Shatdal

'એ' હોય તો સિરીયલ જોઈએ, 'એ' ન હોય તો ન જોઈએ!

By GS Team
29 Sep 20264 mins read
'એ' હોય તો સિરીયલ જોઈએ, 'એ' ન હોય તો ન જોઈએ!
  • ગેસ્ટ પોસ્ટ
  • 'તમે ચાલુ સિરીયલે 'રુકાવટ કે લિયે ખેદ હૈ'નું પાટિયું વારંવાર લગાવી દો છો ત્યારે અમને કેટલી અકળામણ થતી હશે તેનો અંદાજ હવે તમને આવે છે?'

આ દેશમાં સામાન્ય નાગરિકે ઓમ્બુડ્સમેન શબ્દ પહેલી વખત ત્યારે સાંભળ્યો જયારે ૧૯૮૯ની સાલમાં 'ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'એ ભારતની સુપ્રીમ કોર્ટના નિવૃત ચીફ જસ્ટિસ પી. એન. ભગવતીની પોતાના ઓમ્બુડ્સમેન તરીકે નિમણૂક કરી. પોતાની સંસ્થા સામે કોઈને ફરિયાદ હોય તો તેને સાંભળવા માટે ઓમ્બુડ્સમેનની નિમણૂક કરવામાં આવે છે. આ કિસ્સામાં જો આ ટોચના અખબારના કોઈ વાચકને કોઈ પણ લેખ કે કોલમો પ્રત્યે કોઈ ફરિયાદ હોય તો તેણે પી. એન. ભગવતીને જાણ કરવાની રહેતી હતી. અલબત્ત, આ પ્રયોગ અલ્પજીવી રહ્યો, કારણ કે તેને ધારી સફળતા ન મળી.
પરંતુ, આજે દૂરદર્શનના એક એવા ક્રાંતિકારી પગલાં વિષે વાત કરવી છે કે જેમાં તેમણે પોતાના કાર્યક્રમો અંગે લોકો શું વિચારી રહ્યા છે તેના ઉપર એક આખી સિરીયલ બનાવી નાખી જેનું નામ હતું, 'તસવીર કે દૂસરા રૂખ'!
દર રવિવારે બપોરે એક વાગ્યે જે રજુ થતી હતી એ આ સિરીયલમાં સુદેશ મહાન અને સીમા બર્મન ઘરે ઘરે ફરીને લોકોનો ઇન્ટરવ્યુ લે છે અને લોકો તેમને દૂરદર્શનના કાર્યક્રમ અંગે રમૂજી પ્રતિભાવો આપે છે.
૧૯૮૭ની આસપાસ રજુ થયેલી ૧૩ હપ્તાની આ સીરિયલમાં મને બે એપિસોડ હજુ પણ યાદ છે.
એક દિવસ આ બેલડી ઇન્ટરવ્યૂ લેવા માટે ફરીદાબાદ તરફ જાય છે. સુદેશ મહાન અને સીમા બર્મનને એક ઘરમાં ખૂબ જ સારો આવકાર મળે છે. પછી આ બેલડી ઇન્ટરવ્યુ શરૂ કરે છે. તેઓ ઘરની મહિલાને પૂછે છે, 'તમે 'બુનિયાદ' સિરીયલ જુઓ છો?'
પેલી મહિલા કહે છે, 'હા એ હોય તો જોઈએ છીએ પણ એ ન હોય તો નથી જોતાં!'
સુદેશ મહાન અને સીમા બર્મનને આ વાત સમજાઈ નહીં, પરંતુ એમણે બીજો સવાલ પૂછયો, 'તમે 'યે જો હૈ જિંદગી' સિરીયલ જુઓ છો?'
ફરીથી પેલી મહિલાએ એ જ જવાબ આપ્યો, 'એ હોય તો જોઈએ છીએ પણ એ ન હોય તો નથી જોતાં!'
સુદેશ મહાન વધુ એક વખત ટ્રાય કરે છે અને પૂછે છે કે, 'શું તમને 'વિક્રમ ઔર વેતાલ' સિરીયલ જોવી ગમે છે?'
