બડો ભાગ માનુષ તનુ પાવા !

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- ભારતીય તત્ત્વજ્ઞાન ક્યારેક વિરોધોથી વિસ્તરતું જણાય, પણ એ વિરોધોમાં જ સમજના સંકેત નિહિત હોય છે.
'નિ ત્ય' અને 'અનિત્ય' જેવી સંજ્ઞાઓને આપણે કંઈક વધુ પડતા આધ્યાત્મિકતાના ગેરુ રંગથી રંગી દીધી છે. કેટલાકે તેમાંથી વૈરાગ્યબોધ તારવ્યો છે. કેટલાકે વળી જીવનનું અને જગતનું બંનેનું કચરિયું કરી નાખ્યું છે. જાણે કે અહીં જન્મવું- મરવું અને વચ્ચે જીવવું બધું અર્થહીન છે. ખરું તો એ છે કે આ બંને સંજ્ઞા પરસ્પરને પૂરક છે. કોઈકને અવળવાણી જેવું લાગે તો પણ મારે કહેવું જોઈએ કે નિત્ય એ જ અનિત્ય અને અનિત્ય એ જ નિત્ય. કઈ રીતે સમજીએ છીએ અને 'અનિત્ય'ને કયા ખૂણેથી જોઈએ છીએ તે છે. હા, ભારતીય તત્ત્વજ્ઞાન ક્યારેક વિરોધોથી વિસ્તરતું જણાય, પણ એ વિરોધોમાં જ સમજના સંકેત નિહિત હોય છે.
આપણા ઋષિઓએ ગાયું કે સઘળું દેવનું કાવ્ય છે. એને નીરખી રહો. દેવોનું કાવ્ય એનાં તમામ રૂપો સાથે સૌંદર્ય સભર છે. એને નિહાળ્યા વિના માણસને ચાલે જ કેમ ? એ તો તેનો મસમોટો આનંદકોશ છે. આઈરિશ કવયિત્રી સેસિલ ફ્રાન્સિસ તો તેના એક બાળ કાવ્યમાં ગાઈ-વગાડીને બાળકોને ઈશ્વરના આ વૈભવી સામ્રાજ્યનાં દર્શન કરાવતાં પુષ્પા-પંખીઓ તેમની રંગબેરંગી પાંખો, પહાડો, સરિતાઓ, સૂર્યોદય- સૂર્યાસ્ત- આકાશ- પવન- ઋતુઓ- ઉદ્યાનો વગેરેનાં ઉત્સાહથી પરિચય કરાવી રહે છે. મનુષ્યનો જન્મ અને મૃત્યુ ભલે ઈશ્વરાધીન હોય પણ જન્મથી મૃત્યુ સુધીની યાત્રા તો આનંદભરી છે, સૌંદર્યભરી છે. વેદનાની પણ તેમાં માધુરી છે, સુખ-દુ:ખના દ્વન્દ્વો પણ જીવનના અનેક રંગોની લિજ્જત વચ્ચે મૂકી આપે છે. મનખાવતારનો ખરો જાદુ જ એ છે કે આ યાત્રા તેની છે, માર્ગ તેણે શોધવાનો છે, યાત્રિક અને આનંદ લૂંટનાર એ છે. તુલસીદાસ જરૂર સાક્ષી પૂરશે કે 'બડો ભાગ માનુષ તનુ પાવા' આવું નસીબ તો ઈશ્વરનું ય નથી ! બસ, અહીં જ 'નિત્ય' - 'અનિત્ય'ના તાળાંની ચાવીઓ આપણને પ્રાપ્ત થઇ રહે છે.
