હૂતી: યમનમાં મોંઘવારીના આંદોલનમાંથી જન્મેલું આજનું ખતરનાક વિદ્રોહી સંગઠન

- મીડ વીક- હસમુખ ગજજર
- ૧૯૯૦માં શિયા ઇસ્લામવાદી ધાર્મિક નેતા હુસેન બદરદીન અલ હુતીએ યમનના શાસક અલી અબ્દુલ્લાહ સાલેહના ભ્રષ્ટાચારી શાસન અને મોંઘવારીનો વિરોધ કરવા રાજકીય આંદોલન ચલાવ્યું હતું જે પછીથી ખોફનાક વિદ્રોહી સંગઠન બની ગયું છે.
સા ઉદી અરબ પર યમનના સશસ્ત્ર વિદ્રોહી સંગઠન હૂતીએ હુમલા કરતા ફરી દુનિયાનું ધ્યાન ખેંચાયું છે.૨૦ સપ્ટેમ્બરના રોજ હૂતી સૈન્ય પ્રવકતા યાહ્યા અલ સરીયાએ રાજધાની રિયાધમાં સંવેદનશીલ સ્થળો અને લાલ સાગરના કાંઠે સરકારી ક્રુડ તેલ અને ગેસ કંપની અરામકોની યનબૂ સ્થિતિ માળખા પર હુમલા માટે મોટી સંખ્યામાં બેલેસ્ટિક, ક્રુઝ મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આર્થિક દ્વષ્ટીએ શકિતશાળી અને અમેરિકા સાથે વર્ષોથી ઘરોબો ધરાવતા વફાદાર સાઉદી અરબ પર હૂતીઓ બેખોફ હુમલા કરી શકે છે તેની ઘણાને નવાઇ લાગે છે. ઇઝરાયેલની પેલેસ્ટાઇન પરની સૈન્ય કાર્યવાહી હોય કે ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાન વચ્ચેની લડાઇ હૂતીઓ હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહયા છે. લાલ સાગર (બાબ અલ મંદેબ)ના એક મોટા કાંઠા વિસ્તારમાં હૂતીઓની આણ પ્રવર્તે છે. સાઉદી અરબના ક્રુડ તેલ સપ્લાયની ૮૦ ટકા નિકાસ એશિયાઇ બજારોમાં અહીંથી થાય છે માટે આ સ્થળનું આર્થિક અને રણનીતિક મહત્વ વધારે છે. હૂતીઓ ઇરાનની ખાડી નજીકથી પસાર થતા ઇઝરાયેલ જેવા વિરોધી દેશોના જહાજોને નિશાન બનાવતા રહે છે. ખાડી દેશોમાં ચોકી પહેરો ભરતો અમેરિકાનો નૌકા રસાલો પણ હૂતીઓથી સાવચેત રહે છે. હૂતીઓ નાના રોકેટ લોંચર, ડ્રોન અને બોટમાં બેસીને છુપાઇને હુમલો કરવામાં પાવરધા છે. તેઓ યમનમાં પોતાના નિયંત્રણવાળા વિસ્તારોમાં લોકો પાસેથી બળજબરીથી ટેકસ વસૂલે છે અને પોતાનું નાણુ પણ છાપે છે. લાલ સાગરમાં માલવાહક જહાજોને લૂટે છે તે જોતા તેમના લક્ષણો ચાંચિયા ટાઇપના જણાય છે. સાઉદી અરબ તો હૂતીઓથી એટલું તંગ આવી ગયું છે આ હૂતીઓનું કાંઇક કરો એવી ઇઝરાયેલ અને અમેરિકાને વિનંતી કરી ચુકયું છે. તાજેતરમાં પશ્ચિમ એશિયામાં તુર્કી,પાકિસ્તાન અને સાઉદી અરબે મક્કા સંયુકત સમજૂતી હેઠળ મક્કા પેકટ નામનું એક સંગઠન તૈયાર કર્યુ છે, મક્કા પેકટની રિયાધ ખાતેની બેઠકમાં હૂતીઓ પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આથી આ હૂતીઓ કોણ છે તે કેવી રીતે શકિતશાળી બન્યા તે જાણવા જેવું છે.
