Shatdal

ધર્મ આપ-લેની જણસ નથી

By GS Team
7 Jul 20263 mins read
ધર્મ આપ-લેની જણસ નથી

અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
પરમેશ્વર, આત્મા કે પરમાત્મા છે કે નહીં એ અનુભૂતિ કે માન્યતા કોઈ જ વ્યક્તિ આપણા પર લાદી શકે નહીં. એ તો જાતે શોધ કર્યે જ થાય

કો ઈના ચિત્તમાં એના પ્રિય પાત્રની, આદર્શ પાત્રની ઝંખના તમે બહારથી રોપી શકો ? જે તરસ્યો ન હોય એનામાં તરસ તમે પ્રેરી શકો ? કોઈના પર તમે તમારી કલ્પના મુજબનું સ્વપ્ન થોપી શકો ? અરે, તમે ડોક્ટર, એંજીનીયર, પત્રકાર કે વકીલ હો તો તમારી સાથે આખું બાળપણ ગુજારનાર તમારાં પોતાનાં સંતાનની પોતીકી ઝંખના ભૂંસીને તમારી ઝંખનાનાં બીજ રોપી, એનું વૃક્ષ બનાવી શકો ? દાખલા તરીકે શ્રેષ્ઠ કાયદાશાસ્ત્રી બનવાનું તમારૃં સ્વપ્ન હોય, ને તમારૃં બાળક વિમાન-ચાલક બનવાનું સ્વપ્ન જોતું હોય તો તમારૃં થોપેલું સ્વપ્ન એનાં ચિત્તમાં વિકસી શકે ખરૃં ?
અધ્યાત્મ, ધર્મ, ઈષ્ટદેવની પસંદગી, ઉપાસનાનો માર્ગ આ બધું જ વ્યક્તિગત સ્વપ્ન-પ્રદેશની મર્યાદામાં આવી જાય છે. તમે પગારવધારો, નોકરીની તકલીફો, સામાજિક મુંઝવણો, જેવી બાબતો માટે ''ટ્રેડ યુનિયન'' રચી શકો, પણ સ્વપ્ન જોનારા, ઝંખના સેવનારાનાં યુનિયન રચી, એમને એક લાકડીએ હાંકવાની વાત બેવકૂફીભરી છે.
જે ક્ષણે કોઈ વ્યક્તિની અનુભૂતિને સંપ્રદાય કે રાસડાનાં વર્તુળનું રૂપ આપવાનો, એ અનુભૂતિને કાયમી ઈમારતનું, પરંપરાનું, બંધારણનું, સામાજિક જ્ઞાતિવાદના પર્યાયનું રૂપ અપાય, તે ક્ષણ જ પેલી મૂળ અનુભૂતિની કબર ખોદવાની ક્ષણ હોય છે, કારણ કે પછી તમે એવો દાવો કરો છો કે અમુક શબ્દો, અમુક બંધારણ, અમુક રીતભાત, અમુક પદ્ધતિ અપનાવવાથી પેલી ''અનુભૂતિ'' શક્ય બનશે. આજે હાલત એ હદે હાસ્યાસ્પદ બની ગઈ છે કે આપણે ''આત્મજ્ઞાન''ને પણ એક જણસ બનાવી દીધી છે. આ બેવકૂફી, આ આત્મવંચના માટે જેટલા ગ્રાહકો મળે છે એટલાના દશમાભાગના ગ્રાહકો પણ સત્યનો, મનોવિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો સ્વીકાર કરનારા મળતા નથી.
આપણા જમાનામાં ધર્મ, અધ્યાત્મને બહારથી થોપવાનું કેટલું ખતરનાક પરિણામ આવ્યું છે એ જાણવું હોય તો સંત બાલજીથી માંડી, મહાન સાધક અમરેન્દ્રવિજયજીથી માંડીને ઓશો રજનીશજી સાથે રૂઢિચુસ્તોએ કેવો અન્યાય કરેલો એ દાખલા તાજેતરના ઈતિહાસમાં મોજૂદ છે. મહાન દાર્શનિક અને મહામંત્ર નવકારસાધક અમરેન્દ્રવિજયજીએ પોતાનો ગ્રંથ રમણ મહર્ષિને અર્પણ કર્યો તેમાં તો જાણે તેમણે ઘોર પાપ આચર્યું હોય એવો પ્રત્યાઘાત દર્શાવવામાં આવેલો ! તમે કોઈપણ સંસ્થાબદ્ધ ધર્મ, સંપ્રદાય કે ધર્મનાં મહોરાં હેઠળના નકરા જ્ઞાતિવાદને તપાસો તો મૂળમાં એક કેન્સરનું સર્વનાશી બીજ નજરે પડશે : આ કેન્સરના કોષ જેવી માન્યતા છે : ધર્મતત્વ, ધર્મઝંખના, અધ્યાત્મનું સ્વપ્ન બહારથી, અન્ય દ્વારા થોપી શકાય એવી બેવકૂફીભરી, મનોવિજ્ઞાન વિરૂદ્ધની, અવૈજ્ઞાનિક માન્યતા. પરમેશ્વર, આત્મા કે પરમાત્મા છે કે નહીં એ અનુભૂતિ કે માન્યતા કોઈ જ વ્યક્તિ આપણા પર લાદી શકે નહીં. એ તો જાતે શોધ કર્યે જ થાય.
તમે ખરેખર જિજ્ઞાસુ છો ? કશુંક દિવ્ય શોધી રહ્યા છો ? તો સાંપ્રદાયિક, કહેવાતી ધાર્મિક ઘેલછામાંથી જેટલા વહેલા બહાર આવશો એટલા વહેલા સર્વનાશમાંથી બચી શકશો.