થેન્ક યુ મમ્મી

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- રમાબેનના હૃદયમાં ચિંતા હતી. સમાજ શું કહેશે તેની નહીં, પરંતુ દીકરીના ભવિષ્યની.
અ નાયા બારી પાસે ઊભી હતી. બહાર વરસાદની હેલી ઝરમર ઝરમર વરસતી હતી.
તે ભૂતકાળમાં સરી પડી. ત્રણ વર્ષ પહેલાં તેનું સગપણ થયું હતું. છોકરો સારો હતો, બંને પરિવારો પણ ખુશ હતા. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. પરંતુ અચાનક કોઈ ગેરસમજ ઊભી થઈ અને સગપણ તૂટી ગયું.
અનાયાનાં મનમાં પણ જાણે એવી જ ઉદાસી છવાઈ ગઈ હતી. ઉંમર અઠ્ઠાવીસ વર્ષની થઈ ગઈ હતી, પરંતુ જીવન જાણે એક જ જગ્યાએ અટકી ગયું હતું.
શરૂઆતમાં તેને લાગ્યું હતું કે થોડા સમય પછી બધું સામાન્ય થઈ જશે. પરંતુ એવું થયું નહીં. જ્યાં જ્યાં લગ્નની વાત ચાલતી ત્યાં લોકો પહેલાં એક જ પ્રશ્ન પૂછતા. 'પહેલીવારનું સગપણ કેમ તૂટયું હતું?' અનાયા પ્રશ્ન સાંભળે અને તેના હાથમાં રહેલો ચાનો કપ થોડો વધુ કસાઈ જાય. સામે બેઠેલા લોકોના ચહેરા તરફ જોવાને બદલે તે બારી બહાર નજર ફેરવી દેતી. તેને આવી રીતે વારે વારે શો પીસ બનવું ન હતું. તેથી તેણે લગ્નનો વિચાર જ પડતો મૂકી દીધો.
છેલ્લા બે વર્ષમાં અનેક છોકરાં તેને જોવા આવ્યા હતા. કોઈને તેની નોકરી પસંદ નહોતી, તો કોઈને શહેર ગમતું નહોતું, તો કોઈને વધુ પડતી અપેક્ષાઓ હતી. પરંતુ અનાયાને લાગતું હતું કે મોટાભાગના લોકો તેના ભૂતકાળને જ કારણ બનાવીને ના પાડી દેતા હતા.
દરેક વખતે આશા જાગતી અને પછી નિરાશા મળતી. એક દિવસ તેણે કંટાળીને ઘોષણા કરી દીધી. 'હવે મારા લગ્નની વાત કોઈ નહીં કરે. હું લગ્ન જ નહીં કરું.' તેના પિતા મનહરભાઈ અને માતા રમાબેન એકબીજાને જોઈ રહ્યા. 'બેટા, આમ ન બોલાય,' રમાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો. 'પણ મમ્મી, હવે મને કશું સાંભળવું નથી. હું એકલી જ ખુશ છું.'
પરંતુ રમાબેનના હૃદયમાં ચિંતા હતી. સમાજ શું કહેશે તેની નહીં, પરંતુ દીકરીના ભવિષ્યની. અમે તો હવે ખરતું પાન કહેવાઇએ, અમારા ગયા બાદ અમારી બેટીનું શું થશે, એ ચિંતા તેમને કોરી ખાતી હતી.
સમય પસાર થતો ગયો. અનાયાએ ધ્યાન આપ્યું કે તેની મમ્મી છેલ્લા કેટલાક મહિનાથી ફેસબુક પર ખૂબ એક્ટિવ થઈ ગઈ હતી. પહેલાં તો રમાબેનને મોબાઈલ ચલાવતા પણ મુશ્કેલી પડતી હતી. હવે દિવસભર ફોન હાથમાં રહેતો. ક્યારેક હસતી, ક્યારેક ટાઈપ કરતી, ક્યારેક કોઈના મેસેજનો જવાબ આપતી. અનાયાને નવાઈ લાગતી. 'મમ્મી આખો દિવસ આટલી બધી ઓનલાઈન શું કરે છે?'
એક દિવસ રાત્રે જમ્યા પછી રમાબેન સોફા પર બેઠાં હતાં. ફોનમાં કંઈક લખતા હતા. અચાનક અનાયાની નજર સ્ક્રીન પર પડી. ઉપર નામ લખેલું હતું - 'અંશુ'. અનાયાનું મોઢું ગુસ્સાથી લાલ થઈ ગયું. 'મમ્મી!' રમાબેન ગભરાઈ ગયાં. 'શું થયું?' 'આ કોણ છે, અંશુ ?' 'એ તો એમ જ…' રમાબેને વાત ઉડાવતા કહ્યું.
