Shatdal

આઘાતથી આવું થશે નહોતી ખબર મને સાબૂત સૌ ભીંતો રહી, તોરણ બળી ગયું

By GS Team
1 Sep 20268 mins read
આઘાતથી આવું થશે નહોતી ખબર મને સાબૂત સૌ ભીંતો રહી, તોરણ બળી ગયું
  • યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક
  • કોઈ વાતમાં મેં કરકસરની સલાહ આપી, તો એ વિફરી. ધડ દઈને કીધું કે તમારો ભાણિયો સાત લાખ દબાવીને બેઠો છે, ત્યાં બોલવાનો વેંત નથી ને મને શીખામણ આપો છો?

''બા બુભૈ, આ શ્રાવણ શરૂ થયો ને મારી ઉપાધિ વધી ગઈ છે…'' પાંત્રીસ વર્ષની સવિતા ઢીલા અવાજે મોબાઈલમાં બોલી રહી હતી. ''ઘરમાં તેલ નથી, ખાંડ નથી ને મારી પાસે પાંચ રૂપિયાય નથી. વાળીઝૂડીને તારા બનેવીએ બધું જુગારમાં ઊડાડી દીધું છે…''
નાની ઉંમરે મા-બાપનું અવસાન થયા પછી મોટાભાઈ બાબુએ જ સવિતાને ઉછેરી હતી અને લગ્ન પણ કરાવી આપ્યા હતા. જુગારી પતિ વિનોદના ત્રાસથી કંટાળીને સવિતા દર બે-ત્રણ મહિને આવી ફરિયાદનો ફોન કરે ત્યારે બાબુનું લોહી ઉકળી ઉઠતું. એ સવિતાના ઘેર આવીને જરૂરી ચીજવસ્તુઓ લાવી આપતો. સવિતા ધૂ્રસકે ધૂ્રસકે રડીને ભાઈ પાસે હૈયું ઠાલવીને મનનો ભાર હળવો કરતો. જ્ઞાતિમાં વિનોદનું કુટુંબ સારું ગણાતું હતું એટલે એણે સવિતાના લગ્ન કરાવ્યા હતા, પણ પછી ખબર પડેલી કે વિનોદ તો બધી વાતે પૂરો હતો !
આજે સવિતાનો આવો ફોન આવ્યો એ પછી બાબુની કમાન છટકી. પોતાના પુત્રની સાથે ચા, ખાંડ, તેલ અને ચોખા સવિતાના ઘેર મોકલાવ્યાં પછી એણે મોબાઈલ હાથમાં લીધો અને ફાઇટ ટુ ફિનિશ-ની જેમ ફેંસલો કરવાનો નિર્ણય કરી લીધો. પરિસ્થિતિ થાળે પાડવા અને બનેવી વિનોદની સાન ઠેકાણે લાવવા માટે વિનોદના કાકાઓ અને મામાઓને ફોન કરીને ચાર વાગ્યે વિનોદના ઘેર આવવાનું કહી દીધું.
બાબુ વિનોદના ઘેર આવ્યો એ પછી થોડી વારમાં વિનોદના ત્રણે કાકાઓ અને બંને મામાઓ પણ ત્યાં આવ્યાં. એમને જોઇને સવિતા ભડકી. બીજી પળે લગીર સ્વસ્થ થઇને એણે પાંચેય વડીલો સામે હાથ જોડયા. 'નસીબમાં જે લખ્યું હશે એ થશે. મેં બાબુભૈને કીધેલું કે આવા ઉધામા કરવાની કોઈ જરૂર નથી. બાળકને ફોસલાવીને કે ધમકાવીને સુધારી શકાય, પણ સાડત્રીસ વર્ષના આ સાંઢને સમજાવવાથી કોઈ ફેર નથી પડવાનો…'
એને અટકાવીને બાબુએ કહ્યું. 'તું રસોડામાં જા અને ચા-નાસ્તાની વ્યવસ્થા કર. આ ઘરવીંખીને તારો વર વિનાશ કરવા બેઠો છે. મોટાભાઈ તરીકે મારી ફરજ છે કે આ વડીલોને સાચી હકીકત જણાવવી પડે. કાલ ઉઠીને એ કલાકાર કંઇક આડું અવળું કરે એ પહેલાં એમને વાકેફ કરવા પડે…'
મુકેશમામા અને અનિલમામા નીચું જોઇને બેઠા હતા. કાંતિકાકા, સુરેશકાકા અને મનુકાકાની પણ એવી જ હાલત હતી.
