Shatdal

મસાલા ડોસા, ઓવરહેડ શાવર અને નાની-નાની ખુશીઓ

By GS Team
18 Aug 20264 mins read
મસાલા ડોસા, ઓવરહેડ શાવર અને નાની-નાની ખુશીઓ
  • ગેસ્ટ પોસ્ટ
  • ઇતિહાસ સાક્ષી છે કે, માત્ર સુખની છાવણીમાં ઉછરેલા સૈનિકો ક્યારેય જિંદગીનો જંગ જીતી શકતા નથી. ઇતિહાસ હંમેશા તડકામાં તપેલા અને સંઘર્ષની ભઠ્ઠીમાં ઘડાયેલા પગલાંઓએ જ રચ્યો છે…

રે કડી પર પાણીપુરી કે ભેળની એક પ્લેટ, એ પણ મહિને-બે મહિને એકાદ વાર રેસકોર્સ ફરવા લઈ જવાયા હોય ત્યારે. તરુણાવસ્થામાં આ અમારો વૈભવ કે જાહોજલાલી હતી. બહાર જમવું લગભગ વર્જ્ય હતું. જોકે તેના કોઈ ખાસ વિકલ્પો પણ નહોતા.
બાલભવનમાં એક પ્લાસ્ટિકના ટેબલ સાથેની રેસ્ટોરાં જેવું કશું ખૂલ્યું ત્યાં પહેલી વાર મસાલા ડોસા ખાઈને કાયમ ઇકોનોમીમાં મુસાફરી કરતા વ્યક્તિને એમિરેટ્સના બિઝનેસ ક્લાસનું ફ્રી અપગ્રેડ મળ્યું હોય એવી ખુશી થયેલી. ચૌદ વર્ષની ઉંમરે વેરાવળના ઇન્ડિયન રેયોનના ગેસ્ટ હાઉસમાં ઓવરહેડ શાવર પ્રથમ વાર જોઈ આશ્ચર્યના અતિરેક સાથે એક કલાક તેની હેઠળ સ્નાન કરેલું. એ ઉંમરે તોફાનોમાં તો હોમવર્ક ના કર્યું હોય તો સવારે પેટના દુ:ખાવાનું બહાનું કાઢી સ્કૂલે ના જવાનું, કે કોલેજમાં આવ્યા પછી મોનગ શોમાં કોઈવાર ફિલ્મો જોવા જતું રહેવાનું. આ હરકતો કોઈ મહાન સાહસથી ઓછી નહોતી.
નેવુંના દશકની શરૂઆતમાં દેશની અત્યંત કથળી ગયેલી આથક હાલતને કાબૂમાં લાવવા ભારતને વૈશ્વિકરણના દરવાજા ખુલ્લા મૂકવાની ફરજ પડી. અને એ પછી સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાયને વિશ્વ સુંદરીઓના ખિતાબો 'જીતાડી' વિશ્વની કોસ્મેટિક કંપનીઓએ અને ત્યાર બાદ દુનિયાભરના વિવિધ ક્ષેત્રોનાં ઉત્પાદનોએ ભારતની બજારો પર કબ્જો કરવાનું શરૂ કર્યું.
બસ, છેલ્લાં વીસ-પચ્ચીસ વર્ષથી જ, આપણી રોજબરોજની જિંદગીમાં ધરખમ ફેરફારો આવ્યા. દેખાડો, દંભ અને કોઈને પોતાની પાસે રહેલી 'વસ્તુઓ' બતાવી દેવાની વૃત્તિ વધવા લાગી. આપણી જાણ બહાર જ આ વિષચક્રનો ભોગ દેશનો દરેક સામાન્ય નાગરિક બન્યો. બહુ ટૂંકા ગાળામાં.
આજના તરુણોનો જન્મ એરકન્ડિશન્ડ ઓરડાઓમાં અને પ્રથમ દિવસથી જ કારની મુસાફરી સાથે થયો છે. તેમની દરેક જરૂરિયાત લગભગ વાલીઓ દ્વારા પૂરી થઈ જતી હોય છે. અભાવો કોને કહેવાય એ તેમને ખ્યાલ જ નથી. મા-બાપ પણ કદાચ પોતાના બાળપણમાં ભોગવેલા એ જ અભાવોની ભરપાઈ પોતાનાં સંતાનોની દરેક માંગ પૂરી કરીને કરી રહ્યાં છે. 'અમને જે નહોતું મળ્યું, તે અમારા બાળકોને મળવું જ જોઈએ' એવી લાગણીશીલ ઘેલછામાં આપણે એમને જિંદગીના સૌથી મોટા પાઠ સંઘર્ષ અને ધીરજથી અજાણતા જ વંચિત રાખી દીધા છે.