'એમ જ એટલે શું? આ ઉંમરે લવના લફરાં શરૂ કર્યા છે?' અનાયા ગુસ્સે થતા બોલી.
રમાબેનના હાથમાંથી ફોન લગભગ પડી જ ગયો. 'અનાયા, તું શું બોલે છે?'
'તો પછી દિવસરાત કોની સાથે ચેટિંગ કરો છો? હું કેટલાય દિવસથી જોઈ રહી છું. અમને સંસ્કાર શીખવો છો ને પોતે ફેસબુક પર લફરાં કરો ! શરમ નથી આવતી?' અનાયા ગુસ્સામાં બોલતી જ રહી.
આટલું સાંભળતા જ રમાબેનની આંખોમાં આંસુ આવી ગયા. એટલામાં મનહરભાઈ પણ રૂમમાં આવ્યા. 'શું થયું?'
'પપ્પા, મમ્મીને પૂછો. અંશુ નામના કોઈ માણસ સાથે આખો દિવસ ચેટિંગ કરે છે.' થોડી ક્ષણ માટે મૌન છવાઈ ગયું. પછી મનહરભાઈ અને રમાબેન એકબીજાને જોઈને હળવું સ્મિત કરવા લાગ્યા.
આ જોઈને અનાયા વધુ ગુસ્સે થઈ ગઈ. 'હસો નહીં. મને જવાબ જોઈએ.' અંતે રમાબેને ઊંડો શ્વાસ લીધો. 'સારું, આજે આખી વાત કહી દઉં.' અનાયા શાંત થઈને બેઠી. રમાબેને ફોન ખોલ્યો. 'સૌ પ્રથમ આ ફોટો જો.' સ્ક્રીન પર અનાયાનો જ ફોટો હતો. 'આ તો મારો ફોટો છે!'
'હા. કારણ કે આ એકાઉન્ટ તારું નથી છતાં તારાં નામે છે.' રમાબેને જવાબ આપ્યો
અનાયા ચોંકી ગઈ.
'શું?' 'મેં અને તારા પપ્પાએ મળીને તારાં નામનું ડમી એકાઉન્ટ બનાવ્યું હતું.'
'શા માટે?' અનાયા બોલી. રમાબેને ટેબલ પર પડેલો રૂમાલ હાથમાં લીધો અને થોડું મૌન રહી. પછી ફોનમાં જૂના મેસેજ, નોંધો અને ફોટા બતાવતાં બોલી,
'કારણ કે તે લગ્નની બધી આશા છોડી દીધી હતી. પણ અમે તારાં માં બાપ છીએ એટલે અમને તો તારી ચિંતા થવાની જ.' અનાયા નિ:શબ્દ બની ગઈ. મનહરભાઈ બોલ્યા, 'અમે વિચાર્યું કે આજકાલ ઘણાં સારા લોકો સોશિયલ મીડિયા પર પણ મળે છે. એટલે અમે પ્રયત્ન શરૂ કર્યો.'
રમાબેન હસતાં હસતાં બોલ્યા, 'શરૂઆતમાં તો મને ફેસબુક ચલાવતાં પણ આવડતું નહોતું. તારા પપ્પાએ શીખવાડયું, પછી અનેક લોકો સાથે વાત કરી. કોઈ ખોટું બોલતું, કોઈ અહંકારી હતું, કોઈ ફક્ત દેખાડો કરતું.' અનાયા આશ્ચર્યથી સાંભળતી રહી.
'છેલ્લા છ મહિનાથી અમે તારા માટે ફેસબુક દ્વારા યોગ્ય જીવનસાથી શોધી રહ્યા હતા અને આ અંશુ તેમાનો એક છે. અંશુ અમને સૌથી વધુ સારો લાગ્યો' રમાબેનના ચહેરા પર ખુશી આવી.
અનાયાએ ધીમેથી પૂછયું, 'કેવો છે?' 'ઉંમર બત્રીસ વર્ષ. ઈજનેર છે. પોતાના માતાપિતાની ખૂબ કાળજી રાખે છે. સમજદાર છે. અને સૌથી મોટી વાત…' રમાબેને સમજાવતાં કહ્યું.
'શું?' અનાયાએ પ્રશ્નાર્થસૂચક નજરે પૂછયું. 'તેને તારું તૂટેલું સગપણ જાણ છે.' રમાબેને ઉમેર્યું.