બંને મામાઓ સામે આંગળી ચીંધીને બાબુએ આક્રમકતાથી ઉભરો ઠાલવ્યો. 'મારી બેનની જિંદગી બરબાદ કરી નાખી તમારા આ ભાણિયાએ ! પૈસા જ ના આપે તો એ બાપડી ઘર કઇ રીતે ચલાવે ? લગ્નના પાંચ વર્ષમાં તો મારી તમામ બચત સાફ કરી નાંખી છે. બેનની આંખ ભીની ના થાય એટલે મારી શક્તિથી યે વધારે એને આપતો રહ્યો છું. હું પોતે વીસ વર્ષથી જૂનું સ્કૂટર વાપરું છું, પણ બનેવીની ફરમાઈશ પૂરી કરવામાં પાછી પાની નથી કરી. બાઈક બદલવી છે એમ કહીને એ મારી પાસે આવ્યો ત્યારે મેં પૂછ્યું કે નવી કઇ લેવાનું વિચારો છો ? મેં આટલું પૂછ્યું એમાં તો એ ચડી બેઠો. નફ્ફટની જેમ કહે કે સાળાસાહેબ, તમારો બનેવી બુલેટ લઇને ગામમાં ફરશે, એમાં તો તમારોય વટ વધી જશે. ખિસ્સામાં ચાલીસ હજાર છે, બાકીના એક લાખ ચાલીસ હજારની જોગવાઈ તમારે કરી આપવાની છે ! આવી રીતે માગીને કાયમની જેમ તરત ઉમેર્યું કે મેળ પડશે ત્યારે દૂધે ધોઇને તમારો બધો હિસાબ ક્લિયર કરી નાખીશ… એક વર્ષ અગાઉ ટીવી માટે આવો જ ખેલ કરેલો. કહે કે હું તો આખો દિવસ બહાર જ હોઉં છું, તમારી બહેન ઘરમાં બેસીને મનોરંજન મેળવે એ માટે મોટા ટીવીની જરૂર છે. પછી દૂધે ધોઇને વાળો ડાયલોગ ફટકારીને ચાલીસ હજારનો ચૂનો લગાડેલો ! મારાથી થાય પણ શું ? આખી દુનિયામાં મારા સિવાય એનું કોઈ નથી અને મારા માટે બહેન સિવાય કોઈ નથી. બાપાએ મરતી વખતે વચન લીધેલું કે તારી આ બહેનની આંખમાં આંસુનું એક ટીપું પણ છલકાશે, તો મારો આત્મા વલોવાશે. બાપાનો આત્મા દુભાય નહીં એટલે દિલથી મદદ કરું છું. બહારવટિયા જેવો બનેવી જે બોમ્બ ફોડે એ બરદાશ્ત કરું છું !'
'તું તારી વાત કરે છે, પણ આ અડબંગે અમને પણ નથી છોડયા…' મુકેશમામાએ હળવેથી કહ્યું. 'આ ગિલિન્ડરથી ગળે આવી ગયા છીએ. ધંધા માટે જરૂર છે એમ કહીને મારી પાસેથી ટૂકડે ટૂકડે આઠ લાખ ઓકાવી ગયો છે. અનિલ પાસેથી યે ખાસ્સી રકમ ઉસેટી ગયો છે…' આટલું કહીને એમણે સમર્થન માટે અનિલ સામે જોયું.
'એ જે પૈસા લઇ જાય એ ગયા ખાતે જ માનવાના…' સહેજ સંકોચ સાથે અનિલમામાએ મોં ખોલ્યું. 'છ મહિના અગાઉ આ મુદ્દે અમારા ઘરમાં ઝઘડો થયેલો. કોઈ વાતમાં મેં કરકસરની સલાહ આપી, તો એ વિફરી. ધડ દઈને કીધું કે તમારો ભાણિયો સાત લાખ દબાવીને બેઠો છે, ત્યાં બોલવાનો વેંત નથી ને મને શીખામણ આપો છો ? એ યુદ્ધ પછી મેં વિનોદને બોલાવ્યો, સખ્તાઈથી તતડાવ્યો અને ઉઘરાણી કરી તો એ જુગારી કહે કે મામા, હમણાં શાંતિ રાખો. મારા પૈસા આવે તો જ તમારા રસોડામાં ગેસ ઉપર કૂકર ચડે એવું તો નથી ને ? પૈસાની આટલી ઉતાવળ કેમ છે ?' એમણે નિરાશાથી માથું ધૂણાવ્યું. 'સ્વર્ગવાસી બહેનની એકની એક નિશાની એટલે આ નમૂનો ! એ આવો જવાબ આપે પછી આગળ શું બોલવાનું ?'
