Shatdal

ફૂલ જેવી એ પરીની યાદમાં લાગણીવશ આંખ ભીની થાય છે

By GS Team
8 Sep 202611 mins read
ફૂલ જેવી એ પરીની યાદમાં લાગણીવશ આંખ ભીની થાય છે
  • યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
  • જટાદાદાએ ચિડાઈને ટણીથી કહ્યું કે લઈ જાવ આ તમારા ભાણિયાને - મારા આ ભત્રીજાને આજ પછી ક્યારેય આ ગામમાં ના મોકલતા. બસ, હું મરું ત્યારે મોઢું જોવા એને મોકલજો…'

સ વારે સાત વાગ્યે હૈદ્રાબાદની હવામા ંગુલાબી ઠંડક હતી. ડાઈનિંગ ટેબલ પર બટાકાપૌઁઆ અને ચાની મહેફિલ-દર રવિવારે સવારની જેમ-જામી હતી.
સિત્તેર વર્ષના સતીષભાઈ, પાંસઠ વર્ષના એમના પત્ની સ્મિતાબહેન, બેંતાળિસ વર્ષનો ચિરાગ અને ચાલીસ વર્ષની એની પત્ની ચંદ્રિકા - ચારેયની વચ્ચે હસી-મજાકની વાતો ચાલતી હતી. ચિરાગ અને ચંદ્રિકાના બંને પુત્રો તો હજુ બેડરૂમમાં આરામથી ઊંઘતા હતા.
થોડે દૂર ટિપોઈ પર સતીશભાઈનો મોબાઈલ રણક્યો. ચંદ્રિકાએ ઊભા થઈને એ મોબાઈલ લાવીને સતીશભાઈના હાથમાં આપ્યો. સ્ક્રીન પર સાવ અજાણ્યો નંબર હતો.
'હલ્લો… કોણ બોલો ?' સતીશભાઈએ પૂછ્યું. એ પછી સામા છેડેથી જે કહેવાતું હતું એ સાંભળતી વખતે સતીશભાઈનો ચહેરો એકદમ ગંભીર બની ગયો હતો. એને લીધે સ્મિતાબહેન, ચિરાગ અને ચંદ્રિકા જિજ્ઞાસા અને આશ્ચર્યથી એમની સામે જોઈ રહ્યાં હતાં.
સામેથી જે કહેવાયું એના જવાબમાં સતીશભાઈ બોલ્યા. 'તમે જરાયે ચિંતા ના કરતા. આવા પ્રસંગે બધી જૂની વાતો ભૂલી જવાની હોય..' સામેની વ્યક્તિને ધરપત આપતા હોય એમ સતીશભાઈએ આગળ કહ્યું. 'અત્યારે સવારના સવા સાત વાગ્યા છે. હું ચિરાગને કહી દઉં છું. સાંજના પાંચ વાગ્યા સુધીમાં એ ત્યાં પહોંચી જશે. ચિંતા ના કરતા.'
આટલું કહીને એમણે ફોન મૂક્યો ત્યારે ત્રણેય શ્રોતાઓની જિજ્ઞાસા વધુ તીવ્ર બની ગઈ હતી. કોનો ફોન હશે ? શી વાત હશે ?
'ચિરાગ, ગેટ રેડી !' સતીશભાઈના અવાજમાં પ્રેમભર્યો આદેશ હતો. 'ફટાફટ ટ્રાવેલ એજન્ટને ફોન કરીને અમદાવાદ જતી પહેલામાં પહેલી ફ્લાઈટની ટિકિટ બૂક કરાવી દે…' ચંદ્રિકા સામે નજર કરીને એમણે ઉમેર્યું. 'ચંદ્રિકાની ઇચ્છા હોય તો એને પણ સાથે લઈ જજે. તમારા બંને ટેણિયાઓને ત્યાં ગામડા ગામમાં નહિં ફાવે, એટલે એ બંને તો અહીં અમારી સાથે રહેશે…'
એમની વાતમાં કંઈ ટપ્પી પડી નહોતી એટલે ચંદ્રિકા ગૂંચવાડા ભરેલી નજરે ચિરાગ સામે તાકી રહી હતી. ખુદ ચિરાગ પણ
ગૂંચવાયો હતો.
