ કારણસર બાળપણથી તેને ઘણીવાર લોકોની મશ્કરીનો ભોગ બનવું પડયું હતું અને સહન કરવું પડતું હતું, તો પણ તે ચહેરા પરનું સ્મિત ક્યારેય ઓછું ન થવા દેતી.
અનમોલ નામના સમજદાર અને સંસ્કારી યુવક સાથે તેના લગ્ન થયા. અનમોલને આશાના શબ્દો કરતાં તેના સંસ્કાર વધુ ગમતા હતા. લગ્ન પછી આશા સાસરે આવી. ઘરના દરેક સભ્યને તેણે પોતાના પ્રેમ, સેવા અને મીઠા સ્વભાવથી સૌના હૃદયમાં સ્થાન મેળવી લીધું હતું. સવારના પાંચ વાગે ઊઠીને ઘરનું બધું કામ કરવું, સાસુ-સસરાની સેવા, રસોઈ, સફાઈ, બધાની પસંદગીનું ધ્યાન રાખવું. આશા કોઈપણ પ્રકારની ફરિયાદ વગર બધું જ કરતી. ઘરમાં સૌ કહેતા, 'આશા જેવી વહુ તો નસીબદારને જ મળે.' પણ ઘરમાં એક વ્યક્તિ હતી જેને આ બધું પસંદ નહોતું. તે હતી અનમોલની મોટી ભાભી, આરવી.
આરવી શહેરની બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતી હતી. હોદ્દો મોટો હોવાથી તેને પોતાના પર ઘણું અભિમાન હતું. તેને લાગતું કે ઘરમાં બધાનું ધ્યાન હવે આશા તરફ જ ગયું છે.
એક દિવસ ચા પીતા-પીતા આશાએ તોતડાતા અવાજે કહ્યું, 'ભા…ભાભી… ચા… થં…ડી થઈ જશે.' આરવી જોરથી હસી પડી. 'અરે, પહેલા બોલતા તો શીખ. તારા એક વાક્યમાં જ પાંચ મિનિટ લાગી જાય !'
ઘરના બધા લોકો અસ્વસ્થ થઈ ગયા. આશાએ માત્ર હળવું સ્મિત કર્યું અને ચૂપ રહી ગઈ. એ પછી તો આરવીને જાણે આશાની મજાક ઉડાવવાની આદત પડી ગઈ.
ક્યારેક મહેમાનો સામે, ક્યારેક ફોન પર, તો ક્યારેક ઘરના સભ્યો સામે… 'આશા, તું બોલે છે કે ટેપરેકોર્ડર અટકી ગયું હોય એવું લાગે છે.' બધાને ખરાબ લાગતું, પરંતુ આશા ક્યારેય જવાબ આપતી નહોતી. તે માત્ર એટલું જ કહેતી, 'ભગવાને મને જે આપ્યું છે, તે સ્વીકારી લીધું છે.'
સમય પસાર થતો ગયો. એક દિવસ ઓફિસમાંથી ઘરે આવ્યા પછી આરવીએ કહ્યું, 'ગળામાં ઘણું દુખે છે. પાણી પણ ગળાતું નથી.' તેના પતિ અભિજીતે ડોક્ટરને બતાવવાનું કહ્યું. ઘરના લોકોએ વિચાર્યું કે સામાન્ય ઇન્ફેક્શન હશે.
બીજા દિવસે ડાક્ટર પાસે ગયા. તપાસ કર્યા પછી ડાક્ટર થોડા ગંભીર બન્યા.
'થોડી શંકા લાગે છે. સુરક્ષિત રહેવા માટે બાયોપ્સી કરાવવી પડશે. જેના રીપોર્ટ પછી જ નિદાન થઇ શકે. કદાચ કેન્સર પણ હોઈ શકે !'
'બાયોપ્સી અને કેન્સર?' આ શબ્દ સાંભળતા જ આખું ઘર સ્તબ્ધ થઈ ગયું. બધાના ચહેરા પરથી રંગ ઉડી ગયો.
આરવીની આંખોમાં પહેલી વાર ડર દેખાયો. મજબૂત મેનેજર આજે અંદરથી તૂટી રહી હતી.
રાત્રે કોઈને ઊંઘ આવી નહીં. સાસુ ભગવાનનું નામ લેતાં હતાં.
અભિજિત હોસ્પિટલની માહિતી શોધતો હતો અને આશા પોતાના રૂમમાં ભગવાન સામે શાંતિથી બેઠી હતી. તેના મનમાં એક જ પ્રાર્થના હતી.
'હે ભગવાન, મારી ભાભીને કંઈ ન થાય.' બીજે દિવસે વહેલી સવારે, કોઈને કહ્યા વગર આશા ઘરેથી નીકળી.
ગામથી લગભગ દસ કિલોમીટર દૂર એક પ્રાચીન મંદિર હતું.
તેણે મનમાં માનતા રાખી, 'જો આરવી ભાભીનો રિપોર્ટ નોર્મલ આવે તે માટે હું ખુલ્લા પગે ચાલીને ભગવાનને ધજા ચડાવીશ.' આશાએ ચંપલ હાથમાં લીધી અને તડકામાં ચાલવાનું શરૂ કર્યું.