બંને મામાઓએ પોતાની આપવીતી જે રીતે રજૂ કરી એ સાંભળીને બાબુ લગીર ઠંડો પડયો. 'મોટા ભૈ, આ બધી મોંકાણ સાંભળીને મતિ મૂંઝાઈ જાય છે.' ચાના કપ ટિપોઇ પર મૂકીને સવિતાએ બધાની સામે જોયું. 'ત્રાસ આપવાની બધી હદ એણે વટાવી દીધી છે. મારી આંતરડી કકળાવીને એ કોઈ ભવે સુખી નહીં થાય. મારા નિ:સાસા એનું ધનોતપનોત કાઢી નાખશે. હું તો રોજ પ્રાર્થના કરું છું કે હે ભગવાન ! આ જુગારીનો ન્યાય કરજે.'
'આવા નઠારાનો ન્યાય કરવા માટે ભગવાન નવરો નથી. આ ત્રણ કાકા અને બે મામા-એ પાંચેય આપણા પંચ પરમેશ્વર…' રડતી બહેનને શાંત પાડીને બાબુએ તોપનું નાળચું કાકાઓ તરફ ફેરવ્યું.
'કાંતિકાકા, સુરેશકાકા અને મનુકાકા, સમાજમાં તમારું મોટું નામ છે. સગપણની વાત આવી ત્યારે તમારી આબરૂ જોઇને જ હું આગળ વધ્યો હતો. આ અડબંગને તો હું ઓળખતો નહોતો, પણ તમારી પ્રતિષ્ઠા જોઇને વાત આગળ વધારી હતી. ત્યારે તો તમે એવું કહેલું કે છોકરો સીધી લાઈનો છે, નાના પાયે પોતાનો ધંધો કરે છે. તમારા ભરોસે હું આગળ વધ્યો ને એમાં આ અભાગણીની જિંદગીમાં આગ લાગી ગઈ !'
ત્રણેય કાકા સામે આશા ભરી નજરે જોઇને ઉમેર્યું. 'વડીલ તરીકે તમારે રસ્તો તો શોધવો પડશે ને ? એ લબાડને લાઈન ઉપર લાવવા માટે તમારે લબડધક્કે લેવો પડશે.'
'અમારા ત્રણમાંથી એકેય ઘરમાં એને એન્ટ્રી નથી…' કાંતિકાકાએ સ્પષ્ટતા કરી. 'ત્રણેયનું ખાસ્સી મોટી રકમમાં કરી નાખ્યું છે એ તો સમજ્યા પણ એ કુલાંગાર નામ બોળવા બેઠો છે. એટલે સંબંધ કાપી નાખ્યો છે.'
'મોટા ભૈ, મૂળ મુદ્દાની વાત તો તમે કાઢી જ નથી…' અત્યાર સુધી રડમસ અવાજે બોલતી સવિતાનો અવાજ લગીર મોટો થયો અને એમાં આક્રોશ ઉમેરાયો. બાબુ ઉપરથી નજર હટાવીને એણે કાકાઓ અને મામાઓ સામે જોયું.
'એક વાત સમજી લો. ખાનદાન ઘરની દીકરી છું. ધણી ઓછું કમાતો હોય તો હોબાળો કર્યા વગર રોટલો ને મરચું ખાઈને સંસાર સામે હસતું મોઢું રાખીને જીવવાના સંસ્કાર છે મારામાં..' ગળે ડૂમો ભરાયો હોય તેમ એ લગીર અટકી પછી રડમસ અવાજે ઉમેર્યું. 'પણ એ લબાડના લફરાના લખ્ખણ સહન નહીં કરું. એ હલકટની સાથે હવે એક દિવસ પણ નથી રહેવું. તમે ફેંસલો કરો.'
એણે ધૂ્રસકે ધૂ્રસકે રડવાનું શરૂ કર્યું એટલે બાબુએ બધાની સામે જોઇને ગંભીરતાથી કહ્યું 'તમારા ધ્યાનમાં આ વાત આવી છે કે નહીં એ ખબર નથી, પણ હવે તો આખા ગામને ખબર છે. ઑફિસમાં કારકૂન તરીકે રાખી છે એ સ્વીટી જોડે વિનોદ ચાલુ પડી ગયો છે. સ્વીટી રંગીલી છે ને વિનોદ વંઠેલ છે. આખો દિવસ એ બે એકલા હોય એમાં આવું ના બને તો જ નવાઈ ! બધા પૈસા જુગારમાં અને સ્વીટી પાછળ ઊડાડી મારે છે…' એનો અવાજ વધુ ગંભીર બન્યો. 'સ્વીટીનો વર ગુંડા જેવો છે. દારૂનો અડ્ડો ચલાવે છે. વિનોદ જોડે ગાળાગાળી કરીને મારવાની ધમકી આપી છે તો ય આ અક્કરમી સુધરતો નથી. એ લુખ્ખાએ તો સ્વીટીના બદલામાં વીસ લાખની માગણી કરીને મારી નાખવાની ધમકી પણ આપી છે, એ તમને ખબર છે ?'