'ચિરાગ, તારા જટાશંકરદાદાની અંતિમ પળો ગણાઈ રહી છે. એકાદ-બે દિવસના જ એ મેમાન છે. મેં વચન આપેલું એ પાળવાની મારી ફરજ છે, એટલે તારે તાબડતોબ રતનપુર જવું પડશે…'
સતીશભાઈ બોલી રહ્યા હતા અને ચંદ્રિકા ગૂંચવાઈ રહી હતી. એનો ખ્યાલ આવ્યો એટલે ચિરાગને ટિકિટ માટે ફોન કરવાની ફરીથી સૂચના આપીને એમણે ચંદ્રિકા સામે જોયું.
'બેટા, તારી મૂંઝવણ સમજું છું પણ તને આ ઇતિહાસની ખબર નથી. સાંભળ…' સતીશભાઈએ એને સમજાવ્યું. 'રતનપુર ખોબા જેવડું ગામડું છે. ચિરાગની મમ્મી એટલે મારી એકની એક બહેન. એ બહેન અને બનેવી રતનપુરની પ્રાથમિક શાળામાં શિક્ષક હતાં. ચિરાગ બારમા ધોરણમાં હતો ત્યારે એનો અભ્યાસ ના બગડે એ માટે એને ગામમાં જ મૂકીને મારા બહેન-બનેવી ઉત્તરાખંડની યાત્રાએ ગયા હતા. સ્કૂલના બીજા શિક્ષકો પણ એમની સાથે હતાં. અલમૌડા પાસે એમની બસ ખીણમાં પડી અને એમાં એ બંને અવસાન પામ્યાં.'
એમના અવાજમાં વેદના ઉમેરાઈ. 'એ સમયે અહીં હું અને સ્મિતા પણ હતાશામાં ડૂબેલા હતા. છ મહિના અગાઉ અમારો એકનો એક દીકરો એના મિત્રો સાથે વોટરપાર્કમાં ગયેલો. ત્યાં અકસ્માત થયેલો એમાં અમે પંદર વર્ષના દીકરાને ગૂમાવેલો ! રતનપુરથી આ સમાચાર આવ્યા કે તરત હું અને સ્મિતા ત્યાં પહોંચી ગયા. રતનપુરમાં મારા બનેવીના મોટાભાઈ જટાશંકર મહારાજ આજુબાજના દસેક ગામમાં કર્મકાંડનો કારોબાર સંભાળતા હતા.
અમે ત્યાં ગયા અને અમે ચિરાગને જોયો. મા-બાપ વગરના ચિરાગમાં અમને જાણે અમારો દીકરો જ પાછો મળી ગયો હોય એવી લાગણી થઈ, પરંતુ એ મુદ્દે મોટો વિવાદ થયો. જટાશંકરભાઈએ કહ્યું કે ચિરાગ મારા નાનાભાઈની નિશાની છે એટલે એ અહીં ગામમાં મારી સાથે જ રહેશે. એ કર્મકાંડીની આર્થિક સ્થિતિનો મને ખ્યાલ હતો. ચિરાગને કોલેજમાં અભ્યાસ કરાવવાની એમની ત્રેવડ નહોતી. એ તો આ છોકરાને પણ પોતાના કર્મકાંડના વ્યવસાયમાં ખેંચી જવા તત્પર હતા.
હું અને સ્મિતા ચિરાગને લઈ જવા માટે મક્કમ હતા. એમની આર્થિક દશાનો ઉલ્લેખ કરીને મેં કહ્યું કે મારી એકની એક બહેનની આ એકમાત્ર નિશાનીને હું અહીં ગામડામાં સડવા નહીં દઉં, હૈદ્રાબાદમાં એ ખૂબ ભણશે અને મારો બિઝનેસ સંભાળશે…
બધા સગાં-સંબંધીઓની વચ્ચે મેં આવું કહ્યું એટલે જટાદાદાએ ચિડાઈને ટણીથી કહ્યું કે લઈ જાવ આ તમારા ભાણિયાને - મારા આ ભત્રીજાને આજ પછી ક્યારેય આ ગામમાં ના મોકલતા. બસ, હું મરું ત્યારે મોઢું જોવા એને મોકલજો…'
એક સાથે આટલું બોલ્યા પછી સતીશભાઈ લગીર અટક્યા.
'એ પછી આજની ઘડી ને કાલનો દિ… સત્તર વર્ષનો ચિરાગ અહીં આવ્યો એ પછીના ચોવીસ વર્ષમાં એ રતનપુર ક્યારેય ગયો નથી. હવે જટાદાદાની મરવાની તૈયારી છે એટલે ગામના દરબારે વાયા વાયા મારો નંબર મેળવીને મને જાણ કરીને કહ્યું કે જટામહારાજને છેલ્લે છેલ્લે એમના ભત્રીજાનું મોઢું જોવું છે…'
ચિરાગ ફોનાફોની પતાવીને ત્યાં આવ્યો. 'અગિયાર વાગ્યાની ફ્લાઈટ છે. મારી અને ચંદ્રિકાની ટિકિટ થઈ ગઈ છે.'