નાની-નાની ખુશીઓ, જે પેલા મસાલા ડોસા કે ઓવરહેડ શાવરમાંથી મળતી હતી, તે હવે વિદેશ પ્રવાસો કે ફોનના નવા મોડેલમાં પણ નથી શોધી શકાતી. બધું જ આંગળીના ટેરવે હાજર હોવા છતાં, એક અજીબ પ્રકારનો ખાલીપો અને અસંતોષ આ પેઢીના વર્તનમાં ડોકિયાં કર્યા કરે છે.
ત્યાં સુધી પણ ઠીક છે કદાચ, પણ આપણામાં રહેલો ડર આ લોકોમાં બિલકુલ રહ્યો નથી. ઉદ્ધત વર્તન સહજ બનતું જાય છે. સોશિયલ મિડીયામાં છવાઈ જવા પ્રેરિત પ્રદર્શનોમાં અપશબ્દો બોલવા તેમના માટે સહજ છે. ક્ષુલ્લક બાબતોમાં પણ વિરુદ્ધ મત સ્વીકારવા તેઓ અસમર્થ છે.
થોડા ઘણા અંશે વાલી તરીકે આપણે જવાબદાર હોઈ શકીએ, પરંતુ કોઈ પણ મા-બાપ સંતાનોને હંમેશા સારા સંસ્કાર આપવા જ માંગતાં હોય. બહારનાં પ્રલોભનોનો પ્રવાહ એટલો ભયાનક થતો જાય છે કે તેમાંથી બાળકને બચાવવું બહુ વિકટ છે. તમે ક્યાં અને કેટલી જગ્યાએ ધ્યાન રાખી શકો? છટકબારીઓ ગોતવાના તેમની પાસે સેંકડો રસ્તાઓ છે જેની તમે કલ્પના પણ ના કરી હોય.
ન્યૂયોર્કની શેરીઓમાં જે વાસ કાયમ આવતી હોય છે, એ જ ગાંજાની વાસ હવે અમદાવાદના અનેક કાફેમાંથી રાત્રે આવવા લાગી છે. જે (આરજે, ઇન્ફ્યુએન્સર) અદિતિ રાવલે પોતે અનુભવ્યું, કહ્યું છે. ઢાલ જેટલી મજબૂત બનાવવાની કોશિશ કરીએ, સામે શો એટલાં જ તીક્ષ્ણ થતાં જાય છે.
આ પરિસ્થિતિમાં આપણે એમને કાચના મહેલમાં કેદ રાખી શકીએ તેમ તો નથી જ. ઇન્ટરનેટ અને બદલાતા સામાજિક માળખાનો પ્રભાવ એટલો પ્રબળ છે કે માતા-પિતા તરીકે આપણાં મૂલ્યો અને રોકટોક ક્યાંક વામણા પૂરવાર થતા લાગે છે. તો પછી રસ્તો શું છે?
આ નવી પેઢી ખરાબ નથી, પણ અત્યંત ઝડપથી બદલાયેલી દુનિયામાં થોડી દિશાહીન ચોક્કસ છે. તેમની પાસે માહિતીનો અખૂટ ભંડાર છે, પણ એ માહિતીને પચાવવા માટે જરૂરી ડહાપણની કમી છે. કદાચ સમય હજુ પૂરેપૂરો હાથમાંથી સરકી નથી ગયો. અભાવ અને સંઘર્ષની એ જૂની પાઠશાળાના કેટલાક પાઠ આપણે આપણા આધુનિક અને એરકન્ડિશન્ડ ડ્રોઇંગરૂમમાં ફરીથી જીવંત કરવા પડશે.
તેમને તૈયાર રસ્તાઓ આપવા કરતાં, ખુદનો રસ્તો કંડારવાની તક તથા જવાબદારી બન્ને આપવી જરૂરી છે, કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે, માત્ર સુખની છાવણીમાં ઉછરેલા સૈનિકો ક્યારેય જિંદગીનો જંગ જીતી શકતા નથી. ઇતિહાસ હંમેશા તડકામાં તપેલાં અને સંઘર્ષની ભઠ્ઠીમાં ઘડાયેલાં પગલાંઓએ જ રચ્યો છે…

  • ભાવિન છાયા