'એ પ્રકરણ સાંભળ્યું ત્યારથી જ અમે સંબંધ કાપી નાખ્યા છે…' મનુકાકાએ નિખાલસતાથી ખુલાસો કર્યો. 'લફરું કરીને કુટુંબનું નામ બોળવા બેઠો છે એ કપાતર !' આટલું કહ્યા પછી અત્યારે તક મળી છે એનો લાભ લઇને વિનોદના એકેએક અપલક્ષણો યાદ કરીને ગણાવ્યા.
અંદર ઓરડામાં સવિતાના આંસુ સાથે વાતાવરણ ભારેખમ હતું. એ વખતે બહાર રસ્તા ઉપર ઊભેલા હેડ કોન્સ્ટેબલ હસમુખની હાલત કફોડી હતી. અણગમતા કામની જવાબદારી ઇન્સ્પેકટર જ્યારે એને સોંપે ત્યારે એ પીડાથી વલોવાઇ જતો હતો. ઘર શોધીને જાણે માથા ઉપર પ્રહાર કરતો હોય એમ સમાચાર આપવાના. એ સાંભળીને ઘરના બધા ભાંગી પડે અને રોકકળ કરે - એ કરૂણ કલ્પાંત માટે કાસદ તરીકે જાણે પોતે જ જવાબદાર હોય એવી એને અનુભૂતિ થતી. પોતે જાણે યમદૂત હોય એમ રડનારા બધા એની સામે તાકી રહે એ પરિસ્થિતિમાં એ અકળાતો હતો.
અત્યારે એની દશા એવી જ હતી. પૂછતો પૂછતો એ વિનોદના ઘરે પહોંચ્યો. બારણે ટકોરા માર્યા. અંદર એક સ્ત્રી અને અર્ધો ડઝન પુરુષો વચ્ચે ગંભીર વાતાવરણ હતું. આ ગરીબડાંઓની પીડા વધારવાના વિચારથી એ લગીર ખચકાયો.
'ચોક બજારમાં ઑફિસ છે એ વિનોદભાઈનું ઘર…'
'આ જ છે.' હવે કઇ નવી ઉપાધિ આવી હશે એ બીક સાથે બાબુએ તરત કહ્યું 'બોલો, શું હતું ? હું એનો બનેવી છું અને આ વિનોદની મિસિસ છે.'
બધાની સામે જોઇને હસમુખે ઢીલા અવાજે કહ્યું. 'સમાચાર સારા નથી. કલાક પહેલા ઓફિસમાં ઘૂસીને ત્રણ માણસોએ વિનોદભાઈ ઉપર હુમલો કર્યો. જોડેની ઓફિસવાળાએ અમને ફોન કર્યો એટલે અમે દોડયા, પણ પેલા ગુંડાઓ કામ પતાવીનેે ભાગી ગયા હતા. ગુપ્તીના ઘા એવા કચકચાવીને માર્યા હતા કે વિનોદભાઈ ત્યાં ને ત્યાં જ …'
એણે બાબુ સામે જોયું. 'બહેનથી તો એમની દશા જોઈ નહીં શકાય. તમે લોકો ત્યાં આવો.એ પછી પંચનામું કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવી પડશે…'
બાબુ, બંને મામા અને ત્રણેય કાકા બીજી જ મિનિટે ઊભા થઈને ઘરમાંથી બહાર નીકળ્યા.
આજના અભૂતપૂર્વ અનુભવથી હસમુખનું મગજ ચકરાઈ ગયું હતું. યે તો કમાલ હો ગયા ! મરનારની બૈરીથી માંડીને બધાના ચહેરા ઉપર એની નજર ફરતી હતી. હમણાં રોકકળ ચાલુ થઇ જશે એવી એને દહેશત હતી, પણ એવું કંઇ ના થયું. અચાનક બનેલી ઘટનાનો બધાને આંચકો લાગેલો એટલું જ, બાકી એકેય આંખમાં ઝળઝળિયું પણ જોવા ના મળ્યું. સાતમાંથી એકેય ચહેરા ઉપર વેદનાની આછી પાતળી લકીર પણ ના દેખાણી. આજે તો ખરેખર સાવ ઊંધુ થયું એ આશ્ચર્ય સાથે એણે બાઈક ચાલુ કરી.
(શીર્ષક પંક્તિ : લેખક)