'થોડા દિવસ રોકાવું પડે તો રોકાજો. હું અહીંનું કામ સંભાળી લઈશ…' સતીશભાઈએ ભાણિયાને કહ્યું. 'તારા જટાદાદાનો દીકરો પણ ભણ્યો નથી. કર્મકાંડ જ કરે છે. રોકડા ત્રીસ-પાંત્રીસ હજાર તારી સાથે લઈ જજે. એને આપી દેજે.'
ચંદ્રિકાએ ઝડપથી બેગ તૈયાર કરી લીધી. એરપોર્ટ ખાસ્સું દૂર હોવાથી નવ વાગ્યે એ ંબંને નીકળી ગયા.
અમદાવાદ એરપોર્ટ પર ઊતરીને ચિરાગે ટેક્સી કરી. રતનપુર ચાલીસ કિલોમીટર દૂર હતું.
ચોવીસ વર્ષ પછી વતનના ગામમાં પ્રવેશ કરતી વખતે ચિરાગના હૈયામાં ભૂતકાળની અનેક સ્મૃતિઓ સજીવન થઈ ઊઠી.
જટાશંકરદાદાનો સાગના સોટા જેવો દેહ સાવ ઓગળીને હાડપિંજર જેવો થઈ ગયો હતો. સગાં-સંબંધીઓની ભીડ હતી. ચિરાગે દાદાના પલંગ પાસે જઈને ચરણસ્પર્શ કર્યો ત્યારે એ વૃદ્ધની આંખ ઝળઝળિયાંથી છલકાઈ ગઈ.
'તું આવ્યો ખરો, બેટા ! હવે મને જમડાની બીક નથી. તને જોવા માટે જ એમને રોકી રાખ્યા હતા.' ચંદ્રિકાએ સાડીના પાલવથી માથું ઢાંકીને એમનો ચરણસ્પર્શ કર્યો ત્યારે લાગણીવશ બનીને એમણે આશીર્વાદ આપ્યા.
ઘર નાનું હતું અને મહેમાનો હતા એટલે પાડોશી પટેલે પોતાની ડેલીના ચાર ઓરડામાં વ્યવસ્થા ગોઠવી હતી. રાત્રે સૌ પરિવાર સાથે જમ્યા પછી ચિરાગ અને ચંદ્રિકા પાડોશની ડેલીમાં ગયા. દિવસભરની દોડાદોડીને લીધે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
પરોઢિયે રોકકળના અવાજથી ંબને જાગી ગયા અને દાદાના ઘેર આવ્યા ત્યારે જટાશંકરદાદા ગુજરી ગયા હતા. ચંદ્રિકા ઘરની સ્ત્રીઓ સાથે રહી. ચિરાગે નનામીને કાંધ આપીને સહુ ડાઘુઓની સાથે સ્મશાન ગયો. રાત્રે ચિરાગ અને ચંદ્રિકા પટેલની ડેલીના એક ઓરડામાં જ હતા.
'મારે ગામમાં મારી વહાલી ઢબુને મળવા જવું હતું, પણ આજે સ્મશાનમાં ગયા પછી કોઈના ઘેર જવાનું યોગ્ય ના લાગે એટલે હવે કાલે ઢબુડીને મળવા જઈશ.'
ચંદ્રિકા ચમકી. 'ઢબુડી ? તમારી વહાલી ઢબુડી ? કોણ છે એ હીરોઈન ?' વ્યંગમાં હસીને એણે ટોણો માર્યો. 'બારમા ધોરણમાં ભણતી વખતે પણ તમે આ ગામડામાં રોમિયોગીરી કરતા હતા ?'
'અરે એ તો હતી જ એવી મીઠડી ! ગોરી ગોરી અને ખિલખિલાટ હસે ત્યારે જાણે ચાંદીની ઘૂઘરીઓ રણકતી હોય એવું લાગે.'
હવે ચંદ્રિકા એકદમ ગંભીર બનીને સાશંક નજરે ચિરાગ સામે તાકી રહી. ચિરાગ ખડખડાટ હસી પડયો. એણે હળવેથી ચંદ્રિકાના માથામાં ટપલી મારી.
