મિ. સમાધાનીનો આપઘાત !!!
- સંવેદનાના સૂર- નસીર ઈસમાઈલી
વિના અધિકારે આવું સંબોધન કરવા માટે યશરાજ ક્ષમા કરે, કોઈ જ્યોતિષિએ નાનપણમાં મારી ચૌડી પેશાની અને મોટું માથું જોઈ મારા બાપુજીને કહેલું, આ છોકરો આગળ જતાં સિધ્ધિ અને પ્રસિધ્ધિ બંને મેળવશે
મિ. યાવચ્ચંદ્ર ડી. સમાધાની, છેવટે તમે આપઘાત કરવાનો નિર્ણય લઈ જ લીધો. આખું મકાન ઘસઘસાટ ઊંઘતું હતું. મકાન એટલે છતી માએ મા વિનાના બે બાળકો, અને છીંકણી સૂંઘતા સૂંઘતા બ્લડપ્રેશરની ગોળીઓ ગળી ઊંઘી ગયેલા જર્જરિત તમારી વૃધ્ધ માતા. પહેલાં તમે એ મકાનને 'ઘર'ના નામે ઓળખતા. આપઘાતનો નિર્ણય લીધા પછી બાકીની વિધિઓ બહુ થોડી હતી. પ્રૉ. ફંડ - ગ્રેજ્યુઇટીના નોમિનેશન્સ ચેક કરી લીધા. સેન્ટ્રલ બેંકના સેવિંગ્સ ખાતામાં ૧૩૧૩ રૂપિયાનું બેલેન્સ હતું એની પાસબુક અપ-ટૂ-ડેટ ભરાવીને રાઇટીંગ ટેબલ પર મૂકી દીધી. જુનાં છાપાં - સામયિકોનાં સાચવી રાખેલાં કટીંગો ફાડીને ફેકી દીધાં. થોડાંક પુસ્તકો હતાં એ લાયબ્રેરીમાં ભેટ આપી દીધાં, જેમાં કામૂના 'આઉટ સાઇડર'નો પણ સમાવેશ પણ થતો હતો.
સગાં-સંબંધીઓના કાંટાળા જંગલથી તો તમે સદા દૂર રહ્યા છો યાવચ્ચંદ્ર. તમારે મિત્રો છે, પણ અડધી ચ્હા સાથે પીને તમારી હાલતની મજાક ઉડાવનારા, જો તમને ખબર હતી, તમારી સ્મશાન યાત્રામાંથી એ સૌ સીધા મૅટિની શોમાં જવાના. હા ! એક સિધ્ધીને પત્ર લખવો જરૂરી હતો. કેમ કે નજીક હોવા છતાં તે તમારાથી દૂર હતી, અને દૂર હોવા છતાં દિલની ધડકન જેટલી નજીક... અને તમે લખતા ગયા...
પ્રિય સિધ્ધિ,
વિના અધિકારે આવું સંબોધન કરવા માટે યશરાજ ક્ષમા કરે, કોઈ જ્યોતિષિએ નાનપણમાં મારી ચૌડી પેશાની અને મોટું માથું જોઈ મારા બાપુજીને કહેલું, આ છોકરો આગળ જતાં સિધ્ધિ અને પ્રસિધ્ધિ બંને મેળવશે. આવતીકાલે ઈચ્છામૃત્યુની સિધ્ધિ પ્રાપ્ત થવાની છે અને એ પછીના દિવસે બેસણાંની જાહેરાત દ્વારા પ્રસિધ્ધિ !
હા સિધ્ધિ, યશરાજ સાથેનાં તારા લગ્ન પછી સુરભિએ મારી જિંદગીને ગતિશીલતા બક્ષી હતી. પણ સુરભિ ડાઈવોર્સ લઈને ચાલી ગયા બાદ આજે મારી સ્થિતિ ગેસ ચેમ્બરમાં પુરાયેલા કેદી જેવી છે. એમાંથી નીકળવાનો કોઈ જ રસ્તો નથી. અને કોઈ જ રસ્તો ન હોય ત્યારે એક જ રસ્તો હોય છે - મૌતનો. અટૂલો અટૂલો સમયના બોગદામાં ઉઝરડાતાં ઉઝરડાતાં ઘસડાવાને બદલે આપઘાત કરીને ઝડપથી એમાંથી પસાર થઈ જવાનો નિર્ણય મેં લઈ લીધો છે.
મારા આપઘાતનો આઘાત શમે તે પહેલાં તું અને યશરાજ મળી છોકરાંઓને તારે ત્યાં લઇ જજો - હોસ્ટેલ લાઇફ જીરવવા જેવડાં એ થાય ત્યાં સુધી. માતો આમ પણ બીમાર છે. મા નો છોકરાંઓનો ખર્ચ થોડા વર્ષ નીકળી શકે એટલી વ્યવસ્થા તો મારા વીમા, પ્રો. ફંડ અને ગ્રેજ્યુઇટીમાંથી થઈ જશે. બસ એટલે આટલો આખરી અહેસાન કરજે. કરીશ એટલો ભરોસો છે એટલે તો આંખમાં તારી તસવીર અને બે હોઠ પર તારું નામ સજાવી શાંતિથી આ નાકામયાબ શરીરને છોડી શકીશ.
- ચંદ્ર
ને ગઇકાલની જ વાત છે. રવિવારની સાંજનો ઠંડો ભીનો પવન રંગીન પાલવોમાંથી સરસરતો કાંકરિયાની પાળ પર ફરફરતો હતો ને તમે મને મળી ગયા. કદાચ આપઘાતની સંપૂર્ણ તૈયારી સાથે જ તમે નીકળ્યા હતા. મેં તમને પૂછ્યું 'અરે ? મિ. સમાધાની તમે રવીવારની રંગીન સાંજે કાંકરિયાની પાળે ? ક્યા બાત હૈ ? ફરવા ? 'ના, આપઘાત કરવા !' એ કહેંતી વેળા તમારો ચહેરો, એટલો ગંભીર હતો કે તમારા સ્માર્ટ તાલી મિત્રો હાજર હોત તો જોઇને હસી પડયા હોત.
'જાવ યાર' મેં તમને કહેલું, 'પણ જિંદગીની જેલ તોડીને કોઇ કેદી કાયમ માટે નાસી જઈ શક્યો છે ખરો? ઉપરવાળાએ આપેલી રીટર્ન ટિકિટ ફાડી નાંખવાની સજા બહુ ભયંકર છે. ફરી જન્મવું પડશે ને જિંદગીની જેલની બાકી રહેલી સજા ઉપરાંત જેલ તોડવાની સજાય. ભોગવવી પડશે, બીજા કેટલાય જન્મો સુધી એ વધારામાં.' ને એ સાંભળી તમે હેમ્લેટની હેલ્મેટ ઓઢી ઊભા રહી ગયેલા.
મિ. સમાધાની ! આ વાંચનારને થશે, પછી તમારા આપઘાતના કોઇ સમાચાર નથી. ક્યાંથી હોય ? કારણ કે સરેરાશ સમાધાનોથી સળગતી જિંદગીની જેલની સજા વ્યાજ સાથે ફરી ભોગવવાની આવશે, એ વિચાર માત્રથી જ કમકમી જઇને મૃત્યુ સાથે સમાધાન કરી બાકી રહેલી જિંદગીની સજા પૂરી કરવા તમે આપઘાતના ઓવારેથી પાછા ફરી ગયા છો, મિ. યાવતચંદ્રદિવાકર સમાધાની !!!