આપણા વેદો-ગીતાએ ધર્મ-અર્થ- કામ-મોક્ષની વાત ભારપૂર્વક કરી છે. જીવનમાંથી અહીં પલાયન થવાનું નથી. એ ચારેય પુરુષાર્થ સાથે જાતને જોડવાની છે, નિસબતભરી રીતે જોડવાની છે. જીવન નિર્વાહ માટે કમાવાનું છે, મન માટે આનંદના વિષયો ખોળવાના છે. જીવનરસ માટે સ્વપ્નો- આકાંક્ષાઓ- મહત્વાકાંક્ષાઓ અને તેને સંસિધ્ધ કરવા ઉદ્યમ પણ કરવાનો છે. નિર્વેદ કે નૈરાશ્યનો ત્યાં કશે બોધ નથી. પોતાના શોખ પ્રમાણે ઘર સજવું, એ રીતે જ પોતાની રીતે અહીં જીવન સજવા-શણગારવાનું છે. ત્યાં મોહ- માયા-લગાવ બધું જ છે, રહેવાનું પણ ખરું. પરિવર્તન પણ સતત ચાક લેતું રહે છે. આપણામાં અને સમાજમાં. નવી સમજ, નવો સમય, નવી ચાલ, નવો માર્ગ, અભિનવ ઉપલબ્ધિઓ- આ ચક્ર પણ ગતિમાં રહેવાનું જ છે. પગે ચાલનાર દ્વિચક્રી લાવે, ચતુર્થ ચક્રી લાવે કે આકાશમાં ઉડ્ડયન કરી રહે. આજનો નિર્ધન, કાલે કરોડપતિ પણ બને. ગઈકાલની તેની પ્રકૃતિ આજે બદલાતી પણ જોવા મળે. આ એક સહજ ક્રમ છે. કહો કે મોજ-શોક-પ્રતિષ્ઠા- પદ-સત્તા - વૈભવ - ઉદ્યમ - સિધ્ધિ બધું આપણી આપણે આંકેલી જીવનયાત્રાનો જ હિસ્સો છે. એ ભોગ્ય છે, ત્યાંથી ભાગવાનું નથી. આ નિત્યનો મહાખેલ છે. આવા 'નિત્ય' થી અસ્પૃષ્ટ રહેવાનું નથી. માત્ર એ 'નિત્ય'ને સમજી લેવાનું છે. તેમાં નિબધ્ધ અને છતાં મુક્ત. તેના પ્રત્યે લગાવ અને છતાં અલગતા. મોહ ખરો, પ્રેમ ખરો પણ સીતાની સુવર્ણમૃગ માટેની લાલસા હતી તેવી આસક્તિ નહીં. સર્વ શાસ્ત્રો એક સૂરે કહે છે તેમ, સઘળું ક્ષણમાં વિધ્વંસ પામે તેવું છે, ક્ષણભંગુર છે, કબીર કહે છે તેવું આ પંચતત્વનું પૂતળું છે, ત્યાં આ પછીની ક્ષણ કે આવતીકાલ માટે કશું કહી શકાતું નથી. અર્થાત્ 'નિત્ય' એ સ્થાયી નથી. એને ચોક્કસ અંત છે. મૃત્યુ સાથે બધા જ ઉદ્યમ-ઉધામા શમી જતા હોય છે, ખેલ ખતમ થઈ જતો હોય છે. પણ મૃત્યુ ડરનું નહીં, દિશાનું પ્રતીક બનવું જોઈએ, નિર્વેદ કે ગ્લાનિનું નહીં એ, જીવનભરની જીવંતતાનું- ઉત્સાહનું પરિચાયક બનવું જોઈએ. એટલે 'નિત્ય' અભિમુખ રહીને ક્ષણભંગુરતાને ઓળખવાની છે. અનિત્યતાનો સીધો બોધ જ એ છે કે બધું બદલાતું રહેવાનું છે. આપણે, આપણાં ઉપકરણો, આપણા વ્યવહાર, આપણી સમજ, આપણી પદ-પ્રતિષ્ઠા- સત્તા સઘળું. લાખ રાખ થઇ શકે, કરોડોપતિ રોડ પતિ પણ થઈ જાય, સત્તાના સિંહાસન પરથી ફેંકાયેલો નર્યો તિરસ્કૃત પણ બની રહે. કશું સ્થાયી નથી. મૃત્યુ એ આવા પ્રકારની સમજને વિસ્તારી રહે છે. ક્ષણભંગુરતા અને મૃત્યુ બંને આપણી પાઠશાળા બનવાં જોઈએ. તમે જીવની ક્ષણભંગુરતા કે મૃત્યુથી ભયભીત ન રહો. બલ્કે, તેને અનિવાર્ય સ્થિતિ કે સત્ય લેખીને જે ક્ષણો જીવવાની મળી છે તેમાં પ્રેમ, સહયોગ, માનવ્ય, કરુણા, દયા, મમતાને ઉમેરીને જીવનને વધુ ધન્ય બનાવી રહો. હકીકતમાં આ નશ્વરતા જ આપણને સમ્યક્ જીવન સમજ માટે પ્રેરે છે. આનંદના ઝરા પાસે મૂકી આપે છે, જીવનના સાચા ધબકારને સંભળાવી રહે છે. નિત્યને પ્રેમ કરો અનિત્યને ઓળખીને અને અનિત્યને ચાહી રહો નિત્ય સાથે હૃદયસ્પંદ જોડવા. નિત્ય ઘટનાઓ ઘટવાની છે. શતમુખે જીવન દર્શન દે છે, ખોબલે ખોબલે એ નવાં આશ્ચર્યો - આનંદો આપી રહે છે. પણ બધી વેળા આ બધું અનિત્ય છે એવી સમજ સાથે એક સીમામાં, ખુદના અસ્તિત્વને વિચલિત કર્યા વિના એ માણવાનું છે. બધાંને સૂર્ય-ચંદ્ર કે પ્રકૃતિને પણ-એક અવધિ છે. જે ખીલે છે, તે ખરે છે, જન્મે છે તે મૃત્યુ પામે છે - આ સત્ય જ જીવનને વધુ સારી રીતે માણતાં શીખવે છે. 'નિત્ય', 'અનિત્ય' એમ નિર્વેદની સંજ્ઞાઓ નથી. પણ જીવનને વધુ કળામય બનાવી રહેનાર સત્વ છે. જો એ સંતોની ભાષામાં 'પાણીનો પરપોટો' હોય તો એ 'પરપોટા' માં પણ કેવું કેવું સૌંદર્યભર્યુ ંછે, ક્ષણ માટે પણ તે કેવાં કેવાં પ્રતિબિંબો ઝીલી રહે છે એ ય પામવું રહે. જીવનનાં જેટલાં વર્ષો મળ્યાં છે એ સાચ્ચે જ કિંમતી છે, અમૃતમય છે, એક પળ પણ નિર્રથક ન વહી જાય તે જોવું રહે. દરેક ક્ષણને ઉત્સવ બનાવી મૂકવાની છે. 'અનિત્ય' એ રીતે દીવાદાંડી છે તે માર્ગ બતાવે છે, દિશા ચીંધે છે, 'નિત્ય' ની લીલાને પ્રત્યક્ષ કરી આપે છે. જાગતા રહીને જીવવાનો અમોઘ મંત્ર સંપડાવી રહે છે. સ્થાયીત્વના ભ્રમનું નિરસન એ જ પળેપળના સૌંદર્ય માટેની ઉત્સુકતા જગવી રહે છે. જીવનને આપણા સમયમાં પરિભાષિત કરવા માટે આ બે સંજ્ઞાઓ વધુમાં વધુ ઉપકારક બની રહે છે. અનિત્યને સમજીને નિત્યની સંવેદનાઓની ઉજવણી કરતા રહેવાનું છે. નિત્ય-અનિત્યના બે કાંઠા વચ્ચે જ જીવનની નદી ધસમસતી વહ્યા કરે છે.