'અરે ગાંડી ! ચિંતા ના કરતી. એ ઢબુ એ વખતે સવા વર્ષની હતી ! રૂપકડી ઢીંગલી જેવી. ગોળમટોળ મોઢું, કાળા ભમ્મર લાંબા વાળને ચપોચપ ઓળીને એની મમ્મી શિંગડા જેવી બે ઊભી ચોટલી લેતી હતી. અસ્સલ બાર્બી ડોલ જેવી લાગે!'
ચંદ્રિકા પણ હસી પડી. ચિરાગે આગળ કહ્યું. 'અમારું ઘર તો અહીંથી થોડે દૂર છે. એ વખતે બારમા ધોરણની તૈયારી તડામાર ચાલે. બા અને બાપા તો સાંજ સુધી નિશાળમાં હોય. એ વખતે ઘરમાં રસોઈ ચૂલી ઉપર બનતી હતી અને ચા પ્રાઈમસ ઉપર. પણ મન ેએ ના આવડે. અમારી અડોઅડ વિનુભાઈ અને વાસંતીબેન રહેતા હતા. આ ઢબુડી એટલે એમની દીકરી. સાચું નામ તો એની વિદ્વાન ફૈબાએ વસુંધરા રાખેલું પણ અહીં ગામડામાં એ નામ કોને ફાવે ? બધું ઢબુડી જ કહે.
વિનુભાઈ અને વાસંતીબેનને મારા ઉપર સગા દીકરા જેવું વહાલ. બપોરે એમને ત્યાં ચા બને ત્યારે રોજ મને બૂમ પાડે. ફ્રેશ થવા માટે હું એમના ઘેર જાઉં અને ચા પીવાની સાથે અર્ધો કલાક ઢબુની સાથે ગમ્મત કરું…'
ચંદ્રિકા ધ્યાનથી સાંભળતી હતી. ચિરાગ ઉત્સાહથી ભૂતકાળ યાદ કરતો હતો.
'સવા વરસની એ ટેણકી જબરી રમતિયાળ ! શબ્દો પકડીને એની નકલ કરે. મારું આખું નામ કે આવ્યા એવું બોલતા ના આવડે એટલે હું એમના ઘેર પગ મૂકું કે તરત એનો ચહેરો ખીલી ઊઠે. 'ચિ આઈ…' એના મા-બાપ સામે જોઈને એ રાજી થઈને બે-ત્રણ વાર આવું બોલે. અમે ત્રણેય હસીએ એટલે એને ચાનક ચડે. એના શબ્દકોશમાં જે ગણતરીના શબ્દો એ સાંભળીને શીખી હોય એ મારી સામે જોઈને બોલે… બા, બાપા, બટાકા, ભીંડા, પાણી મમ મમ… આવું બોલીને અમારી સામે જોઈને જોઈને મીઠું હસે.'
ચોવીસ વર્ષ અગાઉનો ભૂતકાળ યાદ કરતી વખતે ચિરાગના અવાજમાં લાગણીની ભીનાશ ભળી હતી.
'હું એને રોજ નવી નવી રમત શીખવું. રાધે રાધે, ચાંદાપોળી જેવું મેં જ શીખવેલું. એટલે હું જાઉં ત્યારે જાણે એને એ આવડી ગયું હોય એમ રાધે રાધે કરે, હથેળીમાં બીજા હાથની આંગળીઓ ફેરવીને મને બતાવે કે જાણે એને એ આવડી ગયું છે. આ બધી રમત કરતાંય છેલ્લે છેલ્લે તો ડગુ મગુ ચાલતા શીખતી હતી ત્યારે ઢબુ ચાલો ધબ કરો… એ રમતમાં એને સૌથી વધુ મજા આવતી. એ ખીલી ઊઠતી… એના ઘરમાં ભીંતની અડોઅડ એક મોટો પલંગ હતો. ઢબુની એ પ્રિય જગ્યા. મેં એ રમત શીખવી એ પછી તો હું જાઉં કે તરત એ આશાભરી નજરે મારી સામે જોઈને પલંગ તરફ આંગળી ચીંધે. હું એને ઊંચકીને પલંગ પર મૂકી દઉં એ પછી એનો ખેલ શરૂ થાય. એના મા-બાપ પણ આવીને મારી પાસે ઊભા રહી જાય. મારી સામે ચાલીને ઢબુ ચાર પગે ચાલીને ભીંત પાસે પહોંચે. ભીંતનો ટેકો લઈને ઊભી થાય અને પછી એકાદ ડગલું ચાલીને થે થે ઊભી રહીને મારા આદેશની રાહ જુએ. હું કહું કે ઢબુ ચાલો ધબ કરો… તરત જ એ ધબ દઈને ગાદલામાં પડતું મૂકે ! પછી પાછી ઊભી થઈને ચાર પગે ચાલીને ભીંત પાસે પહોંચી જાય. ઊભી થાય અને એક ડગલું ચાલીને થે થે ઊભી રહીને મારી સામે નજર કરે. ઢબુ ધબ કરો.. હું કહું કે તરત જ ધબ દઈને પડતું મૂકે ! અમે ત્રણેય હસીએ એટલે એ વધારે ખીલે અને આ રીતે થાકે નહીં ત્યાં સુધી વીસ-બાવીસ વાર ધબ દઈને પડતું મૂકે… બસ, આ બધું ચાલતું હતું એ જ વખતે બા-બાપા ઉત્તરાખંડની યાત્રાએ ગયા. ગામમાં જટાશંકરદાદાનું ઘર હતું એ છતાં વિનુભાઈ અને વાસંતીબહેનને ત્યાં જ હું જમતો અને ઢબુ મારી સાથે મારી થાળીમાં જમતી. પૂરી દાઢ આવી નહોતી એટલે દાળમાં મસળીને રોટલીનો સાવ નાનકડો ટૂકડો હું એના મોંમાં મૂકું ત્યારે એ ખુશ થઈને તાળીઓ પાડતી. જમ્યા પછી પલંગ ઉપર દરરોજ ઢબુ ધબ કર… નો ખેલ ચાલે.. પણ એ જ દિવસોમાં અકસ્માતના સમાચાર આવ્યા. હું અનાથ થઈ ગયો અને મામા મને હૈદ્રાબાદ લઈ ગયા…'
લગીર અટકીને એણે ચંદ્રિકા સામે જોયું. 'કાલે બપોરે જમ્યા પછી વિનુભાઈના ઘેર જઈશું. ચોવીસ વર્ષ પછી ઢબુ જોવા મળશે. કદાચ પરણી ગઈ હશે તો એ સાસરે પહોંચી ગઈ હશે.'
બીજા દિવસે ચિરાગે પ્રેમથી આગ્રહ કરીને જટાદાદાના દીકરાના હાથમાં પાંત્રીસ હજાર રૂપિયા પકડાવી દીધા ત્યારે પેલાની આંખમાં ઝળઝળિયાં ઉભરાઈ ગયાં.
જમ્યા પછી ચિરાગ અને ચંદ્રિકા વિનભાઈના ઘેર જવા નીકળ્યા. 'આ અમારું ઘર હતું…' જોડેનું ઘર બતાવીને ચિરાગે કહ્યું. 'મને હૈદ્રાબાદ લઈ ગયા પછી મામાએ એ વેચી દીધેલું.'
અડોઅડ વિનુભાઈના ઘરની ડેલી બંધ હતી. ચિરાગે સાંકળ ખખડાવી એટલે વાસંતીબહેને બારણું ખોલ્યું. બંનેની સામે થોડી સેકન્ડ તાક્યા પછી એમણે ચિરાગના માથે હાથ મૂક્યો.
'ચિરાગિયા, કેટલા વર્ષે અમારી ખબર પૂછવા આવ્યો ?' એમણે ચંદ્રિકાનો હાથ પકડીને બંનેને આવકાર આપ્યો.
અંદર ઓસરીમાં ખાટલા ઉપર બંનેને બેસાડયા પછી વાસંતીબહેન એમની સામે નીચે જ બેસીગયા. 'ચિરાગિયા, સાચું બોલ. વાસંતીમાસી ને વિનુમાસાની તને યાદ નહોતી આવતી ? અમને તો તું સાવ ભૂલી ગયો…'
'તમારા બંનેથી વધારે તો એમને ઢબુની યાદ આવતી હતી…' ચંદ્રિકાએ હસીને કહ્યું. 'કાલે રાત્રે ઢબુની બધી વાતો મને કહેલી. ઢબુ છે ક્યાં ? હવે તો પરણી ગઈ હશે ને ?'
બે હાથ વચ્ચે માથું પકડીને વાસંતીબહેન ધૂ્રસ્કે ધૂ્રસ્કે રડી પડયાં. ચિરાગ અને ચંદ્રિકા સ્તબ્ધ બનીને એમની સામે તાકી રહ્યાં.