૧૯૯૦માં યમનમાં શિયા ઇસ્લામવાદી મનાતા હુતી સંગઠનની શરુઆત જૈદી શિયા ધાર્મિક નેતા હુસેન બદરદીન અલ હૂતીએ યમનના શાસક અલી અબ્દુલ્લાહ સાલેહના મોંઘવારી અને ભ્રષ્ટાચારી શાસનનો વિરોધ કરવા માટે કરી હતી. હૂતીને અંસાર અલ્લાહ આંદોલન તરીકે પણ ઓળખવામાં આવે છે.હૂતી નામ અભિયાનના સંસ્થાપક હુસૈન અલ હૂતીના નામ પરથી પડયું હતું. હુસેન અલ હૂતીએ તત્કાલિન સાલેહ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ મઢીને અમેરિકાના પીઠ્ુ શાસક ગણાવ્યા હતા. હૂતી યમનમાં ૭૫ ટકા સુન્ની જયારે ૨૫ ટકા જૈદી શિયાઓ રહે છે આથી હૂતી જૈદી શિયાઓની રાજકીય ઉપેક્ષાને મુખ્ય મુદ્વો બનાવ્યો હતો. ૨૦૦૪માં હૂતી આંદોલનના પ્રણેતા હુસેન અલ હૂતીનું એક વિરોધ પ્રદર્શનમાં મુત્યુ થયા પછીથી ધીમે ધીમે હિંસક બનવા લાગ્યું હતું. હુસેન અલ હૂતીના ભાઇના નેતૃત્વમાં રાજકીય અનુયાયીઓ યમનમાં શસ્ત્ર અને ધમકીની ભાષામાં વાત કરવા લાગ્યા હતા. લેબેનોનના શિયા રાજકીય અને સૈન્ય સંગઠન હિજબુલ્લાહથી પ્રેરાઇને ધીમે ધીમે એક સશસ્ત્ર સમૂહમાં ફેરવાઇ ગયું હતું. હૂતી સંગઠને અમેરિકા અને ઇઝરાયેલના વિનાશ તથા ઇસ્લામની જીતનો નારો આપ્યો હતો. યમનમાં શિયા સમુદાયને થતા અન્યાય અને શોષણ સામે હૂતીઓ બુલંદ અવાજ બની ગયા હતા. ૨૦૦૩માં અમેરિકાના નેતૃત્વમાં ઇરાક પર હુમલો થયો ત્યારે હૂતી વિદ્રોહીઓ અમેરિકા અને ઇઝરાયેલની સામે પડયા હતા. હુતી. ૨૦૧૦માં યુએનના એક અહેવાલમાં જણાવાયું હતું કે હૂતીઓ હથિયારધારી અને હથિયાર વગરના ૧ લાખથી માંડીને ૧.૨૦ લાખ વિદ્રોહીઓ ધરાવે છે. હૂતીઓ નાના બાળકોની ભરતી કરીને હાથમાં હથિયારો પકડાવીને લડાઇમાં મોકલે છે. શિયા જૈદીઓનું હૂતી સંગઠન સુન્નીઓનો વિરોધ કરતું રહયું છે તેમ છતાં કયાંક બેવડા ધોરણો પણ જોવા મળ્યા છે. જો કે ઇઝરાયેલ અને પશ્ચિમી દેશો સાથે હૂતીઓનું દુશ્મનાવટ ભર્યુ વલણ કયારેય બદલાયું નથી.
અરબ જગતમાં યમન એક ગરીબ દેશ છે જે પોતાની જરુરિયાતનું ૯૦ ટકા અનાજ વિદેશથી આયાત કરે છે. મોટે ભાગે રશિયા અને યુક્રેન જેવા દેશોમાંથી મળતા અનાજ પર નિર્ભર રહયું છે. ૨૦૧૧માં યમનમાં થયેલી અરબ ક્રાંતિ પછી હુતી વિદ્રોહીઓ ખૂબજ શકિતશાળી બન્યા હતા. અરબ ક્રાંતિ દરમિયાન શાંતિ સ્થાપવા માટે ગલ્ફ કોઓપેરેટિવ કાઉન્સિલ (જીસીસી) દ્વારા યમનને ૬ સંધીય ક્ષેત્રોમાં વહેંચી દેવાની પહેલ થયેલી જેને હૂતીઓએ ફગાવી દીધી હતી. હૂતીઓનું માનવું હતું કે યમનનું આ વિભાજન પોતાના નિયંત્રણવાળા વિસ્તારને તોડવા માટે છે. અરબ સ્પ્રિંગ ક્રાંતિ પછી લાંબા સમય સુધી સત્તામાં રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા સાલેહે ફેબુ્રઆરી ૨૦૧૨માં સત્તા છોડવાની ફરજ પડી હતી.