'પછી?' અનાયા હજુ પણ સમજી ન હતી. 'પછી પણ તેને કોઈ વાંધો નથી.' રમાબેને કહ્યું.
અનાયાની આંખો પહોળી થઈ ગઈ. 'ખરેખર?' 'હા.' રમાબેને ફોનમાં મેસેજ બતાવ્યા.
એક જગ્યાએ અંશુએ લખ્યું હતું : 'માણસનો ભૂતકાળ નહીં, તેનું વ્યક્તિત્વ મહત્વનું હોય છે. જો અનાયા સારા સ્વભાવની હોય, તો મને બીજું કંઈ જાણવાની જરૂર નથી.' આ વાંચીને અનાયા થોડા સમય સુધી સ્ક્રીન તરફ જોતી રહી. પછી તેણે ધીમેથી ફોન નીચે મૂકી દીધો. થોડા સમય પહેલાં ગુસ્સામાં બોલેલા પોતાના શબ્દો જાણે રૂમમાં ગુંજી રહ્યા હોય એમ લાગ્યું. 'મમ્મી…' રમાબેન તેની તરફ જોઈ રહ્યા.
અનાયા ઊભી થઈ, રમાની બાજુમાં બેસી ગઈ અને તેમનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. 'મમ્મી, મને માફ કરી દો. હું આપને મનફાવે તેમ બોલી ગઈ.'
રમાબેને તેના માથા પર હાથ ફેરવ્યો. 'બેટા, માફી શેની?' જવાબમાં રમાબેને તેને પોતાની તરફ ખેંચી લીધી. મનહરભાઈએ ચશ્માં ઉતારીને આંખના ખૂણા લૂછી લીધા અને હળવેથી કહ્યું, 'ચાલો, હવે આ વાત અહીં પૂરી.'
થોડા દિવસ પછી અનાયાએ અંશુ સાથે પોતાની ઓળખથી વાત શરૂ કરી. શરૂઆતમાં તેને સંકોચ થતો હતો. પરંતુ અંશુ ખૂબ સરળ અને સંવેદનશીલ હતો. તે ક્યારેય અનાયાના ભૂતકાળ વિશે ખોદકામ કરતો નહોતો. એક દિવસ અંશુએ પૂછયું, 'તને સૌથી વધારે ડર કઈ વાતનો લાગે છે?'
અનાયાએ જવાબ આપ્યો, 'ફરીથી કોઈ મને નકારી કાઢે તેનો.'
અંશુએ લખ્યું, 'હું તો તને ઓળખવા આવ્યો છું, જજ કરવા નહીં.' આ વાક્ય વાંચીને અનાયાના ચહેરા પર લાંબા સમય પછી સાચું સ્મિત આવ્યું.
ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા વધી. પછી ફોન પર વાતો શરૂ થઈ. પછી મુલાકાત થઈ. અંશુનો સ્વભાવ જોઈને અનાયાને લાગ્યું કે કદાચ જીવન તેને બીજી તક આપી રહ્યું છે.
એક દિવસ અંશુ તેના માતાપિતા સાથે અનાયાના ઘરે આવ્યો. ઘરમાં હાસ્ય અને આનંદનો માહોલ હતો. બધાંની સંમતિથી સંબંધ નક્કી થયો. જે દિવસે સગાઈ થઈ તે દિવસે રમાબેનની આંખોમાં ખુશીના આંસુ હતાં.
અનાયાએ ધીમેથી કહ્યું, 'મમ્મી, આ બધું તમારા પ્રતાપે જ થયું છે.'
રમાબેને હસીને કહ્યું, 'ના બેટા, આ તો ભગવાનની કૃપા છે.'
લગ્નનો દિવસ આવી ગયો. મંડપમાં અનાયા અને અંશુ એકબીજાની બાજુમાં બેઠા હતા. ફેરા ફરતી વખતે અનાયાની નજર પોતાના માતાપિતા પર પડી. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેઓએ તેની ખુશી માટે મહિનાઓ સુધી મહેનત કરી હતી. ક્યારેક સાચો પ્રેમ પ્રેમી પાસેથી નહીં, પરંતુ માતાપિતાની નિ:સ્વાર્થ લાગણીમાંથી મળે છે.
લગ્ન પૂર્ણ થયા પછી વિદાયનો સમય આવ્યો. અનાયા રમાબેનની સામે આવીને થોડી ક્ષણ ઊભી રહી. પછી બાળપણની જેમ તેમના ખભા પર માથું મૂકી દીધું. રમાબેને તેના વાળ સરખા કર્યા અને હાથમાં ચુપચાપ એક નાનો રૂમાલ સરકાવી દીધો.