રસ્તામાં ગરમ ડામર હતો. ક્યાંક કાંકરા, ક્યાંક કાંટા. દરેક પગલે દુખાવો થતો. પણ તેના હોઠ પર એક જ પ્રાર્થના હતી. 'મારી ભાભીને બચાવી લેજો.'
કલાકો પછી તે મંદિરે પહોંચી. ધજા ચડાવી.
ભગવાન સામે હાથ જોડીને રડી પડી. 'મને દુ:ખ આપજો, પણ મારી ભાભીને કંઈ ન થવા દેજો.' પાછા ફરતી વખતે તેના પગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. છતાં તે ધીમે-ધીમે ચાલતી ઘરે પહોંચી. ઘરે પહોંચીને કોઈને કંઈ કહ્યું નહીં. શાંતિથી પોતાના રૂમમાં જઈને બેસી ગઈ.
થોડીવાર પછી સાસુએ જોયું કે આશા લંગડાતી ચાલી રહી છે. 'અરે આશા, શું થયું?' જ્યારે તેના પગ જોયા ત્યારે બધા ચોંકી ગયા. પગના તળિયા આખા છોલાઈ ગયા હતા. લોહીના ડાઘ હજુ દેખાતા હતા. અનમોલ ગભરાઈ ગયો.
'આશા! આ શું કર્યું?'
આશાએ ધીમેથી કહ્યું, 'ભા…ભાભી… માટે… મા..માનતા…માટે…ગ..ગઈ…હતી '
ઘરમાં બધાની આંખો ભીની થઈ ગઈ. એટલામાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો. બધાના શ્વાસ અટકી ગયા. અનમોલે ફોન ઉપાડયો.
થોડીવાર પછી તેના ચહેરા પર સ્મિત આવી ગયું. 'રિપોર્ટ નોર્મલ છે! કેન્સર નથી!'
આ સમાચાર સાંભળતા જ આખું ઘર ખુશીથી ઝૂમી ઊઠયું. સાસુએ ભગવાનનો આભાર માન્યો.
આરવી તો જાણે નવજીવન પામી હતી. પણ જ્યારે તેને ખબર પડી કે આશાએ તેના માટે ખુલ્લા પગે મંદિર સુધી જઈને માનતા રાખી હતી, ત્યારે તે નિ:શબ્દ થઈ ગઈ. તે ધીમે-ધીમે આશાના રૂમમાં ગઈ.
આશા પોતાના ઘાયલ પગ પર દવા લગાવી રહી હતી.
આરવી તેની સામે ઘૂંટણિયે બેસી ગઈ. તેની આંખોમાંથી આંસુઓ સતત વહેતા હતા.
આરવી કંપતા અવાજે તે બોલી, 'આશા… મને માફ કરી દે.'
આશા ચોંકી ગઈ. 'ભા…ભાભી… તમે…?'
આરવી રડતાં બોલી, 'હું રોજ તારી મજાક ઉડાવતી હતી. તારા તોતડાતા શબ્દો પર હસતી હતી. મને લાગતું હતું કે તું મારી પ્રતિસ્પર્ધી છે. પણ આજે સમજાયું કે તારા શબ્દો ભલે તોતડાય છે, પણ તારું હૃદય સૌથી સુંદર છે.' તે આશાના ઘાયલ પગને સ્પર્શ કરીને બોલી, 'જે પગ માટે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું, એ પગ આજે મારા જીવન માટે છોલાઈ ગયા.'
આશાએ તરત જ તેને ઊભી કરી લીધી. હળવું સ્મિત કરીને બોલી, 'પરિવારમાં… પોતાનું… કોણ… હોય? એકબીજા… માટે… જીવવું… એ જ… પરિવાર.'
આરવી આશાને ભેટી પડી. બંનેના આંસુઓમાં આજે કોઈ દુ:ખ નહોતું. તેમાં પ્રેમ, પસ્તાવો અને નવા સંબંધની શરૂઆત હતી. તે દિવસ પછી આરવી સંપૂર્ણ બદલાઈ ગઈ.
હવે જો કોઈ આશાના તોતડાપણાની મજાક કરે, તો સૌથી પહેલા આરવી જ જવાબ આપતી.
'શબ્દો સ્પષ્ટ બોલવા કરતાં દિલ સ્પષ્ટ હોવું વધુ જરૂરી છે.' ઘરમાં હવે બે વહુઓ નહોતી, બે બહેનો રહેતી હતી, અને આશાના તોતડાતા શબ્દો આજે પણ પહેલાં જેવા જ હતા, પરંતુ હવે દરેકને તેમાં પ્રેમનું મધુર સંગીત સંભળાતું હતું,
લાસ્ટ સ્ટ્રોક
દેખાવ, હોદ્દો કે બોલવાની ખામી માણસની કિંમત નક્કી કરતા નથી. નિ:સ્વાર્થ પ્રેમ, સેવા અને ક્ષમાપન એ જ સાચી માનવતાની ઓળખ છે. જે વ્યક્તિની આપણે મજાક ઉડાવીએ છીએ, ઘણીવાર એ જ વ્યક્તિ મુશ્કેલીના સમયે આપણા માટે ભગવાન બનીને ઊભી રહે છે.