'ભગવાને આંખના રતન જેવી એ દીકરી આપી હતી અને એણે જ પાછી બોલાવી લીધે ! નિ:સાસો નાખીને વાસંતીબહેને આકાશ તરફ આંગળી ચીંધી. 'દસ મહિના પહેલાં જ એ ગાંડીએ અમારી વિદાય લઈ લીધી…' ધૂ્રજતા અવાજે આટલું કહીને એ ફરીથી રડવા લાગ્યાં. ચિરાગે ઊભા થઈને રસોડામાંથી પાણીનો ગ્લાસ લાવીને એમના હાથમાં આપ્યો.
પાણી પીધા પછી વાસંતીબહેન લગીર સ્વસ્થ થયા.
'ઢબુને શું થયું હતું ? એક્સિડન્ટ કે હાર્ટએટેક ?' સંકોટ સાથે ચિરાગે પૂછ્યું. એ પોતે પણ પારાવાર પીડાથી પીડાતો હતો.
'કંઈ કીધાની વાત નથી, દીકરા ! અમારા નસીબ જ ફૂટી ગયા ! ઢબુ તેર વરસની થઈ ત્યારે પગની આંગળીઓ ઉપર સફેદ ડાઘા દેખાયા. પહેલા તો બહુ દરકાર ના કરી, પણ ડાઘ વધી ગયા ત્યારે અમદાવાદ જઈને ડૉક્ટરને બતાવ્યું. ઢબુને કોઢ છે એવી ખબર પડી પછી એ મટે એ માટે યાદ આવ્યા એટલા ભગવાન અને માતાજીની બાધાઓ રાખી, પણ પછી તો ભગવાન ઉપરથી યે વિશ્વાસ ઉઠી ગયો…'
વારંવાર ડૂસકાં ભરીને વાસંતીબહેન બોલી રહ્યાં હતાં.
'સત્તર વર્ષની થઈ ત્યારે તો કપાળમાં, કોણી ઉપર અને બેય આંખની પાંપણ ઉપર કોઢ દેખાવા લાગ્યો. કોઈ ઉપાય જ હતો નહીં. મને વળગીને એ રડે એટલે હું ય રડું. મા-દીકરી એકબીજાના વળગીને રડીએ પણ કોઢ તો વધતો જ જતો હતો.
જ્ઞાતિમાં અમારું ઘર ઊંચું ગણાય એટલે મનમાં તો ઘણીય હોંશ હતી કે સારું ઘર શોધીને ધામધૂમથી ઢબુને સાસરે વળાવીશું, પણ કોઢની વાત ફેલાયા પછી કોઈ મુરતિયાના મા-બાપ આ બાજુ ફરકતા નહોતા.
એક એન્જીનીયર મુરતિયો આવેલો એણે ઢબુને જોઈને જ ના પાડી દીધી. એક માસ્તર સાવ શામળો હતો. એ જોવા આવવાનો હતો ત્યારે આશા બંધાણી હતી, પણ એ કાળિયાએ પણ ચા-નાસ્તો કરીને ના પાડી દીધી.
છ-આઠ મહિને આવી રીતે એકાદ રહી ગયેલો મુરતિયો આવે પણ ના પાડીને જતો રહે એ આખી રાત ઢબુ રડયા કરતી.
દસ મહિના પહેલા મેટ્રિક નાપાસ એક પટાવાળો આવેલો. એણેય ના પાડી ત્યારે તો ઢબુ આખી રાત એવું રડેલી કે મારું હૈયું વલોવાઈ ગયેલું…'
નિ:સાસો નાખીને એમણે ચિરાગ સામે જોયું. 'એ નાની હતી ત્યારે તું એને રમાડતો હતો ને ? ઢબુ ચાલો ધબ્બ કરો… એ રમત તો તને યાદ છે ને ? બીજી રાત્રે અમે ઊંઘી ગયા પછી ઢબુ ગામને પાદર ભમ્મરિયા કૂવા પાસે ગઈ અને ધબ્બ કરીને કૂવામાં કૂદી પડી ! ઢબુએ ધબ કર્યું ને અમારું જીવન કાળુંધબ્બ બની ગયું !'
ભીની આંખે વાસંતીબહેન બોલી રહ્યાં હતાં અને ચિરાગ ધૂ્રસ્કે ધૂ્રસ્કે રડી પડયો.
(શીર્ષક પંક્તિ : લેખક)