મહિલાએ જવાબ આપ્યો, 'જોવી તો ગમે છે, પરંતુ એ હોય તો જોઈ શકાય પણ એ ન હોય તો ન જોઈ શકાય.'
હવે આ ઇન્ટરવ્યૂ લેનાર બેલડી ખરેખર મૂંઝાઈ જાય છે. તેઓ એવું અનુમાન લગાવે છે કે આ એક હરિયાણવી પરિવારનું ઘર છે એટલે આ મહિલા માત્ર તેની પતિની હાજરીમાં જ ટીવી જોઈ શકતી હશે. તેઓ પૂછે છે, 'આપ વારંવાર કહો છો એક એ હોય તો જોઈએ છીએ અને એ ન હોય તો નથી જોતાં… તો 'એ' કોણ છે?'
મહિલાએ જવાબ આપ્યો, 'બિજલી!'
એક જમાનામાં દિલ્હી અને હરિયાણામાં વીજળીની સખત તંગી હતી અને દસ બાર કલાક વીજળી કાપ હોવો સામાન્ય ગણાતું. આ સંદર્ભમાં મહિલા જવાબ આપી રહી હતી કે, જો ઘરમાં ઇલેક્ટ્રિસિટી હોય તો સિરીયલ જોઈ શકાય, ઇલેક્ટ્રિસિટી ન હોય તો ન જોઈ શકાય!
ઔર એક રસપ્રદ કિસ્સો છે. આ બેલડી બીજા એક ઘરમાં ઇન્ટરવ્યુ લેવા જાય છે ત્યારે એક આધેડ તેમનું સ્વાગત કરે છે. વાતચીત શરૂ થાય છે. આધેડને પૂછવામાં આવે છે, 'તમને 'કરમચંદ' સિરીયલ કેવી
લાગે છે?'
આધેડ આદમી જવાબ આપે છે, 'પેલી જાસૂસી સિરીયલ 'કરમચંદ'ની વાત કરો છોને?' એટલું પૂછી એ ભાઈ કહે છે, 'એક મિનિટ હો, હમણાં આવું…' એટલું કહી એ ભાઈ અંદરના ઓરડામાં જતા રહે છે અને એકાદ મિનિટ પછી પાછા આવે છે. પછી કહે છે, 'હા તો તમે 'કરમચંદ' સિરીયલ વિષે પૂછતા હતા… તો કહું કે 'કરમચંદ' સિરિયલ એટલે… એક મિનિટ હો, હમણાં આવું.'
આટલું કહી તેઓ પાછા અંદરના ઓરડામાં જતા રહે છે અને લગભગ બે-ત્રણ મિનિટ પછી પાછા આવે છે. આવું વારંવાર થવા લાગ્યું એટલે ઇન્ટરવ્યૂ લેનાર બેલડી અકળાઈ ઉઠે છે. તેઓ પૂછે છે, 'આ શું મજાક છે?'
યજમાન આદમી હસતા હસતા જવાબ આપે છે, 'તમે ચાલુ સિરીયલે 'રુકાવટ કે લિયે ખેદ હૈ'નું પાટિયું વારંવાર લગાવી દો છો ત્યારે અમને કેટલી અકળામણ થતી હશે તેનો અંદાજ હવે તમને
આવે છે?'
આજના ડિજિટલ યુગમાં કોઈ પણ ટીવી ચેનલ કે ઓટીટી પ્લેટફોર્મની ત્રેવડ નથી કે પોતાની ચેનલ વિષે ટીકાત્મક કાર્યક્રમ રજૂ કરી શકે. ે'તસવીર કા દૂસરા રૂખ' એ દૂરદર્શનની આ દિશામાં શાનદાર પહેલ હતી અને તે માટે તેને આપીએ તેટલા અભિનંદન ઓછા છે. વેવ્ઝ નામના દૂરદર્શનના ઓટીટી પ્લેટફોર્મ પર જો આ સિરીયલનું સ્ટ્રીમિંગ થાય તો મિસ ન કરતા. ખાસ કરીને જેન આલ્ફાને આ સિરીયલ જોવા જેવી છે.

  • ભોલાનાથ રિંડાણી