નવા રાષ્ટ્રપતિ અબ્દરબ્બુબ મંસુર હાદીના રાજકીય સ્થિરતા લાવવાના પ્રયાસો નિષ્ફળ જતા યમનની સેનામાં બે ભાગલા પડયા હતા. સેનામાંથી વિદ્રોહ કરનારા ગુ્રપે દક્ષિણ ભાગમાં જયારે યમનના ઉત્તર ભાગમાં હૂતી વિદ્રોહીઓએ મજબૂત વર્ચસ્વ ઉભું કર્યુ હતું. યમનની નબળી રાજકીય અને આર્થિક પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને વર્ષ ૨૦૧૫ની શરુઆતમાં હૂતીઓએ રાજધાની સના પર કબ્જો મેળવી લીધો હતો. હૂતીઓએ પોતાના નિયંત્રણવાળા વિસ્તારોમાં સુન્નીઓના સ્થાને જૈદીઓને મોટા પદ પર બેસાડયા માંડયા હતા.રાષ્ટ્રપતિ હાદીએ સમયની નજાકતને પારખીને હૂતીઓને સત્તામાં ભાગીદારીનો પ્રસ્તાવ મુકયો હતો પરંતુ યમન પર માત્રને માત્ર પોતે જ શાસન કરવાનો અધિકાર છે એવા તોરમાં હૂતીઓએ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. હૂતીઓએ રાષ્ટ્રપતિ હાદીને સત્તા છોડાવીને સાઉદી અરબ ભાગી જવા મજબૂર કર્યા હતા. સાઉદી અરબે હાદીનો પક્ષ તાણીને હૂતીઓને પાઠ ભણાવવા યમનમાં સૈન્ય કાર્યવાહી શરુ કરતા હૂતીઓ ભૂંરાટા થયા હતા. સાઉદીને સૈન્ય અભિયાનમાં યુએઇ,બહેરીન સહિતના અરબ દેશોએ મદદ કરી હતી પરંતુ હૂતી વિદ્રોહીઓએ સૈન્ય કાર્યવાહીનો બરાબર પ્રતિકાર કરીને યમનના વિસ્તારો પર પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. લેબનોનના ખુંખાર આંતકી અને ઉગ્ર રાજકીય સંગઠન હિજબુલ્લાહને હુતી વિદ્રોહીઓ અનુસરતા હતા. ૨૦૧૪માં હિજબુલ્લાહએ જ હૂતી વિદ્રોહીઓને સશસ્ત્ર લડવૈયા બનવાની તાલીમ આપી હોવાનું બહાર આવ્યું હતું. સાઉદી અરબ અને અમેરિકા પહેલેથી જ માને છે કે હૂતી વિદ્રોહીઓને ઇરાન મદદ કરે છે. ૨૦૧૭માં સાઉદી અરબની રાજધાની રિયાધ પર હુમલા થયેલા હૂતીઓને મિસાઇલો આપવાનું આળ ઇરાન પર ચડયું હતું. હૂતીઓ પાસેના આધુનિક હથિયારો કોઇ દેશની સેના પાસે હોય તેવા મજબૂત પ્રકારના હતા. હૂતીઓ પાસે હાલમાં એવા શસ્ત્રો છે જેનો સપ્લાય સંયુકત રાષ્ટ્રની પ્રતિબંધ યાદીમાં આવે છે.
૨૦૧૯માં હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરબના તેલ કારખાનાઓ પર અનેક ડ્રોન છોડીને હુમલો કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં હૂતી વિદ્રોહી સંગઠનને આતંકી જાહેર કર્યું હતું.જો કે ટ્રમ્પના આ નિર્ણયને ઉતરાધિકારી જો બાયડને ફેરવીને આંતકવાદી જૂથ હોવાનો દરજજો પાછો ખેંચી લીધો હતો. ટ્રમ્પે પોતાના વર્તમાન બીજા કાર્યકાળમાં ફરી હૂતીઓને જૂના લિસ્ટમાં ધકેલી દીધા છે. નિષ્ણાતોનું માનવું છે કે હૂતી જૈદી શિયાનું સંગઠન હોવાનો ભલે દાવો કરે પરંતુ કેટલાક પરંપરાગત જૈદીઓ પણ હૂતીનો વિરોધ કરતા રહયા છે કારણ કે હૂતીઓ પોતાની મૂળ માંગણીઓ અને ઉદ્દેશથી ભટકી ગયા છે.જો કે પરિસ્થિતિ એવી છે કે યમનમાં શાંતિ સ્થાપવા માટે હૂતીઓની ઉપેક્ષા થઇ શકે તેમ નથી. યમનમાં આંતરિક વિદ્રોહ ઉપરાંત વિદેશી હિતોનું પ્રોકસી વોર પણ છે. સાઉદી અરબ, અમેરિકા અને પશ્ચિમી જગત હૂતીઓને ખુંખાર આંતકી સંગઠન માને છે તો ઇરાન પીડિત અને શોષિત સમજે છે. હૂતીઓના હુમલા પશ્ચિમી દેશોના હિતો સાથે જોડાયેલા સાઉદી અરબને ટાર્ગેટ કરે છે તો ઇરાન હૂતીઓની મદદથી મધ્ય પૂર્વમાં પ્રોકસી વૉર લડી રહયું છે. યમનની લડાઇમાં અત્યાર સુધી ૩ લાખથી લોકોના મુત્યુ થયા છે જયારે ૪૮ લાખથી વધુ વિસ્થાપિત થયા છે. વિદેશી શકિતઓ પોતાના લાંબા ટુંકા ગાળાના હિતમાં હૂતીઓનું સમર્થન કે વિરોધ કરતી રહી છે. દરેક પક્ષ ફાયદો અને નુકસાનની ગણતરી સાથે લડાઇ લડે છે જેમાંથી હૂતી વિદ્રોેહીઓ પણ બાકાત નથી. એક સમયે મોંઘવારી અને ભ્રષ્ટાચારમાંથી જન્મેલું હૂતી સંગઠન મધ્યપૂર્વના આંતરરાષ્ટ્રીય રાજકારણનો અખાડો બની ગયું છે. મક્કા પેકટ હેઠળ સાઉદી અરબ,તુર્કી અને પાકિસ્તાન જો હૂતીઓ સામે સૈન્ય કાર્યવાહી કરશે તો મધ્ય પૂર્વમાં અશાંતિનો એક મોટો ભડકો થતા વાર લાગશે નહી.




